બ્રિટનમાં ટેક્સી ચાલક પર હુમલો, તાલિબાની આતંકી કહી દાઢી કાપી નાખી

PC: punjabkesari.in

ભારતમાં જન્મેલા એક શીખ ટેક્સી ડ્રાઈવર પર કેટલાંક યાત્રીઓ દ્વારા દુરવ્યવહાર કરવાની સાથે, અપશબ્દ બોલ્યા હતા અને માર માર્યો હતો. આ ઘટના પછી બ્રિટનની પોલીસે તેની તપાસ શરૂ કરી છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરોને દક્ષિણ પૂર્વી ઈંગ્લેન્ડના રીડિંગ શહેરના એક કસીનોથી લંડન લઈને આવ્યો હતો.

વનીત સિંહ નામના આ શીખ ડ્રાઈવરે ઘટના અંગે જણાવ્યું હતું કે, ચાર વ્યક્તિઓના એક ગ્રુપે તેની દાઢી કાપી નાખી હતી અને તેને થપ્પડ માર્યા હતા. ઈંગ્લેન્ડના બર્કશાયરમાં ચાર લોકોએ તેને તાલિબાની આંતકી કહીને તેની સાથે દુરવ્યહાર કર્યો હતો. ચારેય વ્યક્તિઓએ તેને તાલિબાની હોવાનું પૂછયું હતું અને તેમાંની એક વ્યક્તિએ તેની પાઘડી પણ ઉતારવાની કોશિશ કરી હતી. આ ઘટનાથી ડરી ગયેલા વનીત સિંહે કહ્યું હતું કે તે હવે ક્યારેય રાતે ટેક્સી ચલાવશે નહીં.

વનીત સિંહે ઘટના અંગે વધુમાં વાત કરતા કહ્યું હતું કે, તેણે તેની ટેક્સીમાં બેઠેલા લોકોને તેણે પહેરેલી પાઘડીના ધાર્મિક મહત્ત્વને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ કંઈ માનવા તૈયાર જ નહોતા. આ ઘટનાની બ્રિટન પોલીસ તપાસ કરી રહી છે અને આ ઘટના પોતાની નજરે જોનાર વ્યક્તિઓને સામે આવીને શું થયું હતું તે અંગે જણાવવા માટે કહી રહી છે.

સિંહ બર્કશાયર સ્થિત સ્લોમાં એક સ્કૂલમાં સંગીતના ટીચર હતા પરંતુ કોરોના વાયરસને કારણે શાળાઓમાં રજા હોવાને લીધે તેમણે ટેક્સી ચલાવવાની શરૂ કરી દીધી હતી. સિંહ પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે ટાઈલહસ્ટમાં રહે છે. આ હુમલાથી તેઓ ઘણા ગભરાઈ ગયા છે અને હવેથી રાતે કામ પર નહીં જશે તેવું જણાવ્યું હતું. બ્રિટન સહિત વિદેશોમાં ઘણી જગ્યાએ બિનઅશ્વેત સહિત બીજા દેશોના લોકો પર વારંવાર હુમલો કરવામાં આવે છે અથવા તો તેમને ભેદરંગનો સામનો કરવો પડે છે. થોડા મહિનાઓ પહેલા જ એક શ્વેત અધિકારી દ્વારા બ્લેકમેનને મારી નાખવામાં આવતા આખા અમેરિકા સહિત દુનિયાભરમાં તેની નિંદા કરવાની સાથે લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp