ગુજરાતમાં BSFની ભરતીમાં પણ છેતરપિંડી, 15 ડમી ઉમેદવારો ઝડપાયા

PC: youtube.com

ગુજરાતમાં સરકારી નોકરીઓની ભરતી સમયે ઘણી વાર ગેરરીતી સામે આવતી હોય છે. નોકરી મેળવવા માટેની પરીક્ષાઓ પાસ કરવા માટે ઉમેદવારો અવનવા પેતરાઓ કરતા હોય છે. થોડા મહિનાઓ પહેલા LRDની પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા ફૂટી જવાની માહિતીના આધારે તંત્ર દ્વારા પરીક્ષાના દિવસે પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી નવી પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, હવે BSFની પરીક્ષા પાસ કરવા માટે પણ કેટલાક ઉમેદવારોએ ડમી ઉમેદવાર ઉભા કરીને લેખિત પરીક્ષા પાસ કરી હતી.

BSFની ફીઝીકલ પરીક્ષા સમયે આ તમામ ડમી ઉમેદવારો પકડાઈ ગયા હતા. જેથી સમગ્ર મામલે ચિલોડા પોલીસ સ્ટેશનના એક ફરિયાદ દાખલ થઇ હતી. પોલીસે આ મામલે 14 ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક રીપોર્ટ અનુસાર 13 ઓગસ્ટના રોજ BSFની લેખિત પરીક્ષા પાસ કરી ચૂકેલા યુવકોની ફીઝીકલ પરીક્ષા યોજાઈ હતી. આ ફીઝીકલ પરીક્ષા દરમિયાન 14 જેટલા ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ મેચ થયા ન હતા. જેના કારણે BSFની ભરતીમાં ડમી ઉમેદવારો ઉભા કરીને પરીક્ષા પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતુ.

જે લોકોના ફિંગરપ્રિન્ટ મેચ થયા ન હતા, તેમને અલગથી બેસાડીને તેઓની BSF દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉમેદવારો હરિયાણા અને ઉત્તર ગુજરાતથી આવેલા હતા. આ તમામ ઉમેદવારોએ ડમી ઉમેદવાર ઉભો કરીને પરીક્ષા આપવી હોવાની કબુલાત કરતા BSFના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ચિલોડા પોલીસ સ્ટેશનમાં 15 ઉમેદવારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે 14 ઉમેદવારોની ધરપકડ કરી છે અને એક ડીશાનો યુવક હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આગામી દિવસોમાં પોલીસે આ કૌભાંડના મુખ્ય સુત્રધારને પકડવા માટેના ચક્રો ગતિમાન કરશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp