રિઅલ એસ્ટેટ સેક્ટર માટે CM રૂપાણીની મોટી જાહેરાતો, બિલ્ડરો ખુશ

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં નિયમો સરળ અને સામાન્ય માનવીને પણ લાભકર્તા હોય તેવા સંવેદનાસ્પર્શી-પારદર્શી પ્રશાસનની નેમ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિકારી અને સંક્ષિપ્ત નિયમો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતીમાં ક્રેડાઇ ગુજરાત દ્વારા આયોજીત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019નો પ્રારંભ કરાવતા આ મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે સર્વગ્રાહી સ્વીકૃત થાય એટલું જ નહિ, સરળતાએ આયોજન અને અમલ પણ થઇ શકે તે હેતુસર બાંધકામ નિયમોમાં કેટલીક મહત્ત્વની જોગવાઇઓ કરી છે.

વિજય રૂપાણીએ શહેરી વિકાસ ક્ષેત્રોને આયોજનબદ્ધ વેગ આપવા સાથે ખાનગી અને જાહેર જમીનો પરની ઝૂંપડપટ્ટી વસાહતોને સુવિધાયુકત આવાસ મળે તે માટે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત 20રર સુધીમાં સૌને આવાસ છત્ર મળે તેવા ભાવ સાથે તાજેતરમાં અનેક પહેલરૂપ નિર્ણયો કર્યા છે. એટલું જ નહિ, ટી.પી. એકટના 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એક જ વર્ષમાં 100 ટી.પી. સ્ક્રીમ મંજૂર કરવાની સિદ્ધિ મુખ્યમંત્રીએ હાંસલ કરી છે.

તેમણે આ વર્ષ 2019માં પણ નવ માસના ગાળામાં 75 ટી.પી. સહિત 8 ડી.પી.ને મંજૂરીઓ આપી આયોજનબદ્ધ શહેરી વિકાસની સંકલ્પબદ્ધતા દર્શાવી છે. વિજય રૂપાણીએ હવે બાંધકામના નિયમોમાં જે મહત્ત્વપૂર્ણ જોગવાઇઓ કરી છે તેના પરિણામે નગરો-મહાનગરોમાં બાંધકામ ઊદ્યોગને નવી દિશા મળતી થશે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગ અંતર્ગત દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન – સત્તામંડળ તેમજ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં દરેકને લાભ કર્તા રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવાનો પ્રયત્ન આ નવી જોગવાઇઓ દ્વારા કર્યો છે.

મુખ્યમંત્રીએ બાંધકામના નિયમોમાં કરેલી મહત્ત્વની જગવાઇઓની જાહેરાત આ પ્રમાણે છે:-

 ખૂબ જ ઓછા સમયગાળામાં ટી.પી. સ્કીમ પુરી કરવાના લક્ષ્યાંક સાથે, ટી.પી. ના જુદા જુદા તબક્કાને ઓછા કરી તાત્કાલિક પૂર્ણ કરવા કાયદામાં સુધારા માટે સૂચના

 લોકોના “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર કરવા ગામતળ એક્સ્ટેન્શનમાં મળવાપાત્ર બેઝ FSI ઉપરાંત ચાર્જેબલ FSI મળી 1.8 FSI મળવાપાત્ર રહેશે.

 સત્તામંડળમાં GME વિસ્તારની મળતી ચાર્જેબલ FSI ની રકમના 50% રકમ જે તે સ્થાનિક સંસ્થાને જાહેર હેતુના કામ માટે ફાળવણી કરાશે.

 નગરપાલિકાની D-8 અને ગ્રામ્ય વિસ્તારની D-10 કેટેગરીમાં બેઝ FSI તરીકે 1.2 તથા 0.6 ચાર્જેબલ મળી 1.8 FSI મળવાપાત્ર રહેશે.

 D1, D2, D4 અને D7A કેટેગરીમાં 36.00 મી. કે તેથી પહોળા અને 45 મી. થી નાના રસ્તા ઉપર મહત્તમ 3.6 FSI તથા 45.00 મી. કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર મહત્તમ 4.0 FSI, રસ્તાની બંને બાજુ 200.00 મી. સુધી જે ઝોનમાં બેઝ FSI 1.5 અથવા વધુ હોય તેમાં બાકીની FSI ચાર્જેબલ ગણી મળવાપાત્ર રહેશે.

 કોમન પ્લોટમાં સોસાયટીના કોમન ફેસીલીટીઝના મળવાપાત્ર બાંધકામને FSI માંથી સંપૂર્ણ મુક્તિ. આ કોમન ફેસીલીટીઝ કોમન પ્લોટ સાથે એસોસીએશનને સોંપવાની રહેશે

 નોન ટી.પી. એરીયામાં નિયત સમય પહેલાં મંજુર થયેલ બિનખેતી તથા સબપ્લોટીંગના કિસ્સામાં 2500 ચો.મી. સુધીના પ્લોટમાં કપાત નહી કરવામાં આવે.

 સમગ્ર રાજ્યમાં શહેરીકરણના નિર્દિષ્ટ વિસ્તારોમાં ખાનગી આવાસકારોને એફોર્ડેબલ હાઉસીંગ બનાવવા માટે પ્રોત્સાહન અપાયુ.

 કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જીન રાખી શકાશે.

 ઇન્ડસ્ટ્રીઝ માટેના નાના પ્લોટમાં માર્જીન ઘટાડી ઉદ્યોગને પ્રોત્સાહન અપાયુ.

 ‘ઓપન ટુ સ્કાય’ ની જોગવાઇ ફક્ત ગામતળ અને કોર સીટીમાં લાગુ.

 સોલાર પાવર પ્લાન્ટ દરેક ઝોનમાં મળવાપાત્ર રહેશે.

 મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સત્તામંડળોમાં જે એન્જીનીયર / આર્કીટેક્ટ રજીસ્ટર હોય તે સમગ્ર રાજ્યમાં પ્રેક્ટીસ કરી શકશે.

 સુરત શહેરમાં જરી ઉદ્યોગની આગવી ઓળખ ધ્યાને લેતાં જરી ઉદ્યોગના ઉપયોગ ડ્વેલીંગ-2 માં પરવાનગીપાત્ર રહેશે.

 પેટ્રોલ પંપ / ફ્યુલિંગ તથા eV સ્ટેશન રોડના જંક્શન પર મળવાપાત્ર રહેશે.

 9.0 મીટરથી ઓછી પહોળાઈના રોડ પર DW-1, DW-2 પ્રકારના મકાનોની ઊંચાઇ 10.00 મી.ની જગ્યાએ 12.00 મી. મળવાપાત્ર થશે

 પાણીના પ્રશ્નોના વધુ સચોટ નિરાકરણ માટે “રેઇન વોટર હાર્વેસ્ટીંગ” ના ભાગરૂપે માર્જીનમાં વરસાદી પાણી સંગ્રહ કરવા ટાંકી બનાવી, ઘરકામ માટે આ સંગ્રહિત પાણી વાપરવાનું આમેજ કરાયું જળસંચય અને જળસંગ્રહને વેગ આપવાનો પ્રોત્સાહક પ્રયાસ.

 100 થી વધુ રહેણાંક આવાસોના એકમોના વિકાસના કિસ્સામાં ઘરકામમાં ઉપયોગ થયેલ પાણીને શુધ્ધ કરવા શુધ્ધીકરણ પ્લાન્ટ લગાવી બગીચા / લોન માટે આ પાણીનો ઉપયોગ કરવા આયોજન આમેજ-રિસાયકલીંગ ઓફ યુઝડ વોટરને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર.

 રોડની પહોળાઇનાં સંદર્ભમાં મળવાપાત્ર ઉપયોગોમાં આરોગ્યલક્ષી ઉપયોગોનો સબંધિત કક્ષામાં ઉમેરો કરાયો.

 રેસીડેન્સીયલ ઝોન-3 માં એજ્યુકેશન - 1 અને 2 માટે 0.9 ની ચાર્જેબલ FSI સાથે કુલ 1.2 FSI મળવાપાત્ર રહેશે.

 હોલોપ્લીંથમાં ઇલેક્ટ્રીક મીટર રૂમ માટે 50.00 ચો.મી. એરીયા FSI માંથી બાદ મળવાપાત્ર થશે.

 મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ અને પ્લમ્બીંગ, એર હેન્ડલીંગ યુનિટ, ફાયર ઇક્વીપમેન્ટ અને એર કન્ડીશનીંગ સિસ્ટમ FSI માંથી બાદ મળવાપાત્ર થશે.

 ડબલ હાઈટ અને ફોયર FSI માંથી બાદ મળવાપાત્ર થશે.

 વડોદરામાં DW1 અને DW2 કેટેગરીમાં ટેનામેન્ટ ટાઇપનાં બાંધકામમાં એડીશન/ ઓલ્ટરેશનનાં કિસ્સામાં, જુના જીડીસીઆરની જોગવાઇ મુજબ 1.2 મી સુધી સ્લેબ લેવલે બાલ્કની પ્રોજેક્શન મળવાપાત્ર થશે.

 15.00 મી. થી 25.00 મી. બિલ્ડીંગની ઉંચાઇ તથા બિલ્ડીંગની ઉંડાઈ 30.00 મી થી વધારે ના હોય તેવા કીસ્સામાં સાઇડ અને રીઅર માર્જીનમાં વેહીક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.

 2000 ચો.મી. થી ઓછા ક્ષેત્રફળના પ્લોટમાં બિલ્ડીંગની ઉંચાઇ 25.00 થી 45.00 મી. સુધીની હોય તથા બિલ્ડીંગની ઊંડાઈ 45.00 મી. થી વધારે ન હોય તેવા કિસ્સામાં કોઈપણ એક સાઇડ અને રીઅર માર્જીનમાં વેહીક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.

 ગામતળમાં રોડની પહોળાઇ મુજબ FSIની મર્યાદામાં બિલ્ડીંગની વધુ ઉંચાઇ મળવાપાત્ર થશે.

આ સમિટના પ્રારંભ અવસરે ક્રેડાઇ ગુજરાતના પ્રમુખ પરેશ ગજેરા, ચેરમેન શેખર પટેલ, જક્ષય શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, રેરાના ચેરમેન અમરજીતસિંગ સહિત બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp