અમદાવાદ પોલીસે લીસ્ટેડ બુટલેગરને પાઠ ભણાવવા માટે ભત્રીજાઓને ઢોર માર માર્યો!

PC: Khabarchhe.com

પોલીસ અને ગુનેગારનો સંબંધ સાસુ-વહુ જેવો હોય છે, બંન્નેને એકબીજા વગર ચાલતુ નથી અને સાથે રહી શકતા નથી. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉ દારૂનો ધંધો કરતા બુટલેગરે જયારે પોલીસ સામે શીંગડા ભરાવ્યા,તો ભરાઈ ગયાનો અહેસાસ થતાં પોલીસે બુટલેગરને પાઠ ભણાવવા માટે બુટલેગરના ભત્રીજાઓને શાંતિ ભંગના ગુનામાં પકડી મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યો હતો,પણ જયારે આ મામલો મેજીસ્ટ્રેટ સામે રજુ થતાં કોર્ટે આ મામલે સિવિલ હોસ્પિટલના ડૉકટરને પોતાનો રીપોર્ટ આપવા આદેશ કર્યો છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં દશરથ પઢેરીયા ઉર્ફે દચો મારવાડી દારૂનો ધંધો કરતો હતો,લોકોની નજરમાં દારૂનો ધંધો કરતો દચો ત્યારે પોલીસ અધિકારીઓનો પ્રિય હતો કારણ દારૂના ધંધાને કારણે દચો અને પોલીસ બંન્ને ખુશ રહેતા હતા,સ્વભાવીક છે પોલીસની ભાષામાં માંગેલા કેસ થાય છે જેમાં પોલીસ અને બુટલેગર ગોઠવણી કરે છે અને બુટલેગર સામે ચાલી દારૂ અને માણસો આપી પોતાની ઉપર કેસ કરાવે છે કારણ પોલીસને પણ પોતાની કામગીરી બતાડવાની હોય છે.

ચાર વર્ષ પહેલા દશરથે દારૂનો ધંધો બંધ કર્યો ત્યાર પછી દશરથ અને મેઘાણીનગર પોલીસના સંબંંધોમાં ખોટ આવી, મેઘાણીનગર પોલીસ ગમે ત્યારે તેના ઘરમાં ચેંકીંગના બહાને ઘુસી જતી હતી,વર્ષો સુધી પોલીસ સાથે કામ કરનાર દશરથ કાયદો જાણતો હતો,તેણે પોલીસ સામે લાલ આંખ કરતા પોલીસની ત્રાસ વધ્યો પોલીસ અધિકારીઓ માનવા લાગ્યા કે દશરથ હેસીયત બહાર જઈ રહ્યો છે, આખરે દશરથ પણ આ મામલે ગુજરાત હાઈકોર્ટ પહોચ્યો અને મેઘાણીનગર પોલીસ સહિત ડીસીપીને પક્ષકાર બનાવી પીટીશન કરી.

મામલો હાઈકોર્ટ પહોંચતા દશરથે પોલીસને પડકારવાની ભુલ કરી હોય તેમ પોલીસ ગીન્નાઈ, બે દિવસ પહેલા પોલીસે દશરથ જયાં રહેતો હતો ત્યાંથી દશરથના બે ભત્રીજા સહિત નવ યુવકોને પકડયા, તેમનો ગુનો હતો કે તેઓ રાતના કરફયુના સમયમાં રસ્તા ઉપર હતા આ યુવકો સામે પોલીસ કાર્યવાહી કરે તેમાં કોઈ વાંધો ન્હોતો. પણ પોલીસે દશરથના ભત્રીજા પ્રિતેશ અને સૌરભને ઢોર મારવાની શરૂઆત કરી સર્વેલન્સ પીએસઆઈ હરકટ અને તેમનો સ્ટાફ આખી રાત ઢોર માર મારતો રહ્યો જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ.

બીજા દિવસે સુલેહ શાંતિના ભંગ બદલ જયારે તમામ આરોપીઓને મેજીસ્ટ્રેટ સામે રજુ કર્યા ત્યારે પ્રિતેશ અને સૌરભે પોતાને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી કોર્ટને કહ્યુ કે તેમના કાકા દ્વારા પોલીસ સામે કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચાવવા માટે પોલીસે તેમને માર્યા છે.કોર્ટ દ્વારા તમામને સિવિલ મોકલી ડૉકટરી તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો.આ ઘટના પછી પણ પોલીસે હિન્દી ફિલ્મ જેવુ કર્યુ.આરોપીને સિવિલ લઈ જવાને બદલે પાછા પોલીસ સ્ટેશન લાવ્યા અને ધમકાવ્યા કે જો સિવિલમાં ડૉકટર સામે કઈ કહ્યુ તો ખેર નથી.

આમ છતાં જયારે પોલીસે આરોપીઓને સિવિલમાં રજુ કર્યા ત્યારે યુવકોએ મારના નિશાન બતાવી પોલીસ સામે ફરિયાદ કરી હતી.બીજી તરફ પોલીસે દશરથ સહિત અન્ય સામે પોલીસના કામમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે.આ મામલે કોણ સાચુ-ખોટુ તે કોર્ટ નક્કી કરશે. ઉચ્ચ પોલીસ અધિકારીનો દાવો છે કે દશરથ પોલીસનું મનોબળ તોડવા કેસ કરાવી રહ્યો છે.પણ ગુજરાતમાં દશરથ જેવા અનેક યુવાનોને ખુદ પોલીસ અધિકારીઓ જન્મ આપે છે.હરકટ જેવા પોલીસ અધિકારીઓ હજી ઉમંર અને નોકરીમાં નવા છે. તેઓ પોતાના ઉપરી અધિકારીની સુચના પ્રમાણે ગરીબોને ફટકારી સીંઘમ થવાનો પ્રયત્ન કરે છે,પણ ડી જી વણઝારાની ટીમમાં રહેલા અને તેમના ઈશારે કામ કરનાર નાના પોલીસ અધિકારીને પીએસઆઈ હરકટે એક વખત પુછવુ જોઈએ કે જયારે ખરાબ સમય આવશે ત્યારે પીઆઈ અને ડીસીપી સહિત કોઈ અધિકારી પડખે ઉભા રહેશે નહીં.

દશરથ મારવાડી ગુનેગાર છે તો તેને સજા મળવી જોઈએ, પણ દશરથની સજા તેના ભત્રીજાઓ અને તેના પરિવારને આપી પોલીસ કઈ બહાદુરી કરી રહી છે, તેવો સવાલ પોલીસે પોતાની જાતને પુછવો જોઈએ, હવે સમગ્ર મામલો કોર્ટમાં છે પણ પોલીસની બર્બતાની આ તસવીરો તમારી સામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp