ગાવસ્કરે કરી રોહિતની ઈજા પર ટ્રાન્સપરન્સીની માગ, કહ્યું- ફેન્સને જાણવાનો અધિકાર

PC: langimg.com

સોમવારે સાંજે BCCIએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ, વનડે અને T20 ટીમની જાહેરાત કરી છે. તેમાંથી કોઈપણ ટીમમાં લિમિટેડ ઓવરના કેપ્ટન અને ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને જગ્યા નથી મળી. BCCIએ પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું કે, રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે અને તેની ઈજા પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. રોહિત શર્મા હાલ દુબઈમાં IPL રમી રહ્યો છે અને ત્યાં તે હૈમસ્ટ્રિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. આ કારણે જ તે મુંબઈ માટે છેલ્લી બે મેચમાં નથી રમી શક્યો.

પરંતુ, BCCIએ ટીમની જાહેરાત કરવાની થોડીવાર બાદ જ મુંબઈ ઈન્ડિયન્સે ટ્વીટ કર્યું કે, રોહિત શર્મા પ્રેક્ટિસ માટે પાછો મેદાન પર ઉતર્યો છે. રોહિત શર્માનો આ ફોટો જોયા બાદ ભારતીય પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે રોહિતને ટીમમાંથી બહાર કરવા પર સવાલ ઉઠાવ્યા છે, ખાસ કરીને ટેસ્ટ ટીમમાંથી. ગાવસ્કેર આ દરમિયાન રોહિત શર્માની ઈજા પર પારદર્શિતાની પણ માગ કરી છે.

કોલકાતા અને પંજાબની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ પર ગાવસ્કરે કહ્યું, અમે ટેસ્ટ મેચની વાત કરી રહ્યા છીએ, જે એક દોઢ મહિનામાં શરૂ થવાની છે. જો તે મુંબઈ ઈન્ડિયન્સ માટે નેટ્સ પ્રેક્ટિસ કરી રહ્યો હોય તો ઈમાનદારીથી કહ્યું છું કે મને નથી ખબર કે આ કયા પ્રકારની ઈજા છે. મને લાગે છે કે, થોડીઘણી પારદર્શિતાની જરૂર છે, જેથી જાણી શકાય કે તેને શું સમસ્યા છે. તેનાથી સૌને મદદ મળશે.

ગાવસ્કરે આ સાથે જ એવુ પણ કહ્યું કે, મયંક અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત છે અને તેણે પંજાબ માટે છેલ્લી બે મેચ નથી રમી, તેમ છતા તેનું નામ ત્રણેય ફોર્મેટની ટીમોમાં છે. ગાવસ્કરે વધુમાં કહ્યું, કોઈ અન્ય કરતા પણ વધુ ભારતીય ફેન્સને એ જાણવાનો અધિકાર છે. હું સમજું છું કે ફ્રેન્ચાઈઝી ખેલાડી પર કોઈપણ પ્રકારનો મનોવૈજ્ઞાનિક લાભ આપવા નથી ઈચ્છતી, પરંતુ અહીં આપણે ભારતીય ક્રિકેટ ટીમની વાત કરી રહ્યા છીએ. મયંક અગ્રવાલ ઉદાહરણ છે. ભારતીય ફેન્સને એ જાણવાનો અધિકાર છે કે તેના બે મહત્ત્વના ખેલાડીઓ સાથે શું થયું છે.

રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને લિમિટેડ ઓવર ટીમમાં વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે રાહુલ ટેસ્ટ ટીમમાં પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને લિમિટેડ ઓવરની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp