દસ વર્ષે મારા પતિને સેક્સની વધુ ઇચ્છા થતી નથી, શું કરવું જોઇએ?

PC: khabarchhe.com

પ્રશ્ન: મારા લગ્નજીવનને દસ વર્ષ થવા આવ્યાં છે. છેલ્લા એકાદ વર્ષથી હું જોઈ રહી છું કે, મારા પતિને મારી સાથે સેક્સ માણવાની ઝાઝી ઈચ્છા થતી નથી. હું અકળાઈને ગુસ્સો કરી બેસું છું પણ તેમના વર્તનમાં કઈં ફરક જણાતો નથી. મને લાગે છે કે, તેઓ અન્ય કોઈ સ્ત્રીના મોહપાશમાં લપેટાયા હોવા જોઈએ. જો એમ હોય તો હું કઈ રીતે ચલાવી લઉં?

ઉત્તર: આટલી ઓછી માહિતી ઉપરથી ચોક્કસ પગલાં સૂચવવાં મુશ્કેલ છે. તો ય દિશા સૂચનનો પ્રયાસ કરી શકું. સૌ પ્રથમ તો એ કે, તમારા લગ્નજીવનનાં દસ વર્ષોમાંથી શરૂઆતનાં મોટેભાગનાં એટલે કે પૂરાં નવ વર્ષ સારાં ગયાં છે. એનો અર્થ એ કે, તમે બેઉએ  એકમેકને ચાહયાં, ગમાડ્યાં છે, અને જાણ્યાં તેમજ માણ્યાં છે. હવે આ સ્થિતિમાં પતિએ એક વર્ષથી તમે કહો છો તેમ 'તમને ચાહવાનું તેમજ શરીરસુખ આપવાનું ઓછું કરી દીધું છે.’ તો પહેલું તો એ શોધી કાઢવું જોઈએ કે, આવું કેમ બન્યું? તમે જણાવ્યું તે તો માત્ર એક કારણ છે. બધા જ કિસ્સામાં એવું નથી બનતું. લગ્નેતર સંબંધને કારણે આપના પતિએ આપનામાંથી કામરસ ગુમાવી દીધો હોય એવું બની શકે છે. પણ સાથે એ ય શક્ય છે કે, આપની સાથેના સંબંધ કથળવાથી જ તેમને લગ્નેતર સેક્સમાં રસ જાગ્યો હોય!

વળી લગ્નેતર સંબંધએ તો એક ધારણા માત્ર છે. હજુ સુધી આપને આવા કોઈ પુરાવા નથી મળ્યા. તો પછી નાહક આ દિશામાં લાંબુ વિચારવાની જરૂર નથી. તમે આ બાબતે બહુ બહુ તો સાવધ રહી શકો અને જો આવી કોઈ વાત ખરેખર બહાર આવે તો ત્યારબાદ યોગ્ય પગલાં લઈ શકો. એના પહેલાં જ કેવળ લગ્નેતર સંબંધની ધારણાને આધારે દુ:ખી ન થયા કરો.

કદાચ એ નવી સમસ્યા ઊભી કરશે. પણ જો આપના પતિ નિર્દોષ હશે તો આપની શંકાઓ તથા ખોટા વહેમોને કારણે તેઓ વધારે વ્યથિત થશે. શક્ય છે કે તેઓ આપને જ પૂરેપૂરા વફાદાર હોય!

જો એવું હશે તો મોટો અનર્થ થઈ જશે. એક દાયકા પછી કામજીવનમાં કામેચ્છાઓમાં વિક્ષેપ આવવાનાં ઘણા કારણો હોઈ શકે. જાતીય એકધારાપણું (સેક્સ્યુઅલ મોનોટોની) ઘણા કિસ્સોમાં જવાબદાર પરિબળ છે. લોકો એક્નીએક રીતરસમો તથા એકવિધતાથી કંટાળી જાય છે. ક્યારેક જુદું બને છે. ક્યારેક જુદું બને છે. જીવનસાથી તરફથી જો માનસિક ત્રાસ અપાતો હોય તો ય લોકો કામેષ્ણાઓથી અલ્પિત થઈ જાય છે.

તમે તમારાં આજસુધીનાં સંબંધનું તળસ્પર્શી વિશ્લેષણ કરી જુઓ, શું સેક્સ્યુઅલ મોનોટોની (જાતીય એકવિધતા)નો તમે ભોગ નથી બન્યાંને? તમે વધારે પડતા આગ્રહી તો નથી ને? મેં ઘણી સ્ત્રીઓ એવી જોઈ છે જેઓ પતિને કામેચ્છા ઘટી જાય ત્યારે મદદરૂપ થવાને બદલે આરોપો, આક્ષેપો, ઝગડા કરવામાં વ્યસ્ત રહે છે. આનાથી તો ઉલટું બને છે. પતિની જાતીય ઇચ્છાઓમાં ઓર ઘટાડો થાય છે. કજિયાખોર, વહેમીલી, અપરિપક્વ, શંકાશીલ, ચીડિયા સ્વભાવવાળી પત્નીઓ ક્યારે ય તેમના પતિદેવોને સુખી નથી કરી શકતી. (આ વસ્તુ વહેમીલા પતિદેવો માટે પણ એટલી જ સાચી છે.) યાદ રાખો! સેક્સની ઈચ્છા હળવાશ, પ્રેમ, માધુર્ય, ઉત્સાહ, નિકટતા તથા પરસ્પરનાં વિશ્વાસથી ભરેલા વાતાવરણમાં જ પાંગરે છે. તંગદિલી આક્ષેપબાજી, ખુલાસાઓ, દલીલબાજી, કચવાટ કે અવિશ્વાસવાળા વાતાવરણમાં ક્યારે ય ઉત્તમ સેક્સ શક્ય બનતો નથી.

મારી આપને આગ્રહભરી સલાહ છે કે, આપ એકવાર મનમાં ઠસાવી દો કે, તમારા પતિ તમારા જ છે. તેઓની 'ઘટેલી ઈચ્છા' એ એક સમસ્યા છે, જે હલ કરવામાં તમારે મદદરૂપ થવાનું છે. જેને માટે તમે આટલું કરી શકો. જો આપના પતિએ ખાવા-પીવાનું કામધંધા-નોકરી કરવાનું, હરવા ફરવાનું કે ઊંઘવાનું ય ઓછું કરી દીધું હોય તો એમને 'ડીપ્રેશન' નામની માનસિક બીમારી હોઈ શકે. જેના નિદાન તથા ઈલાજ માટે તમે કોઈ સારા મનોચિકિત્સકને મળી શકો.

જો પતિ પોતાના વ્યવસાય કે ધંધાકીય રોકાણોને કારણે વધુ પડતા વ્યસ્ત હોય તો તેમની સાથે ચર્ચા કરો. કેવળ વિરોધ વાતને ઉકેલતો નથી, ઊલટી વધારે ગૂંચવી નાખે છે. આપના પતિને પોતાના બિઝનેસ કે સોશિયલ રોકાણમાંથી બે'ક કલાક મળતા હોય અને આપ પાંચ કલાકની અપેક્ષા રાખતા હો તો એની ય પતિ સાથે ઠંડા દિમાગથી ચર્ચા કરો. ઘણીવાર એવું બને છે કે, પત્ની વધારે કલાકોની માંગણી કરી કરીને એટલો ત્રાસ વરતાવે છે કે, જે બે'કલાક મળતા હતા તે ય લડાઈ-ઝગડામાં વેડફાઈ જાય છે. આને કારણે પત્નીની નિરાશા સરવાળે તો વધે જ છે અને પતિ લડાઇખોર પત્ની તરફ પહેલાં કરતાંય વધારે વિમુખ થતો જાય છે.

તમારે, મારા મતે થોડા વધારે લાઈવલી બનવાની જરૂર છે. પતિને આનંદથી રાખો. એની પાસે સીધેસીધી, મોં બગાડીને સેક્સની માંગણી ન કરો. ગયા મહિને પતિએ કેટલી ઓછી વાર મિલન કર્યું છે તેના હિસાબો કડવા મોઢે ન માગો! એના કરતાં નિકટતા વધે એવા પ્રસંગો ઊભા કરો. સંબંધને સાહજિક બનવા દો. પ્રેમ ક્યારે ય પરાણે નથી થતો. એક સાંજે બધું ભૂલી જઈ દસ વર્ષ પહેલાની ક્ષણો તાજી કરો. નાની ઉછળતી નવપરિણીત કન્યા બની જાઓ.

‘મારા પતિને એવું બધું કરવામાં રસ જ ક્યાં છે? કે મારે માટે એની પાસે ટાઈમ જ ક્યાં છે? એવા ઉધામા કરવાને બદલે સમય આવે એની રાહ જુઓ. શક્ય છે કે, દસ વર્ષ સુધી પ્રેમાળ રહેલા પતિના કામજીવનમાં આવી જીવંત ક્ષણો નવો પ્રાણ પૂરી દે! તમારે સમજવું પડશે કે, તમે એક વિષચક્ર રચી દીધું છે. તમે જેટલા સેક્સ માટેના ધમપછાડા કરશો એટલો પુરુષ વધારે હતપ્રભ, અલિપ્ત, વિમુખ અને લાગણીશૂન્ય બનતો જશે. અને એટલા જ તમે વધારે પ્રેમથી વંચિત થતાં જશો. જે તમારા ગુસ્સાને ઔર વધારશે.

એના કરતાં એકવાર આ વિષચક્રને પહેલ કરીને તોડી જુઓ, પતિને હળવેથી એકવાર પુછો તો ખરાં કે તેને શું થાય છે? ઘણીવાર કામેચ્છા ઘટવા પાછળ નાનાં અમથા કારણો જવાબદાર હોય છે, જેવાં કે ઊંઘવાના સમયમાં ફેરફાર, નોકરી-ધંધાનાં ટેન્શન, આસપાસ સૂતેલાં બાળકો, એકાંતનો અભાવ, પત્ની તરફથી ઉપેક્ષા કે દબાણ...વગેરે. જો આવું કઈંક હશે તો આપ બંને સાથે મળીને તેને દૂર કરવા પ્રયત્ન કરી શકશો.

આ બધું જ નિષ્ફળ જાય અથવા તો કોઈ નક્કર પુરાવા મળે તો જ અને ત્યારે જ, આપે પતિની ચાલચલગત પર શંકા કરવી જોઈએ. નહીં તો દામ્પત્યજીવન બગડવાની જવાબદારી આપની ગણાશે! હા! અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતા પુરુષો હશે. અને દારૂની લતમાં ડૂબી જઈ, પત્નીને તદ્દન અવગણનારાઓ ય હશે! પણ એમને સમજવાની વધારે જરૂર છે. મેં એવાં ઉદાહરણ જોયાં છે કે, પતિને અમુક તબક્કે જરા ય કામવાસના ન ઉદભવતી હોય! તેમ છતા પત્નીનાં સહ્રદયી, સાલસ સ્વભાવને કારણે પતિ પોતે પોતાની આ સમસ્યા દૂર કરવા કોશિશ કરે! અને પત્નીને યેનકેન સુખી રાખવા પ્રયત્નશીલ રહે. અને ક્યારેક તો પુરુષ પત્નીનાં આનંદને એ રીતે જાળવી રાખે કે, પત્નીને મહિનાઓ સુધી ખ્યાલ સુધ્ધાં ન આવે કે તેના પતિને કામવાસના ઓછી થઈ જવાની બીમારી છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp