સુરતનું એક મોટું બિલ્ડર ગ્રુપ વ્યાજખોરોના ચક્કરમાં ઉઠમણાને આરે

PC: Freepik.com

પહેલા નોટબંધી, પછી જીએસટી અને પછી રેરા....આવા એક પછી એક આઘાતોને સહન કરવા છતાં કોઇને કોઇ રીતે રીયલ એસ્ટેટ સેક્ટર ગાડું ગબડાવી રહ્યું હતું પરંતુ કોરોનાએ તો હવે જે થોડી ગણી આશા હતી તેને પણ તોડી નાંખી છે. બિલ્ડર ગ્રુપમાં ચાલતી ચર્ચા મુજબ સુરતનું એક મોટું બિલ્ડર ગ્રુપ વ્યાજખોરોના ચક્કરમાં ઉઠમણાને આરે છે.

જ્યારથી અનલોક શરૂ થયું અને આર્થિક ગતિવિધિઓ શરૂ થઇ ત્યારથી તમામ સેક્ટરોમાં લોકોએ સૌથી પહેલું કામ ઉઘરાણીનું કર્યું છે. જૂના પેમેન્ટ ઉઘરાવવા માટે જે કોઇ પણ ટ્રીક કામ કરે તેને અપનાવીને લોકો પૈસા સેફ કરી રહ્યા છે. રીયલ એસ્ટેટ સેક્ટર આમ પણ પહેલા મંદીમાં જ હતું એટલે પેમેન્ટ  તો અટવાયા જ હતા પરંતુ હવે કોરોના પછી લોકોમાં તેનો ડર વધુ છે. એટલે ઉઘરાણીઓ ખૂબ જ કડક રીતે રહી છે. આવા સમયમાં સુરતનું એક મોટું બિલ્ડર ગ્રુપ પેમેન્ટ કરી શકવાની સ્થિતિમાં જ નથી, તેવી ચર્ચા મોટા ઉપાડે ચાલી રહી છે. આ ગ્રુપ પહેલાથી જ વ્યાજનો મોટા ખાડામાં હતું. અગાઉ આ ચક્કરમાં એક ભાગીદારે તો આપઘાત પણ કરી લીધો હતો. હવે બીજા ભાગીદારો વ્યાજખોરોના ચક્કરમાં ભારે દબાણમાં છે. એવી પણ વાત બહાર આવી છે કે આ સ્થિતિને કારણે ભાગીદારોમાં અંદરો અંદર બબાલો શરૂ થઇ ગઇ છે. 

સૂત્રો જણાવે છે કે મોટાભાગે વેસુ વિસ્તારમાં જ કામ કરતા અને પ્રિમિયમ પ્રોજેક્ટો બનાવતા આ બિલ્ડર ગ્રુપના મોટાભાગના પ્રોજેક્ટ લાંબા સમયથી અટવાઇ ગયા હતા. કેનાલ રોડ અને ડુમસ રોડ,એરપોર્ટ નજીકના પ્રોજેકટો ઘોંચમાં પડ્યા હતા. માર્કેટમાં ડિમાન્ડ જ ન હોવાથી પ્રોજેક્ટો વેચાયા ન હતા અને વ્યાજનું ચક્કર તો ચાલુ જ હતું. પહેલા તો જેમ તેમ વ્યાજની વ્યવસ્થા કરી. એવી આશા હતી કે થોડા સમયમાં માર્કેટ સુધરશે તો બધુ સમુસુતરૂં થઇ જશે. પરંતુ માર્કેટ તો સુધર્યું નહીં પરંતુ કોરોના આવી ગયો. ત્રણ મહિનાથી બધુ કામ બંધ અને આગામી દિવસો પણ શું થશે તેની કોઇ ગેરન્ટી નથી. આવામાં ઉઘરાણીઓ શરૂ થઇ અને પૈસા પૂરા થઇ ગયા. હવે આ સ્થિતિમાં આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp