મસ્ક અને અંબાણી સાથે મળીને જાણો શું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે

PC: morningnewsindia.com

અમેરિકન ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાને લઈને ભારતીય બજારમાં સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે, ટેસ્લા ભારતમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (ટેસ્લા ફેક્ટરી) સ્થાપિત કરવા માટે જમીન શોધી રહી છે અને આ માટે કંપની આ મહિને એક ટીમ પણ મોકલવા જઈ રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, બે દિગ્ગજ (ટેસ્લા અને રિલાયન્સ) હાથ મિલાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલોન મસ્કની ટેસ્લા અને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એકસાથે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર ચર્ચા કરી રહી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કહેવામાં આવ્યું છે કે, ટેસ્લા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સંયુક્ત સાહસ પર વિચાર કરી રહી છે. આ મામલે વાતચીત પ્રારંભિક તબક્કામાં છે અને જો બધું બરાબર રહ્યું, તો બંને કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની યોજના પર સંયુક્ત રીતે કામ કરી શકે છે. આ અહેવાલ જણાવે છે કે, જો કે, વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને એક મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે.

આ રિપોર્ટમાં જે વ્યક્તિની વાતચીતને આધાર બનાવવામાં આવ્યો છે તેના અનુસાર આને ઓટો સેક્ટરમાં રિલાયન્સની એન્ટ્રી ન ગણવી જોઈએ. જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ભૂમિકા હજુ સ્પષ્ટ નથી, પરંતુ રિલાયન્સ ભારતમાં ટેસ્લા માટે પ્લાન્ટ સ્થાપવા માટે વધુ સારી ઇકોસિસ્ટમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ટેસ્લા ભારતમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે 2 બિલિયન ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યો ટેસ્લા પ્લાન્ટ્સની રેસમાં છે. જો કે મહારાષ્ટ્ર તેની બંદર સુવિધાઓને કારણે પસંદગીના સ્થાન તરીકે ઉભરી શકે છે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રિપોર્ટમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે, ટેસ્લાના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં જ પ્લાન્ટના સ્થાનને અંતિમ સ્વરૂપ આપવા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે સંભવિત સંયુક્ત સાહસ અંગે ચર્ચા કરવા ભારતની મુલાકાત લઈ શકે છે.

ટેસ્લાના ભારતમાં પ્રવેશની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને તાજેતરમાં જ PM નરેન્દ્ર મોદીની US મુલાકાત દરમિયાન ટેસ્લાના CEO એલોન મસ્ક અને PM નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠકે આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. થોડા દિવસો પહેલા, એક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, ટેસ્લા આ મહિને એક ટીમ ભારત મોકલવાની યોજના બનાવી રહી છે. આ ટીમ અહીં કંપનીની ફેક્ટરી માટે જમીન શોધવાનું કામ કરશે.

તાજેતરમાં, ભારત સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ તૈયાર કરી હતી. જે અંતર્ગત ભારત ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરવાનું અને સ્થાનિક સ્તરે ઉત્પાદન કરનારી કંપનીઓને આયાત શુલ્કમાં છૂટ આપશે. ભારત સરકારના આ નીતિ પરિવર્તને ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા છે.

ટેસ્લા તેના નવા પ્લાન્ટના સ્થાન પર જોઈ સમજીને વિચાર કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્થાન નક્કી કરવામાં આવ્યું નથી, ટેસ્લા પ્લાન્ટ માટે સંભવિત સૂચિ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp