CM કેજરીવાલે કહ્યું-દિલ્હીમાં સેના તૈનાત કરો, કેન્દ્ર સરકારે જાણો શું કહ્યું

PC: pib.gov.in

નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ પ્રદર્શનોએ દિલ્હીમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. તેમાં ઘણાં વાહનો અને દુકાનોને આગ લગાવી દેવામાં આવી છે. તો આ હિંસામાં અત્યારસુધીમાં 20 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હિંસક પ્રદર્શનો પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચિંતા વ્યક્ત કરી છે. બુધવારે અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં લખ્યું હતું કે, તમામ પ્રયત્નો છતાં દિલ્હી પોલીસ હિંસા પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી છે. હિંસાવાળા વિસ્તારોમાં સેના મુકવી જોઇએ. પરંતુ આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો હતો કે હાલમાં દિલ્હીમાં સેનાની કોઇ જરૂરિયાત નથી, કારણ કે અર્ધસૈનિક બળોની તૈનાતી કરી દેવામાં આવી છે. 

આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર પણ લખશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘હું દિલ્હીના ઘણાં લોકોના સંપર્કમાં છું. અત્યારે દિલ્હીમાં માહોલ તણાવપૂર્ણ છે. પોલીસ તેના તમામ પ્રયત્નો છતા સ્થિતિ સંભાળી નથી શકતી એવામાં હવે સેનાને બોલાવવી જોઇએ અને પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવો જોઇએ. હું આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખી રહ્યો છું.

તમને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વી વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી હિંસા થઇ રહી છે. આ દરમિયાન ઘણાં વિસ્તારોમાં પથ્થરમારો કરવા ઉપરાંત એક પેટ્રોલ પંપ સહિત દુકાનો અને અનેક ગાડીઓને આગને હવાલે કરવામાં આવી હતી. અત્યાર સુધી દિલ્હીની હિંસામાં 20 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે, તેમા એક પોલીસકર્મી શહીદ થયા છે. દિલ્હીની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ હતા.

અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગૃહ મંત્રીએ તેમને દિલ્હીમાં સુરક્ષાબળોની સંખ્યામાં વધારો કરવાની વાત કહી છે. અરવિંદ કેજરીવાલ પહેલા હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ પણ એવી માંગણી કરી હતી. ઔવેસીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, ‘દિલ્હી પોલીસ હિંસા પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી છે અને લોકો સાથે ભળી ગઇ છે. એવામાં પ્રભાવિત વિસ્તારોમાં તરત જ સેના મુકવી જોઇએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp