સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમેઃ સૌરભ પટેલ

PC: twitter.com/saurabhpatelguj

ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ઘર વપરાશના વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકે સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી સ્વવપરાશ ઉપરાંતની વધારાની વીજળી વેચી શકે એ માટેની ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે.

આજે વિધાનસભા ખાતે ટૂંકી મુદતના પ્રશ્ના પ્રત્યુત્તરમાં ઉર્જા મંત્રીએ કહ્યું છે કે, ઘર વપરાશમાં લગાવેલ સોલાર રૂફટોપ સિસ્ટમ થકી ગ્રાહકોના સ્વવપરાશ બાદ વધેલી વીજળી રૂા.2.25 પૈસા પ્રતિ યુનિટ રાજ્ય સરકારને વેચીને આવક મેળવી શકે છે. આ યોજનામાં 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે ગ્રાહકને 40% સબસીડી તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20% સબસીડી આપવામાં આવે છે. સામાન્ય રીતે 3 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવામાં રૂા.1,39,017નો ખર્ચ થાય છે. એમાંથી સબસીડી બાદ કરી ગ્રાહકે રૂા.83407 ભરવાના થાય છે.

તેમણે ઉમેર્યું છે કે, આ યોજના અંતર્ગત ગૃપ હાઉસીંગ સોસાયટી, રેસીડેન્સીયલ વેલફેર એસોસીએશન સોસાયટીની સ્ટ્રીટલાઇટ લાઈટ, વોટર વર્કસ, લીફટ, જીમ, સ્વીમીંગ પુલ ,બગીચો જેવી કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા 20% સબસીડી આપવામાં આવે છે અને 500 કિલોવોટ ક્ષમતાની મર્યાદામાં સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી શકાય છે.

રાજ્યમાં આ યોજના અંતર્ગત નોંધાયેલી કુલ 1,28,646 અરજીઓ પૈકી અત્યાર સુધીમાં 1,03,554 ઘર વપરાશના ગ્રાહકોની છત પર કુલ 389 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ગયેલ છે જે પૈકી 93,282 સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યન્વિત થઈ ગયેલ છે. જેની કુલ સ્થાપિત ક્ષમતા 350 મેગાવોટ છે.

ઉર્જા મંત્રીએ ઉમેર્યું છે કે, ‘સૂર્ય ગુજરાત’ યોજના અંતર્ગત આવનારા 3 વર્ષમાં ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના થકી 1800 મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક છે. આ યોજના માટે વર્ષ 2019-20ના બજેટમાં 600 મેગાવોટનો લક્ષ્યાંક માટે રૂા.1,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને વર્ષ 2020-21માં પણ 600 મેગાવોટનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે અને તે માટે બજેટમાં રૂા.912.29 કરોડની જોગવાઈ કરી છે. આ યોજનાને કારણે સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત ઊર્જા ઉત્પન્ન થશે. વીજ બીલમાં પણ લોકોને રાહત થશે. એટલું જ નહીં પરંતુ ઘર વપરાશના વીજ ગ્રાહકો સ્વવપરાશ ઉપરાંતની વીજળી વેચીને આવક પણ કરી શકશે. ઉર્જા મંત્રીએ ઉમેર્યું કે, સોલાર રૂફટોપ સ્થાપિત ક્ષમતામાં ભારતના 3,088.74 મેગાવોટના લક્ષ્યાંકમાં ગુજરાતે તા.31/8/2020 સુધીમાં 735.18 મેગાવોટ સાથે 24% હિસ્સા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. અન્ય રાજ્યોમાં જોઈએ તો રાજસ્થાનનો 12% હિસ્સો મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો 8% હિસ્સો, ઉત્તરપ્રદેશનો 7%, દિલ્હીનો 5% તથા તેલંગણા, હરિયાણા અને પંજાબનો 4% હિસ્સો છે.

રાજ્યના વધુને વધુ ઘર વપરાશના વીજ ગ્રાહકો આ યોજનાનો લાભ લે અને સ્વચ્છ તેમજ પ્રદુષણ મુક્ત ઊર્જાના ઉત્પાદન અને વપરાશમાં સહભાગી બને તે માટે લોકોમાં જનજાગૃતિ લાવવા આગામી સમયમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp