અમદાવાદમાં BRTS બસના કારણે વધુ એક યુવકનો જીવ ગયો

PC: dainikbhaskar.com

અમદાવાદમાં BRTS બસના અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રયોગો કરવામાં આવે છે, છતાં પણ બસ દ્વારા અકસ્માતની ઘટના અટકતી નથી. અમદાવાદની BRTS બસે વધુ એક યુવકનો ભોગ લીધો છે. BRTS બસે એક એક્ટિવાને પાછળથી ટક્કર મારતા એક્ટિવા સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના જશોદાનગર વિસ્તારમાંથી જય ચૌહાણ નામનો યુવક એક્ટિવા પર જશોદાનગરથી BRTS કોરિડોરમાં ઘોડાસર તરફ જઈ રહ્યો હતો, ત્યારે BRTS બસે યુવકને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે એક્ટિવા સામેથી આવેલી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ થતા જય ચૌહાણનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત કરીને BRTS બસનો ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઘટનાને લઈ પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી કે, એક્ટિવા ચાલકનું BRTS બસની ટકકરે મોત નીપજ્યું છે કે, સામેથી આવી રહેલી ફોર્ચ્યુનરની ટકકરે મોત થયું છે.

જો કે, આ ઘટનાને લઇ પ્રત્યક્ષ દર્શીઓ કહી રહ્યા છે કે, પહેલા BRTS બસે ટક્કર મારતા યુવક રસ્તા પર પડી ગયો હતો અને ત્યારબાદ કારે ટકકર મારી હતી. હવે આ સમગ્ર મામલે જોવાનું એ રહે છે કે, અકસ્માતની ઘટનામાં BRTS બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવે છે કે, પછી કાર ચાલકની સામે. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp