શહેરો-નગરોના સર્વગ્રાહી વિકાસ માટે 2 વર્ષમાં 200 ટી.પી.સ્કીમને મંજૂરી આપી છે: CM

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, શહેરો-નગરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે 20 વર્ષમાં 200 ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાકિય ક્ષેત્રના વિકાસ માટે ચાલું વર્ષે જ 100 ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં મંજૂર કરવામાં આવેલી 200 ટી.પી. અને 12 ડી.પી. સ્કીમ સંપૂર્ણ પારદર્શિકતાથી અમલમાં મૂકાઇ છે. જેને કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરો વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા શહેરો તરીકે ઉભરી આવ્યા છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિ-દિવસિય ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે, શહેરી ક્ષેત્રના વિકાસ માટે ટી.પી.સ્કીમની મંજૂરી સહિતના જે પગલાંઓ લેવામાં આવ્યા છે તેનાથી ગુજરાતની કન્સ્ટ્રકશન એક્ટિવિટીને બુસ્ટ મળશે. તેમણે કહ્યું કે, ગુજરાત આજે સમગ્ર દેશમાં ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. અન્ય રાજ્યોના વહિવટી તંત્રો અને લોકો ગુજરાતની વિકાસગાથા અને સિસ્ટમને સમજવા માટે ગુજરાત આવી રહ્યા છે તે ગુજરાતની પ્રગતિની પારાશીશી છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વિકાસની 20-20 જેવી ઝડપથી ગુજરાતને આજે દેશના વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગની વિશેષ ચિંતા કરીને લો કોસ્ટ હાઉસિંગની વ્યવસ્થા અને તેના માટેની પોલીસી અમલી બનાવી, જ્યાં પણ ઝુપડપટ્ટીઓ છે ત્યાં નવા મકાનો અને ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અનેક મકાનો બનાવી સંપૂર્ણ પારદર્શકતાથી હાથોહાથ ઘરની ચાવી લાભાર્થીઓને આપી છે.

વિકાસની ગતિને તેજ બનાવવા માટે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં ડિજિટાઇઝેશન અને અરજી તથા મંજૂરીઓ ઓનલાઇન આપવાની વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે, જેથી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે અને લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, સાથે જ પારદર્શીતા આવે તેવી નેમ તેમણે દર્શાવી હતી.

તેમણે કહ્યું કે, આપણે ત્યાં બાંધકામ ક્ષેત્રમાં રોજગારીની વ્યાપક તકો રહેલી છે. આ રોજગારીને પરિણામે અર્થતંત્રને પણ ગતિ મળશે, જેનાથી ગુજરાતની અર્થવ્યવસ્થા વધુ મજબુત બનશે. મુખ્યમંત્રીએ ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ ગાહેડ-ક્રેડાઇને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં 45 ટકાથી વધુ વસ્તી શહેરી ક્ષેત્રમાં વસવાટ કરે છે અને 55 ટકા વસ્તી ગ્રામિણ ક્ષેત્રમાં વસવાટ કરે છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી 10 ફાસ્ટ ગ્રોઇંગ સિટીમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો છે. તે જ દર્શાવે છે કે, ગુજરાતમાં શહેરો ખુબ ઝડપીથી વિકસી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જે પ્રમાણે શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તે પ્રમાણે તેમા વસવાટ કરતા નગરજનોને પણ પ્રાથમિક સુવિધાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આવનારા 25 વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરે છે અને તે પ્રમાણે યોજનાઓ કાર્યાન્વિત કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારી સરકાર પ્રજાની સરકાર છે. લોકોને પોતાની સરકાર હોય તેવી લાગણી જન્મે તે માટે લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ મુજબ ત્વરિત અને ઝડપી નિર્ણયો પારદર્શકતાથી લઇ રહ્યા છીયે.

તેમણે કહ્યું કે, ઝડપથી વિકસતા ક્ષેત્રો સાથે કદમ મિલાવવા માટે આજે ઝડપી નિર્ણયો લેવાય તે જરૂરી છે તેની સાથે-સાથે નિર્ણયક્તા સાથે સમયની માંગ મુજબ નિર્ણયો લેવાય તો જ ઝડપી વિકાસની ગતિ સાથે ગુજરાત કદમ મિલાવી શકે. ગુજરાતે દેશભરમાં માળખાકિય ક્ષેત્રના વિકાસથી અમુલ પરિવર્તન સાથે દેશને દિશા ચિંધનારો વિકાસ કર્યો છે.

વિજય રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે વિકાસની રેખા અંકિત કરી હતી તેને વધુ ઉંચાઇએ લઇ જવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નયા ભારતની જે સંકલ્પના વ્યક્ત કરી છે તેમાં ગુજરાત અગ્રેસર રહેશે. આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સતત પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ઇન્ડ્રસ્ટ્રીનો વ્યાપક પણ વધી રહ્યો છે અને રોજગારીની વિપુણ માત્રમાં તકો ઊભી થઇ રહી છે.

ઉર્જા મંત્રીએ ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ તમામ હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં 3 વર્ષમાં 1400 વધુ પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી ગુજરાતની પ્રજાને ઘણા ફાયદો થયો છે. મહેસુલ મંત્રીએ કહ્યું કે, મહેસુલ વિભાગે ટેક્નોલોજીના ઉપયોગ પર સૌથી વધુ ભાર મૂક્યો છે. અત્યારે ઓફલાઇન સિસ્ટમમાંથી ઓનલાઇન સિસ્ટમ તરફની દિશામાં આગળ વધી રહ્યા છે. સતત પ્રજાલક્ષી નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.

આ ફ્લેગશિપ કાર્યક્રમમાં 65થી વધુ ડેવલપર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકાર લઈ રહેલા 150 થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. ક્રેડાઇ નેશનલના ચેરમેન જક્ષય શાહે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલ નીતિવિષયક સુધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજનથી સમગ્ર રાજ્યમાં સુનિયોજિત વિકાસની બહારથી રોકાણકારોનો પ્રવાહ વધશે અને વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપ પણ વધવાને પરિણામે શહેર માં માયગ્રેશનને લીધે વધારાના આવાસોની માંગ ઉભી થશે તેમજ અમદાવાદના નવા વિકાસ પામી રહેલ વિસ્તારોમાં રોકાણકારોનો પ્રવાહ વધશે જેથી મિલકત ખરીદવા માટેની આ ઉત્તમ તક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp