આજથી ભૂલી જજો આ 6 બેંકના નામ, 1 એપ્રિલથી બદલી રહી છે આ વસ્તુઓ

PC: Youtube.com

તા.1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. આ નવા નાણાકીય વર્ષમાં અનેક એવી વસ્તુઓ છે જેમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. જેમા સૌથી મોટું પરિવર્તન બેન્કિગ સેક્ટરમાં થઈ રહ્યું છે. સરકારે નવા નાણાકીય વર્ષથી 10 બેન્કનું મર્જર કરવાનો નિર્ણય લીધો છે. આ મર્જરથી દેશના 6 સરકારી બેન્કના નામ અને ઓળખ ખતમ થઈ જશે. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્ર બેન્ક, કોર્પોરેશન બેન્ક, અલ્હાબાદ બેન્ક, સિન્ડિકેટ બેન્ક. પ્રશ્ન એ પણ થાય કે, આ બેન્કનું શું થશે અને ગ્રાહકો પર શું અસર થશે.

આ છ બેન્કને દેશની અન્ય 4 બેન્કમાં મર્જ કરી દેવામાં આવી છે. ઓરિએન્ટલ બેન્ક ઓફ ઈન્ડિયા અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બેન્કમાં મર્જ કરી દેવાશે. જ્યારે સિન્ડીકેટ બેન્કને કેનેરા બેન્કમાં, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં મર્જ કરી દેવામાં આવી રહી છે. આ જ રીતે અલ્હાબાદ બેન્કને ઈન્ડિયન બેન્કમાં મર્જ કરી દેવામાં આવી છે. આ મર્જ બાદ ગ્રાહકોને નવા ખાતા નંબર અને કસ્ટમર આઈડી બેન્ક તરફથી મળી શકે છે. આ ઉપરાંત નવી ચેકબુક અને બીજી મહત્ત્વની વસ્તુઓ બેન્ક તરફથી આપવામાં આવશે. પરંતુ, આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગું નહીં થાય.

ધીમે ધીમે આ તમામ બેન્કનું મર્જર શરૂ કરવામાં આવશે. એવામાં ગ્રાહકો કે ખાતેદારો બેન્ક સાથે જોડાયેલા મોબાઈલ નંબર કે ઈ-મેઈલ આઈડીમાં જો ફેરફાર થયા હોય તો અપડેટ કરાવી લે. જેથી બેન્ક કોઈ નિર્ણય લે તો તેની જાણકારી મોબાઈલ પર મળી શકે. આ ઉપરાંત લોન, એસઆઈપી, શેર અને ઈએમઆઈ અગાઉની જેમ જ યથાવત રહેશે. લીડર બેન્કના નિરિક્ષણમાં કેટલાક બેન્કલક્ષી નિર્ણય પણ લેવાય એવી શક્યતા છે. આ ઉપરાંત એટીએમ મશીનમાં પણ લીડર બેન્કના કાર્ડ પ્રાપ્ય રહેશે. આ મર્જર બાદ સરકારી ક્ષેત્રના 7 અને પાંચ નાની બેન્ક રહેશે. વર્ષ 2017 સુધી દેશમાં સાર્વજનિક ક્ષેત્રની 27 બેન્ક હતી. આ મર્જર બાદ માત્ર 12 જ બેન્ક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp