દુધાળા પશુધનની નસલ સુધારણા પ્રણાલી મજબૂત બનાવવી જરૂરી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

PC: khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કામધેનુ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીનું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી સીમિત ન રહે, પરંતુ કિસાનો સુધી અને પશુપાલકો સુધી પહોંચે જેથી યુનિવર્સિટીના જ્ઞાનના સહારે કૃષિ અને પશુપાલન ક્ષેત્રનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગૌ વંશની રક્ષા માટે સૌથી મહત્વનું કાર્ય દૂધાળા પશુધનની નસલ સુધારણા પ્રણાલીને મજબૂત બનાવવાનું છે.

રાજ્યપાલે જણાવ્યું હતુ કે, કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના એક મિશન સાથે થઈ હતી. માનવજીવનમાં પશુધનની ઉપયોગિતાને શ્રેષ્ઠ સ્થળે પહોંચાડવા માટે યુનિવર્સિટીનું પ્રદાન મહત્વરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે, માનવનો પશુધન સાથે સીધો સંપર્ક રહ્યો છે. માનવ જીવનને સ્વસ્થ બનાવવાથી માંડીને કૃષિ અને રોજિંદા જીવનમાં પશુઓ મિત્રવત્ જોડાયેલા છે પરંતુ, ટેક્નોલોજીએ પશુધનની મહત્તા ઓછી કરી છે. નસલની જાળવણી નહીં થવાથી દુધાળા પશુધનની સંખ્યા ઘટતી જાય છે અને પશુઓ રસ્તા પર રખડતા થયા છે. આવા સંજોગોમાં યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ પશુ સહાયક ટેક્નોલોજીનો વિકાસ કરે અને પશુ-માનવ વચ્ચેના સહયોગી સંબંધને પુનઃસ્થાપિત કરે.

ભારત દેશ કુલ ખનીજતેલના 80 ટકાની આયાત કરે છે જેની પાછળ મોટું વિદેશી હૂંડિયામણ ખર્ચ થાય છે. કૃષિ ક્ષેત્ર વધુ ખનીજતેલનો ઉપયોગ કરનારા ક્ષેત્રો પૈકીનું એક છે. આવા સંજોગોમાં પશુધન જો કૃષિ સહાયક બનશે તો ખનીજ તેલનો વપરાશ ઓછો થશે અને રાષ્ટ્રની તિજોરી પરનું ભારણ ઘટશે તેમ કહી રાજ્યપાલે પશુધન આધારિત ટેક્નોલોજી અને કૃષિની હિમાયત કરી હતી.

રાજ્યપાલે દુધાળા પશુઓની નસલ સુધારણા માટે ગૌશાળામાં આશ્રય લેતી ગાયના વર્ગીકરણ ઉપર અને શ્રેષ્ઠ ઓલાદના નંદી દ્વારા સુધારણા ઉપર પણ ભાર મૂક્યો હતો, એટલું જ નહીં એક ગૌશાળામાં બે-અઢી વર્ષના સમયગાળા બાદ નંદિ ની ફેરબદલી કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી ગાયની ભાવિ પેઢી ઉચ્ચ નસલવાળી બને. રાજ્યપાલે પશુધનના બ્રિડિંગ માટે કિસાનોને પૂરતી જાણકારી આપવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો.

એનીમલ હસબન્ડરી વિભાગના સચિવ મનિષ ભારદ્વાજે ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, ગુજરાત પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે ગુજરાત પશુપાલન ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી હરણફાળ ભરી છે ત્યારે આપ પણ મેળવેલ અભ્યાસ થકી ગુજરાતનું નામ રોશન કરશો એવી મને શ્રદ્ધા-વિશ્વાસ છે.

મનિષ ભારદ્વાજે ઉમેર્યું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન વ્યવસાયનો મોટો ફાળો છે અને પશુપાલ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં થયેલ પશુધન ગણતરીમાં ગુજરાતનું પશુધન 237 લાખનું છે અને પશુધન ગણતરી આંકડા મુજબ દેશી માદા ઓલાદોની સંખ્યામાં 10 ટકા વધારો નોંધાયો છે જે ગુજરાત માટે આવકારદાયક છે. તેમણે કહ્યું કે, કામધેનું યુનિવર્સિટી એ દસ વર્ષમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ થકી પશુપાલન ડેરી તથા મત્સ્ય પાલન ક્ષેત્રે સંશોધન દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી છે ત્યારે, આપ સૌ પણ ડેરી પશુપાલન ક્ષેત્રે જે પડકારો ઊભા થાય તેનું તમારા જ્ઞાન અને કુનેહથી લોકહિતમાં ઉકેલ લાવશો અને રાજ્ય-દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કૃષિ વિકાસમાં ભાગીદાર બનશો એવી આશા છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

GCMMF અમુલ, આણંદના ચીફ ઓપરેટિંગ ઓફિસર કિશોરસિંહ ઝાલાએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગીસ કુરિયને ડેરી વિકાસ અને પશુપાલન ક્ષેત્રના અભ્યાસ માટેની અલાયદી યુનિવર્સિટીનું સપનું જોયું હતું એ સપનું તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કરીને કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી અને આજે 10 વર્ષ બાદ આ યુનિવર્સિટી વટવૃક્ષ બનીને વિશ્વસ્તરે પ્રસ્થાપિત થઈ છે એ આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

કિશોરસિંહ ઝાલાએ ઉમેર્યું કે, વડાપ્રધાને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જેમાં પશુપાલન ક્ષેત્રનો સિંહફાળો રહેશે અને આ સપનું પણ ચોક્કસ સાકાર થશે અને એ ક્ષેત્રે પણ ગુજરાત ચોક્કસ નવો રાહ ચીંધશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કિશોરસિંહ ઝાલા એ વધુમાં ઉમેર્યું હતું કે, દેશની જીડીપીમાં માત્ર ડેરી અને પશુપાલન ક્ષેત્રનું હાલમાં ચાર ટકા યોગદાન છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા બે દાયકાથી સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશની યાદીમાં ભારત ટોપ પર રહેલો દેશ છે, એટલું જ નહીં હાલની સ્થિતિએ ભારત દેશમાં પ્રતિદિન 48 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે. એટલે કે વિશ્વમાં કુલ ઉત્પાદનની સરખામણીમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. જે વર્ષ-1970માં પાંચ ટકા જ હતું. માત્ર દૂધ ઉત્પાદન ક્ષેત્રમાંથી ભારત દેશના સાત લાખ કરોડની આવક છે, જે અનાજ અને કઠોળ-દાળના ઉત્પાદનની આવક કરતાં પણ વધુ છે. વર્ષ-2033-34 સુધીમાં ભારતમાં 91 કરોડ લીટર દૂધ ઉત્પાદન પ્રતિદિન થતું હશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

કામધેનુ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો એન. એચ. કેલાવાલાએ સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો અને તેની મહત્વતા ઉપરાંત યુનિવર્સિટીનું સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર મનીષ ગુપ્તાએ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી તથા મેડલ એનાયત કરી રાજ્યપાલના હસ્તે અમદાવાદ અંધજન મંડળ એસોસિયેશનને રૂ. 21 હજારનો ચેક એનાયત કરાયો હતો તે ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીના કલરવ સહિતના વિવિધ પ્રકાશનોનું વિમોચન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp