કોર્ટે એવો આદેશ કર્યો કે 26000 ટીચરોએ નોકરી ગુમાવવી પડશે, જાણો આખો મામલો

PC: deccanherald.com

કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જી સરકારને ઝટકો આપતા શિક્ષકની ભરતી રદ કરી દીધી છે. હાઈકોર્ટે 2016ની SSC ભરતીની સમગ્ર પેનલને રદ કરી દીધી છે. જેના કારણે બંગાળના લગભગ 26 હજાર શિક્ષકોને નોકરી ગુમાવવી પડશે. શિક્ષકોને ચાર અઠવાડિયામાં પગાર પરત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે પાર્થ ચેટર્જી બંગાળના શિક્ષણ મંત્રી હતા. કોલકાતા હાઈકોર્ટમાં આ મામલે અનિયમિતતાની ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

વર્ષ 2014માં, પશ્ચિમ બંગાળના સ્ટાફ સિલેકશન કમિશને શિક્ષકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. તે સમયે પાર્થ ચેટર્જી બંગાળના શિક્ષણ મંત્રી હતા. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. પરંતુ અરજદારોએ ગડબડી થયાનો આક્ષેપ કરીને કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કરાયો હતો. ઓછા નંબરો હોવા છતાં નોકરીઓ આપવામાં આવી હતી, જ્યારે નોકરી મેળવનાર મોટાભાગના લોકોએ TET પાસ કરી ન હતી.

લગભગ પાંચ વર્ષ સુધી આ મામલાની સુનાવણી કર્યા પછી મે 2022માં હાઈકોર્ટે CBIને આ ભરતીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. હકીકતમાં, ફરિયાદીઓએ ભરતી માટે 5 થી 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આવી સ્થિતિમાં EDએ મની લોન્ડરિંગના એંગલથી પણ કૌભાંડની તપાસ કરી હતી. પુરાવા મળ્યા પછી EDએ પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી. આ પછી CM મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીને પદ પરથી હટાવીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે, જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તેમને મેરિટ લિસ્ટમાં ઉપરના સ્થાને મુકવામાં આવ્યા હતા. કેટલીક ફરિયાદો એવી પણ હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કેટલાક ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં ન હોવા છતાં તેમને નોકરી આપવામાં આવી હતી. અરજદારોએ દાવો કર્યો હતો કે, કેટલાક એવા ઉમેદવારોને પણ નોકરી આપવામાં આવી હતી જેમણે TET પરીક્ષા પણ પાસ કરી નથી. જ્યારે રાજ્યમાં શિક્ષકની ભરતી માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

EDએ આ કેસમાં 2022માં તપાસ શરૂ કરી હતી. 22 જુલાઈના રોજ EDએ પાર્થ ચેટરજીના ઘર સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. પાર્થ ચેટરજીના પરિસરમાં દરોડા દરમિયાન EDને અર્પિતા મુખર્જીની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે પાર્થ ચેટરજીને અર્પિતા વિશે પૂછવામાં આવ્યું તો તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં. આ પછી અર્પિતા મુખર્જી EDના રડાર પર આવી.

જ્યારે EDએ અર્પિતાના ફ્લેટ પર દરોડા પાડ્યા ત્યારે તેમને લગભગ 21 કરોડ રૂપિયા રોકડા, 60 લાખ રૂપિયાની વિદેશી ચલણ, 20 ફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. અર્પિતા એક મોડલ છે. તે બંગાળી અને ઓડિશાની ફિલ્મોમાં નાના મોટા રોલ કરી રહી છે.

EDએ અર્પિતાના અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન EDએ અર્પિતાના ઘરેથી 27.9 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. આ સિવાય EDને 4.31 કરોડ રૂપિયાનું સોનું મળ્યું છે. જેમાં 1 કિલોની 3 સોનાની ઇંટો, અડધા કિલોની 6 સોનાની બંગડીઓ અને અન્ય ઘરેણાંનો સમાવેશ થાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ મામલામાં હાઈકોર્ટે CBIને તપાસ ચાલુ રાખવા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગને પણ ભરતી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર CM મમતા બેનર્જીએ કહ્યું કે, હું તેમને કહેવા માંગુ છું કે, જેમણે આજે નોકરી ગુમાવી છે. આપણે લડીશું અને છેવટ સુધી લડીશું. શું તમે નથી જાણતા કે, જેમણે આદેશ આપ્યો છે તેઓ BJPમાં જોડાઈ ગયા છે. આપણે આ નિર્ણયને પડકારીશું. આ નિર્ણય સાથે 26 હજાર ઉમેદવારોનું ભાવિ જોડાયેલું છે. અમે રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક ગેરકાયદેસર આદેશ છે. આ નિર્ણય સામે આપણે સુપ્રીમ કોર્ટમાં જઈશું. પરંતુ ચિંતા કરશો નહીં. હું તમને જણાવવા માંગુ છું કે, 10 લાખ વધુ નોકરીઓ તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp