કચ્છના રાપરમાં વકીલની જાહેરમાં હત્યા, ઘટના CCTVમાં કેદ. આરોપી ફરાર

PC: youtube.com

કચ્છના રાપરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે વકીલ દેવજી મહેશ્વરી (ઉ.વ 50)ની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના એવા પડઘા પડ્યા હતા કે, મોડી રાત્રે અંજાર-મુંદ્રા હાઈવે પર ટાયર સળગાવીને આગચંપી કરી દેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાપર શહેરમાં લોકચાહના અને જાણીતું નામ હોવાને કારણે માનકુવા, સુખપર ગઢશીસા ગામમાં પણ તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

CCTVના ફૂટેજ પરથી આશંકાના આધારે પોલીસે આરોપીનો ફોટોગ્રાફ જાહેર કર્યો છે. આ હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. માત્ર 10 જ સેકન્ડમાં વ્યક્તિનો જીવ લઈ લીધો હતો. જાણે હુમલાખોર વકીલની રાહ જોઈને ઊભો હતો. આ હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. જેને ઝડપી લેવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. દરેક એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ હત્યા પાછળનું કારણ શું એ હજુ સુધી અકબંધ છે. વકીલ દેવજીભાઈ મહેશ્વરી મૂળ લખપત તાલુકાના નરા ગામના વતની હતા. જે છેલ્લા વીસ વર્ષથી વકીલાત કરતા હતા. આ ઉપરાંત ઈન્ડિયન લોયર એસો.ના અધ્યક્ષ પદે પણ હતા. રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના કાર્યાલયની બાજુમાં જ એમની ઓફિસ છે. શુક્રવારે સાંજે જ્યારે તેઓ પોતાની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે.

આ સમયે એક યુવાન છરી લઈને બહાર એની રાહ જોઈને ઊભો હતો. જેવા દેવજીભાઈ ઓફિસના પગથિયા ચડ્યા કે તરત જ હુમલાખોરે તેના પર હુમલો કર્યો. છરીના દમદાર ઘા માર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. વકીલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું છે. CCTVમાં હુમલો કરનાર વ્યક્તિ નજરે ચડે છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો. તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. CCTV પરથી પોલીસે આરોપીનો શંકાસ્પદ ફોટો જાહેર કર્યો છે. ખાસ વાત એ છે કે, હુમલાખોરના મોબાઈલમાં ચાર્જિંગ ન હોવાને કારણે નજીકમાં આવેલી પાંઉભાજીની દુકાને તે મોબાઈલ ચાર્જમાં મૂકે છે. જેથી તે દુકાનના CCTVમાં આવી ગયો હતો. જોકે, હુમલો કરીને તે મોબાઈલ લેવા માટે પણ ઊભો રહ્યો ન હતો. પોલીસે એનો મોબાઈલ જપ્ત કરી ડ્રાઈવિંગ લાયસન્સના આધારે તપાસ શરૂ કરી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે, વકીલના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp