NCPના ધારાસભ્ય સામે નહીં થાય કાર્યવાહી, જાણો શું કહ્યું જયંત બોસ્કીએ

PC: facebook.com/jayantboskey.patel

કોરોનાની મહામારી વચ્ચે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક ઉમેદવારની જીત થઇ છે અને ભાજપના ત્રણે-ત્રણ ઉમેદવારની જીત થઇ છે. રાજ્યસભાની ચૂંટણી વચ્ચે કોગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા અને ત્યારબાદ કોંગ્રેસ માટે NCP અને BTPના મત ખૂબ જ મહત્ત્વના હતા. પરંતુ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો અને BTPના બે ધારાસભ્યોએ મત આપ્યો જ નહોતો. NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષ દ્વારા કોંગેસને મત આપવા માટેનો વ્હીપ આપવામાં આવ્યો હતો છતાં પણ તેમને પક્ષના વ્હીપનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હતો.

કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યા પછી એવા એંધાણ વર્તાઈ હતા કે, પક્ષ દ્વારા કાંધલ જાડેજાની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ આપેલા નિવેદનને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જયંત બોસ્કીએ હવે સ્પષ્ટ કર્યું છે કે, ધારાસભ્ય કાંધલ જાડેજાએ પક્ષના આદેશ અનુસાર જ મતદાન કર્યું છે. NCP પ્રદેશ પ્રમુખના આ નિવેદનને લઇને હવે કાંધલ જાડેજાની સામે પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તો બીજી તરફ જયંત બોસ્કીએ કોંગ્રેસના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ નિવેદન આપ્યું હતું કે, અમારા ધારાસભ્યએ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું હતું તે પ્રમાણે મતદાન કર્યું છે. જ્યારે-જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે તે સમયે કોંગ્રેસના આઠથી દસ ધારાસભ્યો વેંચાઈ જાય છે. એનો શ્રેય અમારા પર નાંખવાનો કોઈ અધિકાર નથી. અમે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સાથે છીએ અને કેન્દ્રની સરકારમાં અમારા શરદ પવાર કૃષિમંત્રી હતા. એટલે પાર્ટીના સિદ્ધાંતથી જ અને પાર્ટીના આદેશથી કાંધલ જાડેજાએ મતદાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીના મતદાન પહેલા NCPએ કોંગ્રેસની સાથે રહેવાનો દાવો કર્યો હતો અને એક પ્રેસનોટ બહાર પાડીને કાંધલ જાડેજાને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે વ્હીપ આપવામાં આવ્યો હતો પરંતુ જ્યારે ભાજપના ત્રણ ઉમેદવારોની જીત થઈ છે, ત્યારે NCP પ્રદેશ પ્રમુખે જ પોતાનું નિવેદન બદલીને કાંધલ જાડેજા સામે પક્ષ કોઈ કાર્યવાહી કરશે નહીં તેવું સ્પષ્ટ કર્યું હતું. તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી વચ્ચે શંકરસિંહ વાઘેલાને પક્ષમાંથી સાઈડલાઈન કરવામાં આવતા તેનમે પણ NCPમાંથી ફિક્સિંગ થતું હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp