આ આંદોલનને પગલે અરવલ્લી-ઉદયપુર હાઈવે સૂમસામ, ઢાબા પર ટ્રકનો ખડકલો

PC: news18.com

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં છેલ્લા 15 દિવસથી શિક્ષક ભરતી મામલે આંદોલન થઈ રહ્યું છે. પણ શુક્રવારે બપોરે આ આંદોલન આક્રમક અને હિંસક બની ગયું હતું. રાજસ્થાન-ગુજરાત હાઈવે પર વાહનો સળગાવી આગચંપી કરવામાં આવી હતી. પેટ્રોલ પંપ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બોર્ડર પર ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર અટકી ગયો છે.

રાજસ્થાન બોર્ડર પાસે અરવલ્લી જિલ્લામાં આંદોલનના પડઘા ન પડે એ માટે પહેલેથી જ બોર્ડર પર પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે. આ નેશનલ હાઈવે બંધ થતા ટ્રક તથા અન્ય વાહનોને અંબાજી-છીપરી ચેકપોસ્ટ તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે. જેથી અંતર વધી ગયું છે. જ્યારે કેટલાક ટ્રકવાળાઓએ હાઈવે પર આવેલા ઢાબા પર ટ્રક પાર્ક કરી દીધા છે. અત્યારે રાજસ્થાન બોર્ડર બંધ કરી દેવાતા અરવલ્લી હાઈવે સુમસામ બની ગયો છે. શ્યામલાજી-ઉદયપુર હાઈવે સતત ધમધમતો હાઈવે છે. પણ આ આંદોલનને કારણે હાઈવે પર કોઈ ચહલપહલ નથી. હજારો ટ્રક હાઈવે પર આવેલી હોટેલ પર થંભી ગયા છે. અમદાવાદ-ઉદયપુર હાઈવે છેલ્લા 36થી પણ વધારે કલાકથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. ડુંગરપુર અને બાંસવાડામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ આંદોલનને વેગ આપવા માટે ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ તરફથી શ્યામલાજી પાસે આંતર રાજ્ય બોર્ડર નજીક આશ્રમ ચાર રસ્તા પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. આ આંદોલનની અસર જિલ્લાના સરહદી વિસ્તારમાં નથી. ડુંગરપુર નજીક શુક્રવારે બપોરે 20 વાહનોને આગચંપી કરવામાં આવી હતી. નેશનલ હાઈવે 8 બંધ કરી દેવામાં આવ્યો છે. જે હિંમતનગર-શ્યામલાજીથીને ઉદયપુર સુધી જાય છે. આ આંદોલનને કારણે હાઈવે પરની ચહલપહલ ઘટી ગઈ છે. હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા છે. જેના કારણે અનેક લોકો અટવાયા છે. બે વર્ષ પહેલા શિક્ષકોની 5431 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. જે ભરતી પ્રક્રિયા દરમિયાન બેઠકોની ઠરાવેલ ટકાવારી અનુસાર આદિજાતિની 589 અને અન્ય 965 જગ્યાઓ પર ઉમેદાવારોની ભરતી કરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ પર આદિજાતિ વિદ્યાર્થીઓનો ઉમેદવારીનો પ્રશ્ન છેડાયો છે. આ ટકાવારી અને બેઠકોના મુદ્દે આંદોલન શરૂ થયું હતું. જેને શુક્રવારે એક હિંસક રૂપ ધારણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp