અમેરિકા-ચીન કરતા વધુ ઝડપથી ભારતમાં વેક્સીનેશન થયું: ભારત સરકાર

PC: PIB

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વિરોધી વેક્સીનના અત્યાર સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો લગભગ 18 કરોડ (આંજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર 17.93 કરોડ) સુધી પહોંચી ગયો છે. કોરોના વેક્સીનેશન અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ 17.8 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. વેક્સીનેશનના 17 કરોડના આંકડા સુધી ભારત સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં પહોંચી ગયું છે. USAને આટલી સંખ્યામાં વેક્સીનના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચીનને 119 દિવસ લાગ્યા હતા. એટલે કે ભારત સરકારના મતે દેશમાં ચીન-USની સરખામણીએ ઝડપથી વેક્સીનેશન થઇ રહ્યું છે.

‘કોરોના વેક્સીનેશનની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિ’નો અમલ 1 મે 2021ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઉપલબ્ધ ડોઝમાંથી 50% જથ્થો ભારત સરકારની ચેનલ મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલો 50% જથ્થો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો સીધા જ વેક્સીનના ઉત્પાદક પાસેથી ખરીદી શકશે.

ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીનના પુરવઠાની ફાળવણી તેમની વપરાશની રૂપરેખા અને આગામી પખવાડિયામાં બીજા ડોઝના લોકોના ભારણના આધારે નક્કી કરવામાં આવે છે. 16થી 31 મે 2021 સુધીના પખવાડિયા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિશિલ્ડ અને કોવેક્સીનના 191.99 લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આમાં કોવિશિલ્ડના 162.5 લાખ ડોઝ અને કોવેક્સીનના 29.49 લાખ ડોઝ સામેલ રહેશે.

આ ફાળવણી માટેનું ડિલિવરી શેડ્યૂલ અગાઉથી બધાને આપી દેવામાં આવ્યું છે. રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે, સંબંધિત અધિકારીઓ તેમને ફાળવવામાં આવેલા ડોઝનો વ્યવહારુ અને ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરે અને રસીનો બગાડ શક્ય એટલો ઓછા થાય તેના પર ધ્યાન આપે.

ભારત સરકાર દ્વારા 15 દિવસ અગાઉથી જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિનામૂલ્યે વેક્સીનના જથ્થા વિશે આગોતરી જાણ કરવાનો મૂળ ઉદ્દેશ તેઓ વિનામૂલ્યે પ્રાપ્ત થનારા આ ડોઝના ઉચિત અને શ્રેષ્ઠતમ ઉપયોગ માટે પોતાના તરફથી પૂર્વતૈયારીનું પ્લાનિંગ કરી શકે તે માટેનો છે. વિનામૂલ્યે મળનારા આ ડોઝ 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, HCW અને FLW માટે છે. 1થી 15 મે 2021 સુધીના અગાઉના પખવાડિયામાં કેન્દ્ર સરકારે રાજ્યોને કુલ 1.7 કરોડ વેક્સીનના ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત, રાજ્યો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે કુલ 4.39 કરોડથી વધારે ડોઝનો જથ્થો મે 2021માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp