તિથલ બીચ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલા આ વાંચી લેજો

PC: surattourism.in

કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા અનલોકમાં લોકોને વધારે છૂટછાટ આપવામાં આવી છે. અનલોકમાં છૂટ મળી હોવાના કારણે ધંધા-ઉદ્યોગ શરૂ થયા છે અને સાથે-સાથે જીમ, બાગ બગીચા અને ફરવા લાયક સ્થળો પણ ખુલ્યા છે પરંતુ કેટલીક જગ્યાઓ પર લોકો વધુ પ્રમાણમાં એકઠા થતાં હોવાના કારણે નિયમોનો ભંગ થાય છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે લોકો અલગ-અલગ દરિયા કિનારે એકઠા થઈને દરિયામાં નાહતા હોવાના કારણે કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ રહે છે. તેના કારણે વલસાડના તિથલ બીચ પર દરિયામાં સ્નાન કરતા લોકોને 500નો દંડ ફટકારવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર વલસાડમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે વલસાડનું તીથલ બીચ છેલ્લા સાત મહિનાથી બંધ છે પરંતુ અનલોકમાં રાજ્ય સરકાર દ્વારા ફરવા લાયક સ્થળો અને ખોલવા માટેની છૂટછાટ આપતા વલસાડનું તીથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લું છે. તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પરંતુ અહીં લોકો દરિયામાં નાહવાનો આનંદ માણી શકશે નહીં. લોકો માત્ર દરિયા કિનારે ફરી શકશે કારણ કે, કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તિથલ બીચ પર નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતેની સુચના આપતા પોસ્ટર પણ દરિયા કિનારે અલગ-અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિએ દરિયામાં નાહવા ઊતરવું નહીં જો કોઈ વ્યક્તિ નાહતા પકડાશે તો તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

આ સમગ્ર મામલે તિથલ પંચાયતના સભ્ય રાકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, લાંબા સમય બાદ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પરંતુ તિથલ બીચ પર આવતા સહેલાણીઓ માત્ર બીચની સુંદરતા માણી શકશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, દરિયામાં સ્નાન કરતાં કે, માસ્ક પહેર્યા વગર જો કોઈ વ્યક્તિ પકડાશે તો તેને પંચાયતની ટીમ દ્વારા 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

આ ઉપરાંત એવી પણ સૂચનાઓ લખવામાં આવી છે કે, લારી ધારકોએ હેન્ડ ગ્લોઝ પહેરવા, માસ્ક પહેરવું અને સેનિટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવો. આ ઉપરાંત લારી ધારકોએ માત્ર પાર્સલની વ્યવસ્થા કરવી ખુરશીઓ મૂકવી નહીં અને પાર્સલ પણ સામાજિક અંતરનું પાલન કરીને આપવું. લોકોને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ રસ્તા પર થૂંકતા પકડાશે તો તેને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. તિથલ પોલીસ અને ગ્રામ પંચાયત દ્વારા સતત આ બાબતેનું મોનીટરીંગ કરવામાં આવશે. જે લોકો નિયમ ભંગ કરતા દેખાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp