દહેજ-ઘોઘા ફેરી સર્વિસ બંધ કરવી પડશે તેવું અમે પહેલા જ કહ્યું હતુંઃ કોંગ્રેસ

PC: khabarchhe.com

ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી શરૂ કરાયેલી રો રો ફેરી સેવાને પ્રોજેકટ કોન્ટ્રાકટર દ્વારા બંધ કરી દેવાની જાહેરાત કરાઈ છે. જે માટે તેમણે ડ્રેજિંગની કામગીરી માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ (જીએમબી) દ્વારા સેવાતા દુર્લક્ષ્યથી  નુકશાન થઈ રહ્યું હોવાનું કારણ દર્શાવ્યું છે. ત્યારે એ બાબત સ્પષ્ટ થાય છે કે ભૂતકાળની મનમોહનસિંહની સરકારે આ જ કારણસર ફિજીબિલિટી રિપોર્ટ આપ્યા ન હતા તેમ કોંગ્રેસ અગ્રણીનું કહેવું છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ એવા ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરથી ભરૂચ જિલ્લાના દહેજ વચ્ચે વર્ષ 2017માં રો રો ફેરી સેવાને શરૂ કરવામાં આવી હતી. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ કરાયું હતું. આ પ્રોજેકટ શરૂ કરાયો ત્યારે રો રો ફેરી સેવાના પ્રોજેકટ કોન્ટ્રાકટર અને ગુજરાત સરકાર વચ્ચે એવો કરાર થયો હતો કે, દહેજના દરિયા કિનારા પર ભરાતા કાંપને દૂર કરવા માટે ડ્રેજિંગની કામગીરી જીએમબી દ્વારા કરવામાં આવશે. કિનારા પર પાંચ મીટર સુધી પાણી રહે તે અંગેની ખાતરી આપવામાં આવી હતી. જો કે જીએમબી દ્વારા દ્વારા દહેજ બંદર આવી ડ્રેજિંગની કામગીરી નિયમિત રીતે કરવામાં આવતી ન હતી, જેથી કિનારા ઉપર પાંચ મીટર પાણી રહેતું ન હતું.

કિનારા પર પાંચ મીટર પાણી ન રહેવાના કારણે રો રો ફેરી સેવાનું જહાજ કિનારા સુધી પહોંચી શકતું ન હતું. જેના કારણે રો રો ફેરી સેવાના પ્રોજેકટ કોન્ટ્રાકટરે કંપનીને નુકશાન થતું હોવાનું જણાવ્યું હતું. આ જ કારણોસર તેમણે રો રો ફેરી સેવાને બંધ કરવાની સાથે તેમનું જહાજ વેચવાની પણ વાત કરી છે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, દહેજમાં કાંપ દૂર કરવા માટે ડ્રેજિંગની કામગીરી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સતત વરસેલા વરસાદના કારણે નદીઓનું પાણી દરિયામાં આવતું રહ્યું હતું. વરસાદના લીધે નદીઓના પૂરમાં આવેલો કાંપ દહેજના દરિયા કિનારા પર ભરાય જતો હતો. જેથી ઝડપથી કામગીરી થઈ શકતી ન હતી.

જ્યારે આ મામલે કોંગ્રેસના અગ્રણી અને પ્રવકતા મનહર પટેલે જણાવ્યુ હતું કે, કેન્દ્રમાં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે આ પ્રોજેકટના ફિજીબિલિટી રિપોર્ટ અંગે પરવાનગી આપવામાં આવી ન હતી. તેની પાછળનું કારણ દરિયામાં ભરાતા કાંપ અને તેની ડ્રેજિંગની કામગીરી કારણભૂત મનાય છે.

ભૂતકાળના સમયમાં પણ ઘોઘા અને દહેજ વચ્ચે ત્રણેક વખત ફેરી સેવા શરૂ કરાઈ હતી, પરંતુ દરિયાકિનારા પર ભરાતા કાંપને દૂર કરવા માટે ડ્રેજિંગની સમસ્યાના કારણે જ બંધ કરવામાં આવી હતી.

ભાવનગરનું લૉકગેટ પણ ડ્રેજિંગની સમસ્યાના લીધે બંધ થયું

એશિયાનું સૌ પ્રથમ એવું ભાવનગરનું લૉકગેટ પણ જીએમબીની આ જ ખામીના કારણસર બંધ થઈ ગયું છે.  આ લૉકગેટ પણ વારંવાર ભરાતા કાંપને નિયમિત રીતે દૂર કરવા માટે ડ્રેજિંગની કામગીરી થતી ના હોવાથી તેને ખોલવા અને બંધ કરવામાં મુશ્કેલી પડતી હતી. જેથી ભાવનગરનું લૉકગેટ બંધ થઈ ગયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp