યુ.પીમાં 8 પોલીસને મોતને ઘાટ ઉતારનાર વિકાસ દુબેને નેતાઓએ ગુંડામાંથી ડોન બનાવ્યો

PC: blogspot.com

તમે ઘણી એવી હિંદી ફિલ્મો જોઇ હશે, જેમાં ખતરનાક ગુંડારાજ બતાવ્યું હોય. ગુંડાની ધાકને કારણે લોકો સાક્ષી બનવા તૈયાર ન થાય અને થાય તો  મોતને ઘાટ ઉતરી જાય.રાજકારણી અને પોલીસોના ગુંડા પર 4 હાથ હોય. પણ વાસ્તવિક જીવનમાં આ બધું આપણને વધારે પડતું લાગે. પણ યુપીના કાનપુરમાં વિકાસ દુબે નામનો હિસ્ટ્રી શીટર 8 પોલીસની હત્યા કરી ફરાર થઇ ગયો. તે જોતા તો હવે એમ લાગે છે કે ફિલ્મોમાં બતાવાતી ઘટના સાચી હોય છે.હવે તો વેબ સિરિઝમાં ખુલ્લે આમ હત્યાના સીન બતાવાય છે. તમે મિરઝાપુર સિરિઝ જોઇ હશે જેમાં યુપીના ગેંગસ્ટરની સ્ટોરી હતી.બીજી સિરિઝ રંગબાઝ હતી. શિવપ્રકાશ ગુંડાની વાત છે. મતલબ કે ફિલ્મ કરતા વાસ્તવમાં વધારે ગુંડાગર્દી અને રાજકારણની ગંદી જોવા મળી રહી છે.ગુજરાત માટે સારી વાત એ છે કે આટલી મોટા પાયે ગુંડાગીરીના બનાવ બનતા નથી.

શુક્વારે યુપીના કાનપુરમાં જે ઘટના બની તેની સંક્ષિપ્તમાં માહિતી જોઇએ તો યુપી પોલીસ કાનપુરના બિકરુ ગામમાં રહેતા વિકાસ દુબેને હત્યાના એક કેસમાં ધરપકડ કરવા પહોંચી તે પહેલા તો વિકાસ દુબેને પોલીસ દ્રારા જ માહિતી મળી ગઇ હતી કે પોલીસ આવી રહી છે.ગામમાં વચ્ચોવચ્ચ એક જેસીબી ગોઠવી દેવાયું હતું. પોલીસ જેસીબી હટાવવા ગઇ તો વિકાસના સાગરીતોએ અંધાધુધ ગોળીબાર કરી દીધો જેમાં ડીસીપી સહીત 8  પોલીસવાળા શહીદ થઇ ગયા.હત્યા કરીને વિકાસ અને સાગરીતો ફરાર થઇ ગયા છે.

વિકાસ દુબે એક સામાન્ય ગુંડો હતો પણ તે ગામનો સરપંચ બન્યા પછી યુવાનોને ભેગા કરીને વર્ચસ્વ વધારવા માંડયો હતો. તેના કહેવા પ્રમાણે જ લોકો મત આપતા હતા એટલે રાજકારણીઓ વોટબેંક હાંસલ કરવા વિકાસને મોટો ગુંડો બનાવતા ગયા.એક સામાન્ય ગુંડામાંથી વિકાસ રાજકારણીઓ અને પોલીસની સાંઠગાંઠમાં ડોન બની ગયો હતો.

વિકાસ દુબે સામે અત્યાર સુધીમાં હત્યા સહીતના 60 ગુના નોંધાયા છે છતા તેના આજ સુધી વાળ વાંકો થયો નથી.વિકાસ દુબે એમનેમ હિસ્ટ્રી શીટર બન્યો નથી. એનો ઇતિહાસ જોઇએ તો ખબર પડે કે 1990માં જયારે માયાવતીની સરકાર હતી ત્યારે વિકાસ દુબે નાના મોટા  અપરાધ કરતો હતો. પણ ધીમે ધીમે ધારાસભ્યોના સંપર્કમાં આવ્યો અને મોટા મોટા કાંડ કરતો થઇ ગયો. વિકાસ દુબેને કોઇ પણ સરકાર હોય ફરક પડતો નહોતા. દરેક સરકારમાં દુબે પોતાના સેટીંગ ગોઠવી દેતો.નેતાઓના કામ કરીને કરોડો રૂપિયાની કમાણી કરતો.

વિકાસ દુબેએ 1992માં 28 વર્ષની ઉંમરે ગામના એક દલિત યુવકની હત્યા કરીને પહેલું ક્રાઇમ કર્યું હતું.તે પછી વિકાસ ઝાલ્યો ઝલાતો નહોતો.. તેણે તેનું સામ્રાજય માત્ર યુ.પી પુરતું સિમિત નહોતું. તેણે બિહાર, મધ્ય પ્રદેશમાં પણ ફેલાવો કર્યો હતો. તેના બિકરુ ગામમાં તેણે કિલ્લા જેવું ઘર બનાવ્યું છે અને 30થી 40 ફુટ ઉંચી દિવાલો અને તેની પર કાંટાળા તાર બનાવ્યા છે. અને તેના ઘરમાં જ 50 સીસીટીવી લગાડેલા છે. યુ.પી. પોલીસે શનિવારે તેના કિલ્લા પર બુલડોઝર ફેરવી નાંખ્યું છે. મજાની વાત એ છે કે જે જેસીબીથી ગામમાં આવતા પોલીસને રોકી હતી તે જ  જેસીબીથી તેનું ઘર તોડી પાડયું.

2001માં જયારે યુ.પીમાં ભાજપની સરકાર હતી અને રાજનાથ સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે પણ વિકાસ દુબેએ ભાજપના મંત્રી સંતોષ શુકલા પર જાહેરમાં ગોળીબાર કર્યો હતો.મંત્રી ભાગીને નજીકના પોલીસ સ્ટેશનની જેલમાં જઇને છુપાઇ ગયા તો દુબેએ  ત્યાં જઇને મંત્રીની હત્યા કરી નાંખી હતી. પણ પુરાવાના અભાવે તે તરત છુટી ગયો હતો.મંત્રીની હત્યા પછી વિકાસ દુબેનો કાનપુરમાં ડર ફેલાઇ ગયો હતો. કોઇની પણ હત્યા તે આસાની થી કરી શકતો હતો કારણ કે પોલીસ અને રાજકારણીઓના તેની પર 4 હાથ હતા.અત્યારે યુ.પીમાં યોગી આદિત્યનાથની સરકાર છે અને પોલીસે વિકાસ દુબે માટે 50000નું ઇનામ જાહેર કર્યું છે.

2012માં વિકાસ દુબેએ તારાચંદ ઇન્ટર કોલેજ ના આસિટન્ટ મેનેજર સિધ્ધેશ્વર પાંડેની હત્યા કરી હતી. પણ તેને કોઇ હાથ લગાડી શક્યું નહોતું.

અમે આ સ્ટોરી તમને એટલા માટે કહી રહ્યા છે કે દેશભરમાંથી ગુંડારાજ ખતમ થવું જોઇએ.આવા ગુંડાઓ કેટલાંયે નિદોર્ષ લોકોની જિંદગી હરામ કરી નાંખતા હોય છે. પણ જયાં સુધી રાજકારણીઓ પોતાની સત્તા માટે ગુંડાઓનો ઉપયોગ બંધ નહીં કરે ત્યાં સુધી શકય નથી. અને કેટલાંક નેતાઓ તો પોતે જ ગુંડા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp