ખરીદેલાને ટિકિટ ન આપો, પછી જોઈએ કોણ જીતે છે, અમિત ચાવડાની CMને ચેલેન્જ

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે ફરી એક વખત પેટાચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હજુ તો ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 8 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. ત્યાં તો ભાજપ કોંગ્રેસ દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ મીડિયા સાથે વાતચીત કરતા આઠે આઠ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો અને ભાજપમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ ન હોવાની એમને વાત કરી હતી. ત્યારે હવે ભાજપના નેતાના નિવેદનને લઈને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કાર્યકર્તા કે, નેતાઓને ટિકિટ નહીં આપીને જીત મેળવવાની ચેલેન્જ કરી હતી.

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે ભ્રષ્ટ શાસનથી ભેગા કરેલા પૈસાના જોરે જન પ્રતિનિધિઓને ખરીદ્યા છે. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોનામાં કેટલી હિંમત છે એ અંગે ચૂંટણી જાહેર થયા બાદ જ ખબર પડશે. મારી મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષને એક ચેલેન્જ છે કે, જેમને કરોડો રૂપિયા આપીને ખરીદી કર્યા છે, તે લોકોને ટિકિટ ન આપો. તમારા પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપો પછી જોઈએ કોણ જીતે છે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી યોજવા ચૂંટણીપંચ દ્વારા રાજકીય પાર્ટી પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ અને ભાજપે પણ તેમના અભિપ્રાયો મંગાવ્યા હતા. ત્યારબાદ રાજકીય પક્ષોને આશા હતી કે, બિહારની ચૂંટણી જ્યારે ચૂંટણીપંચ જાહેર કરશે ત્યારે ગુજરાતની 8 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી અને અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી જાહેર કરશે પરંતુ ચૂંટણીપંચ દ્વાર 8 બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી નથી. છતાં પણ ફરી ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.

બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં ગુજરાત કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓને હાઈકમાન્ડ દ્વારા જવાબદારી આપવામાં આવી છે. આ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બિહારના કોંગ્રેસના પ્રભારી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. આ ઉપરાંત ગુજરાતમાંથી પણ અનેક નેતાઓ બિહારમાં ચૂંટણી પ્રવાસ કરશે અને ખાસ કરીને ગુજરાત મોડલની નિષ્ફળતાઓ બિહારમાં ઉજાગર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp