ગુજરાતના આ શહેરના બિલ્ડર્સનો નિર્ણય, ચીનના ઉત્પાદન ખરીદશે નહિ અને વાપરશે પણ નહિ

PC: newprojects.99acres.com

પૂર્વી લદ્દાખ પ્રાંતમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઈને સમગ્ર ભારતમાંથી ચીનના ઉત્પાદનનો બિહષ્કાર થઈ રહ્યો છે. ધીમે ધીમે દરેક ક્ષેત્રમાંથી ચાઈના પ્રોડ્કટનો વિરોધ કરીને આર્થિક રીતે પાઠ ભણાવવા અને ભૂલનું ભાન કરાવવા દેશના અનેક સંગઠન સક્રિય થઈ રહ્યા છે. એટલું જ નહીં નાના યુનિટોએ તો ચીન માલ મંગાવવાનું પણ બંધ કરી દીધું છે. ગુજરાત રાજ્યમાં પણ જુદા જુદા સેક્ટરના લોકોએ ચીનના ઉત્પાદને જાકારો આપવાનો નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્રના રાજકોટમાં બિલ્ડર્સે કોઈ પ્રકારના ચીનના ઉત્પાદન ન ખરીદવાનો અને વાપરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેર બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટના કોઈ પણ બિલ્ડર ચીનની વસ્તુ કે ઉત્પાદનનો ઉપયોગ નહીં કરે. કારણ કે, આપણે ખરીદેલી વસ્તુથી ચીન કરોડો રૂપિયા કમાય છે અને આ જ રૂપિયા આપણા જ વિરોધમાં વાપરે છે. હવે ચીનને કાન પકડાવવાનો સમય આવી ગયો છે. આ હેતુથી રાજકોટના બિલ્ડર્સ હવેથી કોઈ પ્રકારની ચીનની વસ્તુઓના ઉપયોગ બાંધકામ કે કોઈ પણ કામમાં નહીં કરે. સામાન્ય રીતે કોઈ પણ બાંધકામના પાયાથી લીઈને અંત સુધી એક યા બીજી રીતે ચીનના ઉત્પાદનનો ઉપયોગ થાય છે.

જે નાની-મોટી ચીજ વસ્તુઓમાંથી ચીન કરોડો રૂપિયા કમાય છે. પરેશ ગજેરાએ ગુજરાત બિલ્ડર્સ એસો.ના નિર્ણયને પણ આવકાર્યો છે. તેમણે રાજકોટના તમામ બિલ્ડર્સને ચીનની વસ્તુ ન વાપરવા માટે પણ અપીલ કરી છે. થોડા દિવસ પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક નાના નગરમાંથી ચીનની વસ્તુઓની હોળી કરવામાં આવી હતી. જે રીતે ચીન ઈન્ડો-ચાઈના બોર્ડર પર ફૂંફાડા મારે છે એને આર્થિક રીતે ફટકો આપવા માટે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાંથી પણ ચીનની વસ્તુઓનો ઉપયોગ ટાળવા ચીન સામે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. બીજી તરફ લધુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ હંસરાજભાઈ ગજેરાએ કહ્યું હતું કે, અત્યારે ચીનના ઉત્પાદનનો ઉપયોગ બંધ કરી ઘર આંગણે મળેલી તકને વિકસાવવાનો સમય છે. જે વસ્તુઓની ચીનની થતી આયાત પર પ્રતિબંધ મૂકાયો છે એની સ્થાનિક સ્તરે ઉત્પાદન શક્ય છે. જેથી ચીનની ભારતમાંથી થતી આવકને એક મોટો આર્થિક ઝટકો લાગશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp