આ રિયલ એસ્ટેટ કંપનીએ તેના સ્ટાફને આપ્યું 35-35 લાખનું બોનસ, સ્ટાફની આંખો થઈ ભીની

PC: gannett-cdn.com

એક રિયલ એસ્ટેટ કંપનીએ તેના સ્ટાફને લગભગ 35-35 લાખ રૂપિયા બોનસના રૂપમાં આપ્યા છે. કંપનીએ તેના 198 સ્ટાફને બોનસ આપવામાં 71 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બોનસનો ચેક લીધા બાદ ઘણાં સ્ટાફ આશ્ચર્યમાં મૂકાઈ ગયા અને ઘણાં લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

અમેરિકાના બાલ્ટીમોરની સેંટ જૉન પ્રોપર્ટી નામની કંપનીએ એક હોલિડે પાર્ટીના અવસરે બોનસનું એલાન કર્યું. ન્યૂયોર્ક પોસ્ટની રિપોર્ટ અનુસાર, સ્ટાફને તેમના કાર્યકાળના હિસાબે બોનસની રકમ આપવામાં આવી, મોટાભાગના સ્ટાફને 35 લાખ રૂપિયાનું બોનસ મળ્યું.

કંપનીનું કહેવું છે કે, તેઓ સ્ટાફને આટલું મોટું બોનસ આપવામાં એટલા માટે સફળ રહ્યા કારણ કે કંપનીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અમેરિકાના 8 રાજ્યોમાં કંપનીએ ઓફિસ, રિટેલ સ્ટોર અને ગોડાઉન માટે 2 કરોડ સ્કવેર ફૂટનું મકાન તૈયાર કર્યું છે.

કંપની તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, આ જિંદગી બદલી નાખનારી બાબત છે. ઘણાં સ્ટાફ કંપનીની સાથે 19 વર્ષોથી કામ કરી રહ્યા છે.

ખાસ વાત એ છે કે, આ હોલિડે બોનસ કંપની તરફથી વાર્ષિક રીતે અપાતા બોનસ કરતા તદ્દન જુદુ છે. બોનસનું એલાન કરતા કંપનીના ફાઉન્ડર અને ચેરમેન એડવર્ડ સેંટ જૉને કહ્યું હતું કે, હું આનો સેલિબ્રેટ કરવા માગતો હતો અને જે લોકોએ આ કામ કર્યું છે તેમના માટે કાંઈક કરવા માગતો હતો.

કંપનીએ આ પ્રકારનું બોનસ જાહેર કરીને તેના ત્યાં લાંબા સમયથી કામ કરતા સ્ટાફનું દિલ જરૂર જીતી લીધું. સાથે જ કંપનીએ સ્ટાફે કરેલી મહેનતનું માન જાળવ્યું છે. સ્ટાફે કરેલી મહેનત તેમણે જોઈ અને ભેટના રૂપમાં તેમને 35 લાખ રૂપિયાનું બોનસ આપ્યું છે. દુનિયામાં ભાગ્યે જ આ રીતની કંપનીઓ જોવા મળતી હોય છે, જે પોતાના સ્ટાફ વિશે વિચારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp