80 ટકા ફેફસાં બ્લોક થયા છતા 25 દિવસે દીપલબેને કોરોનાને ભગાવ્યો

PC: khabarchhe.com

માતૃત્વના ઝરણા અને સંતાન માટે જિંદગી જીવી જવાની તીવ્ર ઇચ્છાનો જ્યારે સંગમ થાય ત્યારે મોત પણ રસ્તો આપી દે છે, આ તો કોરોના છે. આવી જ રીતે કોરોના સામે જંગ જીત્યો છે દીપલબેને. ગાંધીધામ પાસેના શિણાય ગામનાં 38 વર્ષીય દીપલબેન કમલેશભાઈ કાછડને કોરોના એવો વળગ્યો કે ડી-ડાઇમર પ્રોટિનના અસામાન્ય વધારાને કારણે ફેફસાં 80 ટકા સુધી બ્લોક થઈ ગયાં. અધૂરામાં પૂરું ડાયાબિટીસ અને સ્થૂળતા તો પહેલેથી જ હતાં. આ સંજોગોમાં કોવિડના દર્દીની બચવાની સંભાવનાઓ ઘટીને 5થી 10 ટકા જ હોય છે. આવી હાલતમાં તેઓ ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયા. 25 દિવસ સુધી સારવાર લીધા બાદ બે સંતાનોનાં માતાએ આખરે કોરોનાને માત આપી.

હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર દર્દીની હાલત ચિંતાજનક હોવાથી આ કેસ અસામાન્ય બની ગયો હતો. ડી-ડાઇમર પ્રોટિન 500 થી 1000 હોવાને બદલે 10,000 થઈ ગયું હતું, પરંતુ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ તેમની હિંમત બંધાવતા રહ્યા અને સ્વજનની જેમ તેમની સંભાળ રાખી સારવાર કરતા રહ્યા. આ સંજોગોમાં માતૃત્વએ પણ અશક્ય ને શક્ય કરી બતાવ્યું. બાળકો માટેની દીપલબેનની જિજીવિષા અને હકારાત્મક મનોબળ તેમજ તબીબી સ્ટાફની મહેનત સાર્થક નીવડી અને આખરે દીપલબેન કોરોના સામેનો જંગ જીતી ગયાં.

ઘરે પરત ફર્યા બાદ પોતાના અનુભવ વર્ણવતા તેઓ કહે છે કે મારાં બાળકો જ મારી દુનિયા છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરના દરવાજે પહોંચતા જ બાળકો મને વળગી પડ્યાં અને જાણે મારી બધી પીડા ભૂલાઈ ગઈ. હોસ્પિટલના મેડિકલ સ્ટાફે ખૂબ કાળજી રાખી છે. તેમના દ્વારા મળેલા સ્વજન જેવા પોતીકા વ્યવહાર અને લાગણીના ઓક્સિજને જ મને નવજીવન આપવામાં મદદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp