સુરેન્દ્રનગરમાં લારીવાળાઓએ પોલીસ સાથે કર્યું ઘર્ષણ, પોલીસે નોંધ્યો ગુનો

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલની સારવાર લઈ રહેલા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે, તેથી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ વધારે ન ફેલાય તે માટે તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવે છે. કરિયાણાની દુકાન, શાકભાજી માર્કેટમાં લોકોના ટોળા એકઠા ન થાય તે માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવે છે અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કહેવામાં આવે છે, છતાં પણ કેટલાક લોકો તંત્રની આ વાત માનવા તૈયાર નથી ત્યારે પોલીસ તેમને સમજાવવા જાય છે ત્યારે લોકો પોલીસ સાથે માથાકૂટ કરે છે. ત્યારે આવો જ કિસ્સો સુરેન્દ્રનગરમાં પ્રકાશમાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર શાકભાજીવાળાને સોસાયટીઓમાં જઈને શાકભાજી વેચવા માટેની છૂટ આપવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં કેટલાક શાકભાજીવાળાઓ મોટી માર્કેટમાં લારીઓ લઈને માર્કેટ લગાવી હતી, તેથી લોકો એકઠા થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી ટ્રાફીક PSI વી.પી. સોલંકી અને તેમનો સ્ટાફ પોપટપરા વિસ્તારમાં પહોંચ્યો હતો. તે સમયે પોલીસને તમામ શાકભાજીવાળાઓ લારી મૂકીને તેમના ઘરમાં ચાલ્યા ગયા હતા અને તેઓ ઘરમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું.

પોલીસ પોપટપરા વિસ્તારમાંથી ચાલ્યા ગયા બાદ ફરીથી શાકભાજીવાળા શાકભાજીની લારી લગાવી હતી, જેથી લોકો શાકભાજી લેવા માટે એકઠા થયા હતા અને આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ફરી તે વિસ્તારમાં પહોંચ્યો હતો.

પોલીસ જ્યારે લોકોના ટોળા વિખેરવાની કામગીરી કરી રહી હતી, ત્યારે મહિલાઓ સહિત લોકોના ટોળા સામસામે આવી ગયા હતા. આ ઘટનાની જાણ DySP એ.બી. વાળંદ અને SOG PI એફ.કે.જોગલને થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ મામલે ટોળાની આગેવાની કરી રહેલા પોપટપરાના આકાશ સુરેલા, ઇમરાન મન્સુરી, નાઝીયા પઠાણ, રજસ દીવાન અને હમીદા પઠાણની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp