કાર પર ગમે તે સિક્કા મારીને સરકારને ગુમરાહ કરનારાને નહીં છોડાય

PC: Khabarchhe.com

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જન સુખાકારી માટેના વ્યાપક પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહ્યા છે તેથી જ ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં છે. તેના મૂળમાં રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા, સમયબધ્ધ પગલાં તથા તંત્ર દ્રારા કરાયલ કામગીરી દ્વારા અભૂતપૂર્વ કામગીરી થઇ છે તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જિલ્લાના ધારાસભ્યો- સંસદ સભ્યની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક ઉસ્માનપુરા ખાતે આવેલી કોર્પોરેશનનીની ઓફિસ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની સુદ્રઢ વ્યવસ્થાથી કલેકટર તંત્ર તથા કોર્પોરેશનનું તંત્ર ત્વરિત પગલાં લઇ રહ્યું છે. સામાન્ય માણસ સુધી રાશન પહોંચે તથા નાની-મોટી ફરિયાદોનું નિવારણ પ્રો-એક્ટીવ અભિગમથી આવે તે માટે તંત્ર દ્વારા રાત-દિવસ કામગીરી થઇ રહી છે. તેમણે પ્રજાએ પણ આ લોકડાઉનના સમયગાળામાં જે સાથ સહકાર આપ્યો છે તેની સરાહના કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરમાં સેવાના નામે જે વ્યક્તિઓ હજી પણ વાહનો સાથે ફરી રહ્યા છે તે કોરોના વાયરસના વાહક બને તો મોટી આફત શહેર પર આવી શકે તેમ છે તેને ધ્યાનમાં રાખી સેવાભાવી સંસ્થાઓ તથા તેના કાર્યકરોને રોડ પર થતી ભીડને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર ગંભીર છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિના સેવાભાવના સંસ્કાર આપણા સૌમાં છે તે આનંદની વાત છે. છતાં, આ વૈશ્વિક સંકટને નાથવામાં કોઈ કચાસ ચલાવી લેવાય તેમ નથી ત્યારે આ સેવાભાવી સંસ્થાઓ પોતે બનાવેલી રસોઈ, રાશન સામગ્રી પોતે ન વહેંચતા કલેકટર તંત્ર કે કોર્પોરેશનને સુપ્રત કરે તો કલેક્ટર તંત્ર કે કોર્પોરેશન દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી તેને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, કોરોના માટે અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું છે. અમદાવાદમાં વસ્તી વધુ છે ત્યારે વધારે સાવધાની અને સાવચેતીની જરૂર છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા દવા, મેડિકલ સાધનો તથા હોસ્પિટલોને પણ તૈયાર રાખવામાં આવી છે. પ્રજાજનો સુધી અનાજનો પુરવઠો, શાકભાજી - દૂધનો પુરવઠો સમયબધ્ધ રીતે પહોંચે તે માટેની પૂરતી વ્યવસ્થા કરાઈ છે, ત્યારે લોકોએ બિનજરૂરી બહાર ન આવીને આ વૈશ્વિક લડાઈમાં સહકાર આપવો જોઈએ.

તેમણે લોકડાઉન સાથે કોરોના શંકાસ્પદ વ્યક્તિ જે વિસ્તારમાં જણાય તે વિસ્તાર પર ક્લસ્ટર અભિગમથી વધુ ફોકસ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કાર પર ગમે તે સિક્કા મારીને સરકારને ગુમરાહ કરનાર વ્યક્તિ તથા વાહનો સામે સખ્તાઈથી કામ કરવાના સંકેત પણ આ બેઠકમાં આપ્યા હતા. ઉપસ્થિત ધારાસભ્યઓ તેમના વિસ્તારની પરિસ્થિતિ તથા વ્યવસ્થા અંગે મંત્રીઓને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કોરોના સામેના કોર્પોરેશનના એક્શન પ્લાનની વિગતો આપી હતી. અમદાવાદ કલેક્ટર કે.કે નિરાલાએ રાશનકાર્ડના પુરવઠા તથા અન્ન બ્રહ્મ યોજના અંગે જિલ્લામાં થયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp