આમાંથી કોઇ તમારી નંબરપ્લેટ હશે, આરટીઓમાં થઈ ગયો HSRP નંબર પ્લેટનો ભરાવો

PC: khabarchhe.com

(રાજા શેખ) સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે રસ્તા પર દોડતા જૂના વાહનોમાં એચ.એસ.આર.પી (HSRP) નંબર પ્લેટ લગાવવાની કડકાઈ દાખવી અને દંડ વસુલવાનું અભિયાન શરૂ કર્યું. જોકે, લાખો જૂના વાહનોમાં આ હાઈસિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લાગી ન હોવાથી અને એક માત્ર આરટીઓમાં તે લાગી શકે એમ ન હોવાથી તેની મુદ્ત આગળ વધાર્યે રાખી. હવે નવા વાહનોમાં તો ડિલર્સને ત્યાં જ આ નંબર પ્લેટ લગાવવાની વ્યવસ્થા ઊભી કરી દેવાય છે, જ્યારે કેટલાક ટોલ પ્લાઝા સહિતની જગ્યાઓ પર પણ તેની સુવિધા છે. હાલ કોરોનાકાળ દરમિયાન આવી સંખ્યાબંધ HSRP બનીને આરટીઓ કચેરીમાં પડી રહી છે નંબર પ્લેટ બનાવનારને પણ પુરતો સમય મળી રહેતા હાલ સુરત(surat) આરટીઓ(RTO)માં જ આવી 22 હજાર જેટલી પ્લેટ (નવા અને જૂના વાહનો મળી) બનીને તૈયાર છે. જગ્યાના અભાવે બહારના પેસેજમાં પણ તેના થપ્પા મારી રાખવાની નોબત આવી છે.

દરેક નવા અને જૂના વાહનોમાં એચએચઆરપી નંબર પ્લેટ લગાવવા માટે સુપ્રીમ કોર્ટે દેશભરની સરકારોને આદેશ કર્યો હતો. વર્ષ 2013 પછીના વાહનોમાં તો આ હાઈસિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ ((HSRP) ફરજિયાત લગાવાય રહી હતી, (અપવાદ કેટલાક નહીં લગાવતા હતા) પરંતુ તે પહેલાના જૂના વાહનોમાં પણ આ પ્લેટ લગાવવાની હોવાની મથામણ દરેક આરટીઓ કરી રહી હતી અને હજી પણ કરે છે. જોકે, લોકડાઉનમાં આરટીઓમાં પ્રજાની એન્ટ્રી બંધ હતી. 30 ટકા જેટલો સ્ટાફ રોટેશનમાં નોકરી કરી રહ્યો હતો. અનલોક બાદથી અત્યારસુધી પેન્ડિંગ એચઆરઆરપી પ્રોડક્શન કરવાની કામગીરી આરટીઓમાં થઈ અને આવેલી ઓનલાઈન અરજીઓનો નિકાલ કરતા સુરત આરટીઓમાં 22 હજાર જેટલી એચઆરપી બનીને ત્યાર પડી છે અને બીજી નવી બનીને વાહનોમાં ફિટમેન્ટની કામગીરી શરૂ કરી દેવાય છે. જૂના વાહનોની લગભગ 16 હજાર નંબર પ્લેટ જ્યારે નવા વાહનોની 5800 જેટલી એચએસઆરપી બનીને રેડી છે. હવે ધીરેધીરે વાહનધારકો તેને ફીટ કરાવવા આવી રહ્યાં છે. જોકે, સ્ટાફે મળેલી તકનો લાભ ઉઠાવીને તમામ પેન્ડિંગ અરજી પર કામ કર્યું છે તે સારી બાબત છે.

કડકાઈ બાદ 19.57 લાખ એચએસઆરપી સુરતમાં લાગી ચુકી છે

આરટીઓ તરફથી મળતી અધિકૃત જાણકારી મુજબ પહેલા એચએસઆરપી વિના ફરતા ટુવ્હીલરને રૂ. 100, થ્રીવ્હીલરને રૂ. 200, ચોરવ્હીલરને રૂ. 300 અને હેવી વ્હીકલને રૂ. 500 તથા 1000નો દંડ કરવાનું શરૂ કરાયું હતું. પાછલા વર્ષે બરાબર આ સમયથી કોરોનાકાળ પહેલા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ જ કડકાઈ દાખવી દંડનીય કાર્યવાહી શરૂ કરાતા ભારે ઘસારો એચએસઆરપી માટે થયો હતો. ઘણાંએ સરકારની ટીકા પણ કરી હતી. જોકે, સુરત આરટીઓમાં અત્યારસુધી નોંધાયેલા 32 લાખ જેટલા વાહનો પૈકી નવા 11.30 લાખ વાહનોને જ્યારે જૂના 8.28 લાખ વાહનોમાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ (કુલ 20 લાખ) લાગી ચુકી છે. જ્યારે 22 હજાર બનીને રેડી છે. આરટીઓના અધિકારીના કહેવા પ્રમાણે ઘણા વાહનો સ્ક્રેપ થઈ ચુક્યા છે, ઘણાં બીજા પ્રદેશમાં ટ્રાન્સફર થઈ ચુક્યા હશે, બાકીના ઓનરોડ નહીં હોય તેવા બાદ કરતા હવે એક અંદાજ પ્રમાણે જૂના 3 લાખ જેટલા વાહનોમાં એચ.એસ.આર.પી લગાવવાની બાકી હોય શકે અને હવે આરટીઓ ઉપરાંત ડીલર્સ અને ડીમ્ડ ડિલર્સ મળી 40થી વધુ જગ્યાઓ પર આ નંબર પ્લેટ લગાવાવનું કામ ચાલી રહ્યું હોવાથી પહેલા જેવો ઘસારો જોવા નહી મળે અને થોડા મહિનાઓમાં જ ઈચ્છુક જૂના વાહનધારકો પોતાના વાહનોમાં આ નંબર પ્લેટ લગાવી શકશે. જોકે, એ વાત છે કે, હાલ કોરોનાકાળ દરમિયાન દંડનીય કાર્યવાહી હળવી હોવાથી કેટલાક જૂના વાહનોમાં હજી પણ ફેન્સી કે ચિતરાવેલી, રેડિયમવાળી નંબર પ્લેટ જોવા મળી રહી છે ને તેઓ નવી એચએસઆરપી લગાવવાની તસ્દી લઈ રહ્યાં નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp