જામનગરના ખેડૂતે આ કારણે 20 વીઘાનો કપાસ સળગાવ્યો

PC: Youtube.com

રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં સતત વધારો કરી રહ્યો છે. એક તરફ વીમા કંપનીઓ સરવે નામે ખેડૂતોને વીમો ચૂકવવા માટે મોડું કરી રહી છે, તો કેટલીક જગ્યા પર વીમા કંપનીઓના માણસો સરવે કરવામાં મનમાની કરી રહ્યા છે. જેમ તેમ કરીને ખેડૂતો પોતાના ખેતરમાં નવો પાક વાવવાની તૈયારી કરે ત્યાં તો વરસાદનું ઝાપટું આવીને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી જાય છે, ત્યારે કેટલાક ખેડૂતો હવે કંટાળીને પોતાના પાકને સળગાવી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર ગઈ કાલે ગોંડલ સહિતના કેટલા વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં રહેલો ડુંગળી, જીરું અને કપાસ સહીતનો પાક વરસાદમાં પલળી ગયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે ખડૂતોના પાકમાં ભેજ લાગે છે અને સરકાર દ્વારા ભેજવાળા પાકની ખરીદી કરવામાં આવતી નથી, ત્યારે હવે ખેડૂતો માટે વરસાદની સાથે સાથે ઈયળે પણ મુશ્કેલી વાધરી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોના કપાસમાં ગુલાબી ઈયળોનું આક્રમણ જોવા મળ્યું છે. આ ઈયળના કારણે ખેડૂતોનો કપાસ નિષ્ફળ થઈ રહ્યો છે. ઈયળના કારણે કપાસ નિષ્ફળ થવાથી જામનગરના હરીપર ગામના એક ખેડૂતે પોતાના 20 વીઘા ખેતરમાં થયેલા કપાસને સળગાવ્યો હતો.

પાક સળગાવવા બાબતે ખેડૂતનું કહેવું છે કે, પાકને માર્કેટિંગ યાર્ડમાં લઇ જવામાં આવે તો વેપારીઓ દ્વારા રીજેક્ટ કરવામાં આવે છે અને અમારે ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ માથે પડે છે, એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં કપાસને લઇ જવા કરતા સળગાવી દઈએ તો વધારે સારું. આમ કમોસમી વરસાદ અને ઈયળના કારણે ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટના પડધરીના મોવૈયાના ખેડૂતોએ વરસાદથી ખરાબ થઇ ગયેલી મગફળી અને મગફળીના પથારા સળગાવીને વિરોધ કર્યો હતો. એક ખેડૂતે 15 વીઘા જમીનમાં મગફળી સળગાવી હતી. કમોસમી વરસાદ પછી મગફળીના ખરાબ પાકને ખેતરમાંથી નિકાલ કરવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોવાના કારણે તેમને મગફળી અને પાથરા સળગાવવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp