અમદાવાદમાં વાજતે-ગાજતે લાવેલા વિધ્નહર્તાનું પુલ પરથી ફેંકીને વિસર્જન

PC: bhaskarassets.com

સમગ્ર દેશમાં તા.22 ઓગસ્ટના રોજ ગણેશોત્સવ શરૂ થયો હતો. જોકે, કોરોના વાયરસની મહામારીને કારણે કોઈ પ્રકારની ઉજવણી કે પ્રોસેસન કાઢવામાં આવ્યું ન હતું. અનેક લોકોએ બાપાનું ઘરે જ પૂજન કર્યું અને લાડ લડાવ્યા. હવે ભાવિકો બાપાને વિદાય આપી રહ્યા છે. માટીના ગણેશનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

પરંતુ, અમદાવાદમાં કેટલાક સ્થળે દુર્દશા જોવા મળી હતી. કેટલાક ભાવિકોએ બાપાને પૂલ ઉપરથી ફેંકીને વિસર્જન કર્યું હતું. જેના કારણે બીજા શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી. અમદાવાદ શહેરના ઈન્કમટેક્સ બ્રીજ ઉપરથી તપાસ કરતા કેટલાક લોકો ગણેશજીની મૂર્તિને પૂલ ઉપરથી ફેંકતા જોવા મળ્યા હતા. પૂલની બંને તરફ પોલીસ બંદોબસ્ત લાગુ કરાયો હતો પણ પોલીસ એક તરફથી રોકવા જાય ત્યાં લોકો બીજા સ્થળેથી મૂર્તિને પૂલ પરથી ફેંકી દેતા હતા. આ વખતે કોરોના વાયરસની મહામારીને કારણે ગણપતિ વિસર્જન ઘરમાં જ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. પણ કેટલાક લોકોએ પૂલ ઉપરથી મૂર્તિ ફેંકી દીધી હતી. આ પહેલા દશામાના વ્રત વખતે પણ કેટલાક લોકો તળાવની પાળી પર મૂર્તિ મૂકીને જતા રહ્યા હતા. શહેરના અનેક તળાવ પાસેથી આવી મૂર્તિઓ મળી આવી હતી.

કોર્પોરેશનની ટીમે આવી મૂર્તિઓ એકઠી કરી હતી. નદીમાં કોઈ વિસર્જન કરવા ન જાય એ માટે રીવરફ્રન્ટની બંને તરફના દરેક રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નદીના પટના એરિયામાં આવતી દરેક સોસાયટીઓમાં પણ ગણેશ વિર્સજન ઘરે જ કરવા માટે આદેશ આપ્યા હતા. આ વખતે માટીના ગણેશની પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશનની ટીમે POPની કેટલીક મૂર્તિઓ પણ જપ્ત કરી હતી. આ ઉપરાંત શહેરના દરેક બ્રીજ પર પોલીસ ટીમ કોઈ મૂર્તિ ન ફેંકે એ માટે તૈયાર કરવામાં આવી હતી. કેટલાક લોકોએ બ્રીજ પરની તૂટેલી જાળી માંથી મૂર્તિ ફેંકીને વિસર્જન કરી દીધું હતું. પોલીસ ટીમને આ વાતની જાણ થતા ત્યાં ભેગા થયેલા બીજા લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. દર વર્ષે ગણેશ વિસર્જન માટે કોર્પોરેશન તરફથી નદીના પટમાં એક કૂંડ તૈયાર કરવામાં આવે છે જેમાં વિસર્જન કરવાનું હોય છે. પણ આ વખતે કોરોના વાયરસની મહામારીને કારણે ઘરે જ મૂર્તિ વિસર્જન કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp