26th January selfie contest

EVM હટાવવા 6 હજાર કિમીની પદયાત્રાએ નીકળેલા ઓમકારસિંહ કહે છે પુરાવા નથી

PC: indiantime.in

ચૂંટણીમાં ઈવીએમ ન વાપરવાના આંદોલન સાથે ઈવીએમ હટાવવા મામલે પદયાત્રાએ નીકળેલા કોંગ્રેસના કાર્યકર ઓમકારસિંહ ધિલ્લોન માને છે કે, ભાજપ દ્વારા ઈવીએમમાં મોટાપાયે ગોટાળા કરીને ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે. ત્યારે ઈવીએમના સ્થાને દેશની તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી જ યોજાવી જોઈએ.

ઉત્તરાખંડથી શરૂ કરેલી પદયાત્રા આગામી વર્ષે માર્ચમાં દિલ્હીના રાજઘાટ ખાતે સવા છ હજાર કિલોમીટરની સફર સાથે પૂર્ણ થશે. ઓમકારસિંહ ધિલ્લોને વાતચીતમાં તેમની પદયાત્રા વિશે વાત કરતાં કહે છે કે, ઉત્તરાખંડથી શરૂ કરેલી આ પદયાત્રા ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન થઈને ગુજરાતમાં પહોંચ્યો છું. પદયાત્રાના 1600 કિલોમીટર પૂરાં થયાં છે. અને તમામ રાજ્યોમાં લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને લોકોનું પણ માનવું છે કે, ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ. કેમ કે, ઈવીએમના કારણે ઘણાં ગોટાળા કરવામાં આવી રહ્યા છે. અને ભાજપ દ્વારા વર્ષ 2016-17માં યોજાયેલી ઉત્તરપ્રદેશની ચૂંટણીથી જ ઈવીએમમાં છેડછાડ કરીને પ્રચંડ બહુમતી મેળવવામાં આવી છે.

ઈવીએમમાં છેડછાડ કરી હોવાના પુરાવા અંગેના સવાલમાં ધિલ્લોન કહે છે, આવા કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ આ એક દેખીતું કૌભાંડ છે. અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય એની સાથે ગેરરીતિ કરવી સરળ હોય છે. અને ભાજપ દ્વારા આ મશીનોનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, નક્કર પુરાવા ન હોવાના કારણે ભાજપને ફાવતું મળી ગયું છે. અને તે વિવિધ ચૂંટણીઓ આસાનીથી જીતી જાય છે. અને ચૂંટણી પંચ તેમ જ સુપ્રીમ કોર્ટ પણ નક્કર પુરાવા ન હોવાના કારણે તેમાં ગરબડ થઈ હોવાની વાત સ્વીકારતા નથી.

એક પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, હા સાચી વાત છે કેટલાક રાજ્યોમાં ભાજપને માર પડ્યો છે. પણ આવું ત્યારે થયું છે જ્યારે ઈવીએમ મામલે જે બૂમરાણ મચી હતી તેના કારણે ભાજપે કેટલાંક રાજ્યોમાં છેડછાડ ન કરી અને તેના કારણે તેમને ઓછી બેઠકો મળી હોવાના દાખલા છે જે બતાવે છે કે, ઈવીએમમાં છેડછાડ કરીને જ ભાજપ વધુ બેઠકો મેળવતું હતું.

તેઓ વધુમાં કહે છે કે, આપણા દેશની પ્રજા એટલી બેવકૂફ પણ નથી કે જે પક્ષ દ્વારા તેમના હિતના નિર્ણયો કરવામાં ન આવ્યા હોય અને આપણા દેશનું અર્થતંત્ર પણ જે પક્ષની સરકારને કારણે ખાડે ગયું હોય તેમ જ જે સરકારના નોટબંધીના અણઘડ નિર્ણયને કારણે આખા દેશને ભોગવવું પડ્યું તેવી સરકારને કોઈ ફરીવાર સત્તા પર આવવા ન દે. પરંતુ 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપ સત્તા પર આવી ગયું તે જ બતાવે છે કે, ઈવીએમમાં છેડછાડ કરીને ભાજપ સત્તા પર આવે છે.

પોતાની પદયાત્રા વિશે ધિલ્લોન કહે છે કે, સવારે સાડા છ સાત વાગે ચાલવાનું શરૂ કરું છું અને દિવસ દરમિયાન 30થી 40 કિલોમીટર ચાલુ છું. આ યાત્રા દરમિયાન માર્ગમાં આવતા શહેરો ગામો વગેરેમાં લોકોને મળું છું અને ઈવીએમ હટાવવાની ઝૂંબેશ વિશે લોકોને માહિતગાર કરું છું. અત્યારસુધીમાં જેટલા રાજ્યોના શહેરો અને ગામોમાં ગયો ત્યાં લોકોએ સારો એવો પ્રતિસાદ આપ્યો છે. અને તેના કારણે મારું જોશ વધે છે અને હું વધારેને વધારે તેજ ગતિથી આ ઝૂંબેશને આગળ વધારું છું.

તેઓ કહે છે કે, 1600 કિલોમીટરની અત્યારસુધીની યાત્રામાં જે તે રાજ્યોના બિન ભાજપી પક્ષો, વિવિધ રાજકીય આગેવાનો, ભૂતપૂર્વ રાજકીય નેતાઓ, પ્રાદેશિક પક્ષો ઉપરાંત સામાન્ય પ્રજા સાથે મુલાકાત કરી છે જેમાં તમામનો એક જ સૂર જોવા મળ્યો છે કે, પહેલાં જે બેલેટ પેપરથી મતદાન થતું હતું તે યોગ્ય હતું. કેમ કે તેમાં દરેકે દરેક બેલેટ પેપરની ચકાસણી કરાતી હતી. પરંતુ ઈવીએમ આવ્યા ત્યારથી ચૂંટણીમાં ગેરરીતિનું પ્રમાણ વધી ગયું છે. અને ટેક્નોલોજીના માહેર એવા લોકો આ મશીનના સોફ્ટવેરમાં ગરબડ કરીને જે તે પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરાવી દે છે.

તેમણે આ અંગે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. અને આટલી લાંબી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઘણાં રાજ્યોમાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવેલા ઈવીએમ પણ ગાયબ થઈ ગયા હતા. આવા અનેક દાખલાઓ વિવિધ રાજ્યોમાં બન્યા છે અને અંદાજે 19 લાખ જેટલાં ઈવીએમ આજે પણ ગાયબ છે. આ મશીનોનો કોઈ અતોપતો નથી મળતો.

ચૂંટણી પંચ સમક્ષ ઈવીએમના સોફ્ટવેરમાં થતી છેડછાડ મામલે રજૂઆતો કરી છે ખરી એવા સવાલના જવાબમાં ધિલ્લોન કહે છે, અનેકવાર મેં તેમ જ અનેક રાજકીય પક્ષો દ્વારા આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી પરંતુ, ચૂંટણી પંચ હંમેશા એવો દાવો કરે છે કે, આ મશીનના સોફ્ટવેરમાં કોઈ પ્રકારની છેડછાડ થઈ શકતી નથી. અને પંચ દ્વારા અમારી પાસે આ અંગેના પુરાવા માંગ્યા પરંતુ તેના કોઈ પુરાવા ન હોવાના કારણે ચૂંટણી પંચ કે સુપ્રીમ કોર્ટ પણ કોઈ નિર્ણય નથી કરી શકતું અને ના છૂટકે ઈવીએમ દ્વારા જ મતદાન આજે પણ કરાઈ રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે, ઓમકારસિંહ ધિલ્લોનની આ પદયાત્રા ગુજરાતમાંથી નીકળીને મહારાષ્ટ્રના મુંબઈ થઈને રાજ્યના વિવિધ ભાગોમાંથી તામિલનાડુના ચેન્નઈ અને અન્ય શહેરોમાં થઈને પશ્ચિમ બંગાળના કોલકત્તા જશે અને ત્યાંથી આગામી વર્ષે માર્ચ મહિનામાં દિલ્હીના રાજઘાટ ખાતે પદયાત્રાનું સમાપન થશે. આમ ઉત્તરાખંડથી શરૂ કરેલી પદયાત્રા સવા છ હજાર કિલોમીટરની સફર પૂર્ણ કરશે.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp