CM વિજય રૂપાણીએ 7 ટી.પી સ્કીમને મંજૂરી આપી

PC: gujaratexclusive.in

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-19ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા અને દેશને આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભરતા માટે અગત્યની એવી આંતરમાળખાકીય-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની વૃદ્ધિની નેમ પાર પાડવા અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસની નવતર કેડી કંડારી છે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને ડિમાન્ડના પાંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે.

મુખ્યમંત્રીએ આ પાંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરમાં સુઆયોજીત વિકાસ ત્વરિત અને પારદર્શી ઢબે કરવાના અભિગમથી 7 જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સતત બે વર્ષથી ટાઉન પ્લાનીંગ સ્કીમની મંજુરીની સદી બાદ ત્રીજા વર્ષે પણ ટી.પી. સ્કીમની મંજૂરીનો અવિરત પ્રવાહ ચાલું રહ્યો છે.

2020માં કોરોના વાયરસ સંક્રમણને કારણે લોકડાઉનની સ્થિતિ છતાં વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે-કોરોના સાથે સાવચેતીપૂર્વક જીવન જીવવાનો રવૈયો અપનાવી જનજીવન પૂર્વવત થાય અને માળખાકીય વિકાસકામો સહિતના કાર્યોમાં નવી ગતિ-નવી દિશા આવે તે માટે અનલોક-1 અંતર્ગત શરૂઆતમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમની પ્રથમ અઠવાડિયામાં મંજુરી બાદ બીજા અઠવાડિયામાં વધુ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને પરવાનગી આપી છે.

આમ, સમગ્રતયા 2020માં લોકડાઉનની સ્થિતી વચ્ચે પણ મુખ્યમંત્રીએ 11 ડ્રાફટ ટી.પી, 11 પ્રીલીમીનરી ટી.પી, 3 ફાયનલ ટી.પી. એમ કુલ મળીને 25 ટી.પી અને એક ફાયનલ ડી.પી. મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં મંજૂર કરેલી ટી.પી. સ્કીમમાં અમદાવાદની છ ડ્રાફ્ટ ટી.પી. તથા એક પ્રીલીમીનરી ટી.પી.નો સમાવેશ થાય છે.

જેમાં કલાણાની ટી.પી.સ્કીમ નં.383, 140/અ, 140/બ, 141 અને 144 તથા સનાથલની ટી.પી.સ્કીમ નં.404 (બી) ના ડ્રાફ્ટને મંજૂરી તથા ટી.પી.સ્કીમ નં.36 (છારોડી)ની પ્રીલીમીનરી મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. અમદાવાદ-ઔડા વિસ્તારની છ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા ખાસ કરીને કલાણાના ગામતળ એક્સટેન્સન તથા ઔદ્યોગિકનો ઘણો મોટો વિસ્તાર તેમજ સનાથલના શહેરથી થોડે દૂરના અંતરોના ગામોમાં વિકાસની વધુ તકો ઉપલબ્ધ થઇ છે તથા આશરે 600 હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળ્યો છે.

અમદાવાદ-ઔડા વિસ્તારની છ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમથી સત્તામંડળને 215 જેટલા જાહેર હેતુની પ્લોટો સંપ્રાપ્ત થશે. આવા જાહેર હેતુના સંપ્રાપ્ત થનારા પ્લોટોમાં આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ (SEWSH) માટે આશરે 25.65 હેકટર્સ જમીન, બગીચા/ખુલ્લી-જગ્યા/રમત-ગમતના મેદાન વિગેરે માટે આશરે 22.00 હેકટર્સ જમીન તેમજ સામાજીક માળખા માટે આશરે 26.20 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે લગભગ 68.00 હેકટર્સ જમીન ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીએ ડ્રાફ્ટ સ્કીમના રસ્તાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપવા પણ તાકીદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp