દમણથી આવતા સમયે ડાકોર મંદિરના સેવક પરિવારનો નબીરો દારૂની 4 બોટલ સાથે પકડાયો

PC: dainikbhaskar.com

રાજ્યમાં દારૂબંધી હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ અવાર નવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. ત્યારે હવે મંદિર સાથે સંકળાયેલા પરિવારના લોકો પણ દારૂ સાથે પકડાયો હોય તેવો કિસ્સો પારડીમાં સામે આવ્યો છે. પારડી પોલીસ કલસર પાતળિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. તે સમયે પોલીસને એક કારમાંથી 9 હજાર રૂપિયાની દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી દારૂ અને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને દારૂ સાથે પકડાયેલ વ્યક્તિની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ડાકોરમાં રણછોડરાય મંદિરમાં ભોજનના કોન્ટ્રાક્ટર ધરાવે છે. હાલ પોલીસ આરોપીનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરશે.

રિપોર્ટ અનુસાર ડાકોરના રણછોડજી મંદિરના કીર્તનકારના પુત્ર પાર્થ ખંભોળજા દમણના પ્રવાસે આવ્યો હોવાના કારણે તે પોતાની કારમાં ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ અને બ્લેક એન્ડ વ્હાઇટ 4 દારૂની બોટલ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે પારડીના કલર પાતળિયા ચેકપોસ્ટ પાસે પાર્થની કારને અટકાવી હતી અને ત્યારબાદ કારમાં ચેકિંગ કર્યુ હતું.

પોલીસને કારની તપાસ દરમિયાન કારની અંદરથી 9 હજાર રૂપિયાની 4 દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક કાર ચાલક પાર્થની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે 9 હજાર રૂપિયાની દારૂની બોટલો સાથે 7 લાખ રૂપિયાની કાર પણ કબજે કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પાર્થ ડાકોરના રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. તેના પિતા ડાકોર મંદિરમાં કીર્તનકાર છે અને પાર્થ ડાકોર રણછોડરાય ભોજનાલયમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચલાવે છે. જો કે, આ અગાઉ પણ પાર્થ મંદિરની કમિટી સાથે વિવાદમાં આવ્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું. હાલ તો પોલીસે પાર્થની પ્રોહિબિશનના ગુના હેઠળ અટકાયત કરીને તેનો કોરોનો ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા પાર્થની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સરકાર દારૂબંધીના કડક કાયદાનું અમલ થતું હોવાની વાત કરે છે પરંતુ અવાર નવાર પોલીસના હાથે લાખો રૂપિયાના દારૂનો મુદ્દામાલ પકડાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp