ખેતીની જમીન બરબાદ કરી છતાં ભાવનગરના કોલસાની ખાણ બંધ ન થઈ

PC: counterview.net

ભાવનગર ખાતેના બાડી ગામના લીગનાઈટની ખાણ ખોદતી ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશન લી. (GPCL) દ્વારા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયએ આપેલી પર્યાવરણીય મંજૂરીની જોગવાઈઓ અને શરતોનો ભંગ કરતી રંગે હાથ ઝડપાઈ છે.દેશની સર્વોચ્ચ અદાલતના 22 ફેબ્રુઆરી 2017ના ચૂકાદાનો ભંગ કરી રહી છે. લિગ્નાઈટની ખાણમાં ખોદકામ કરવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પર્યાવરણીય મંજૂરીની મહત્વની તમામ શરતોના ભંગ કરી રહી હોવાથી લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.

GPCL કંપનીની ખાણ બંધ કરો

GPCLની માઈનીગ કામ તાત્કાલિક બંધ કરવાનો આદેશ સરકારે આપવો જોઈએ. કંપનીના જવાબદાર અધિકારી સામે તાત્કાલિક ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. એવી માંગણી પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ખેડૂત એકતા મંચે 19 જાન્યુઆરી 2021ના દિવસે કરી છે. તેમ પર્યાવરણ સુરક્ષા સમિતિના
રોહિત પ્રજાપતિ  દ્વારા કહેવામાં આવ્યું હતું.
 
બોર્ડ દ્વારા પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી એ દરમ્યાન નિયમોનું ઉલ્લંઘન થયેલું જણાયું હતું.

GPCBએ GPCLને 31 ડિસેમ્બર 2020ના રોજ ગંભીર પ્રકારની લીગલ નોટિસ આપી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાયદા અધિકારી આર. આર. પંચાલ દ્વારા ઘોઘા-સુરકાની ગુજરાત પાવર કોર્પોરેશનના મેનેજર દેવેન્દ્ર ખોટને નોટિસ આપી છે. તે માટે નીચેની બાબતે જવાબદાર ઠેરવેલા છે.

GPCLની ગેરરિતીઓ અને ભ્રષ્ટાચાર

1 - પ્લાન્ટ સાઈટ પર કોલસો દળવાનું મશીન બોર્ડની મંજૂરી વગર લગાવવામાં આવ્યું છે. કોલસો દળવાનું કામ ચાલુ હતું. કોલસો દળવા દરમ્યાન હવા પ્રદુષણ નિયંત્રણ માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. હવામાં કોલસાના રજકણો ખુબ મોટા પ્રમાણમાં દેખાતા હતા.

2 - કોલસો ખુલ્લામાં રાખવામાં આવ્યો છે. ઢાંકવામાં આવ્યો નથી. કોલસા પર પાણી છાંટવામાં આવતું નથી. પવન હોય ત્યારે હવામાં કોલસાના રજકણો મોટા પ્રમાણમાં ઉડે છે. કેટલેક ઠેકાણે કોલસો બાળવામાં આવતો હતો.

3 - આંતરિક રસ્તાઓ નિયમિત સાફ કરવામાં આવતા નથી. રસ્તા પર પાણી છાંટવામાં આવતું નથી. વાહનોની અવરજવર દરમ્યાન મોટા પ્રમાણમાં હવામાં રજકણો દેખાય છે.

4 - ટ્રકો સંપૂર્ણ ઢંકાયેલા ના હોવાને કારણે કોલસાના વહન દરમ્યાન મોટા પ્રમાણમાં રજકણો હવામાં ભળતા દેખાય છે.

5 - હરિયાળો પટ્ટો (ગ્રીન બેલ્ટ) વિકસાવવામાં આવ્યો નથી.

6 - પ્લાન્ટના સ્થળે ઈટીપી કે એસટીપી નથી.

7 - ભેખડ પાસે પથ્થરની મજબૂત દીવાલ બનાવવામાં આવી નથી.

8 - માટીના ઢગલાં ઉપર ઘાસ ઉગાડવામાં આવ્યું નથી.

9 - કાચો માલ લઇ જતા કન્વેયર બેલ્ટ ઢંકાયેલા નથી.

10 - સરકારની કંપનીએ ધોરણો, માર્ગદર્શિકા, નિયમો અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

ઉપરની કાયદાના ભંગ બદલ તમારા ઉપર કાર્યવાહી કરવા બદલ 15 દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવેલું છે.

GPCLની બેદરકારી

GPCL દ્વારા કાયદાનો ભંગ કરી પ્રદુષણ અને GPCLની બેદરકારી બહાર આવી છે.

1 -  આંબા, જાંબુ, અને ચીકુ જેવા કેટલાક વૃક્ષ ફળ નથી આપતા અને કેટલાકનું ઉત્પાદન નહિવત થઈ ગયું છે.

2- 25 વર્ષ અગાઉ લિગ્નાઈટનો થર ઊંડાઈના 600-800 ફૂટ બોરવેલ કરેલા હતા. જે બોરથી ભૂગર્ભનું ખારૂં પાણી ઉપર 30 ફૂટ સુધી આવી ગયું છે. પાણી  પ્રદુષિત થઈ ગયું.

3 - ગામ લોકોએ પગલાં ભરવા કંપનીને જણાવ્યું છતાં કંપનીએ પર્યાવરણીય મંજૂરીનો ખુલ્લમ ખુલ્લા ભંગ કરીને માઈનિંગનું કામ ચાલુ રાખ્યું છે.

4 - GPCB દ્વારા 2 ડિસેમ્બર 2020ના રોજ 7 ગામના ભૂગર્ભજળના 16 નમુના લેવામાં આવ્યા હતા. જેમાં પાણી હવે પીવા લાયક, પશુઓને પીવા લાયક કે ખેતી માટે લાયક નથી રહ્યા. ટોટલ ડીઝોલ સોલીડ TDS 1068 - 6465 mg/l અને  pH 6.84-7.33 mg/l થઈ ગયો છે.

5 - મેગ્નેશિયમ અને ક્લોરાઈડની માત્રા પણ સામાન્ય કરતાં વધુ માલુમ પડે છે. એસીડીક ઓછો પી.એચ., અને વધુ ટી.ડી.એસ., વધુ મેગ્નેશિયમ અને ક્લોરાઈડનું સંયોજન થયું છે. તેથી માણસ અને પશુઓ બંને માટે વપરાશ માટે અયોગ્ય છે. સિંચાઈના હેતુઓ માટે અયોગ્ય છે.

ગામ લોકોએ માહિતી અધિકાર હેઠળ મેળવેલી વિગતો ચોંકાવનારી છે.

GPCB કંપનીને બચાવે છે

ચુકાદા મુજબ એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)ન હોય તેવા કિસ્સામાં GPCBએ ગુજરાત પાવર કોર્પોરેશન લી.ને ખાણ -ખોદકામ બંધ કરીને કંપની બંધ કરી દેવાનો હુકમ કરવો જોઈએ પણ તે કર્યો નથી. તેના બદલે ફોજદારી કેસ કરવાની લીગલ નોટિસ આપી છે.

કેવું છે પ્રદુષણ

અસરગ્રસ્ત ગામોના ભૂગર્ભજળ પીવા લાયક નથી. ખેતી કરવા માટે પાણી ખરાબ થઈ ગયા છે. એસીડીક ઓછો પી.એચ., અને વધુ ટી.ડી.એસ., વધુ મેગ્નેશિયમ અને ક્લોરાઈડનું સંયોજન હોવાથી માણસ અને પશુઓ બંને માટે વપરાશ માટે અયોગ્ય છે. સિંચાઈના હેતુઓ માટે અયોગ્ય છે.

માટીનો ડુંગર બેસી ગયો

16 નવેમ્બર 2020ના રોજ બાડી અને હોઈદડ ગામે GPCLના  ખાણની માટીના ડુંગરની માટી જમીનમાં બેસી ગઈ હતી. બાજુમાં જમીન ઊંચી થઈ ગઈ હતી. ધરતીકંપ જેવી ઘટના અહીં બની હતી. તેથી ખાણ બંધ કરવા માટે ભાવનગર કલેક્ટર સાથે ગ્રામજનોની બેઠક થઈ હતી. નિષ્ણાતોની સમિતિ બનાવીને અભ્યાસ અભ્યાસ કર્યા બાદ તકેદારીના જરૂરી ઠોસ પગલાં ભરવા રજૂઆત કરી હતી.

GPCBની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું

સમિતિએ 25 નવેમ્બર 2020ના રોજ સ્થળ તપાસ, ભુજળની ગુણવત્તા, ખનનની કામગીરીની તપાસ કરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો  હતો.
પરંતુ, આજ દિન સુંધી માઈનિંગ બંધ કરવામાં આવ્યું નથી. તપાસ સમિતિના અહેવાલની કોઈ માહિતી ગ્રામજનો, ગ્રામપંચાયત, પત્રકારોને આપવામાં આવી નથી.

GPCL કોઈ પગલાં ન લીધા

સમિતિની મુલાકાત બાદ કંપની દ્વારા નક્કર પગલાં ભરાયા નથી. કાયદો તેના ખિસ્સામાં છે. ઊંચા થયેલા ઢગ સમતલ કરવામા આવ્યા છે. ઢગલાઓમાં તિરાડો પડવી, પાણી નીકળવું, ધીમા દરથી માટીનું ઊંચકાવવું વગેરે ગંભીર પ્રક્રિયા હજુ પણ ચાલુ જ  છે.

અહેવાલ ન અપાયો

GPCL અને બોર્ડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે આજ દિવસ સુધી ગ્રામજનો, ગ્રામ પંચાયત, બાર ગામ ખેડૂત સંઘર્ષ સમીતી બાડી-પડવા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, અને ખેડૂત એકતા મંચને આ સમિતિએ કરેલી કાર્યવાહી કે અભ્યાસનો અહેવાલ આપ્યો નથી. 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp