ચાવાળાની દીકરી બની ફાયટર પાયલટ, પિતાએ કહ્યું- ફાધર્સ ડેની સૌથી સારી ગિફ્ટ

PC: newindianexpress.com

મધ્ય પ્રદેશમાં નીમચમાં ચાની લારી ચલાવનારા સુરેશ ગંગવાલની 23 વર્ષીય દીકરી આંચલ હૈદરાબાદમાં એરફોર્સ ટ્રેનિંગ એકેડેમીમાં એર ચીફ માર્શલ RKS ભદૌરિયાની સામે શનિવારે જ્યારે માર્ચ પાસ્ટ કરી રહી હતી, તો તેમની આંખો છલકાઈ ગઈ. એ જ દિવસે 123 કેડેટ્સ સાથે આંચલ ગંગવાલની એરફોર્સમાં કમિશનિંગ થઈ ગઈ. પિતા સુરેશ ગર્વભર્યા સ્મિત સાથે કહે છે કે, ‘ફાધર્સ ડે પર પિતા માટે આનાથી સારી બીજી શું ગિફ્ટ હોય શકે? મારી જિંદગીમાં ખુશીના ઓછાં અવસર આવ્યા છે, પરંતુ ક્યારેય હાર ન માનનારી દીકરીએ એ સાબિત કરી દીધું કે મારા દરેક સંઘર્ષના પરસેવાના ટીપાં કોઈ મોતીથી ઓછાં નથી.

તો આંચલે કહ્યું કે, ‘મુસીબતોથી ન ડરવાની શીખ તેણે પિતા પાસેથી શીખી છે. આર્થિક મુશ્કેલીઓ જીવનમાં આવે છે પરંતુ, મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત હોવી જરૂરી છે. ભારતીય વાયુ સેનાના ફાયટર પાયલટના રૂપમાં પસંદ થયેલી આંચલનું કહેવું છે કે, એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર બનવા માટે મેં પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ સબ ઈન્સ્પેકટરની નોકરી પણ છોડી દીધી. મારું માત્ર એક જ લક્ષ્ય હતું- કોઈ પણ પરિસ્થિતિમાં વાયુસેનમાં જવાનું. આખરે છઠ્ઠા પ્રયાસમાં સફળતા મળી ગઈ.

આંચલના પિતાએ કહ્યું કે, મારા ત્રણેય બાળકો શરૂઆતથી જ અનુશાસનમાં રહ્યા. હું પત્ની સાથે બસ સ્ટેશન પર ચા-નાસ્તાની લારી લગાવું છું. જ્યારે હું કામ કરતો તો મારા બાળકો જોતા હતા. ક્યારેય કોઈ માંગણી નથી કરી. જે મળતું તેનાથી સંતુષ્ટ રહેતા હતા. ક્યારેય કોઈની દેખાદેખી નથી કરી. રવિવારે દીકરી આંચલે હૈદરાબાદમાં વાયુસેનાના સેક્ટર પર ફ્લાઈંગ ઑફિસરના પદ પર જોઈન્ટ કરી લીધું. એ જ મારી અત્યાર સુધીની પુંજી અને બચત છે. દીકરી શરૂઆતથી જ ભણવામાં ટોપર રહી છે. બોર્ડ પરીક્ષામાં 92 ટકાથી વધારે માર્ક મેળવ્યા. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલી આપત્તિ અને વાયુસેનાએ ત્યાં જે રીતે કામ કર્યું, એ જોઈને દીકરી આંચલે પોતાનું મન બદલ્યું અને વાયુસેનામાં જવાની તૈયારી કરી. આજે દીકરી તેના લક્ષ્ય સુધી પહોંચી ગઈ છે એ અમારા માટે ગૌરવની વાત છે.

માતા બબીતા અને પિતા સુરેશ ગંગવાલના સંઘર્ષને પોતાની સફળતાનો શ્રેય આપતા આંચલ કહે છે કે, ‘જ્યારે મેં મારા માતા-પિતાને કહ્યું કે, હું ડિફેન્સ સર્વિસમાં જવા માંગુ છું તો તેઓ થોડા ચિંતિત હતા પરંતુ તેમણે મને ક્યારેય રોકવાનો પ્રયત્ન ન કર્યો. વાસ્તવમાં તેઓ મારા જીવનના આધાર સ્તંભ રહ્યા છે. હું મારી માતૃભૂમિની સેવા માટે હંમેશાં તૈયાર છું અને તેને એક અવસરના રૂપમાં જોઉં છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp