અનોખી હોટેલ, જે દર વર્ષે બને છે અને પછી નદીમાં વહી જાય છે

PC: youtube.com

સામાન્યરીતે જ્યારે કોઈપણ હોટેલનું બાંધકામ કરવામાં આવે, તો તેને એટલી સુંદર અને મજબૂત બનાવવામાં આવે છે, જેથી તે વર્ષોના વર્ષો સુધી ટકી રહે. પરંતુ દુનિયામાં એક એવી હોટેલ પણ છે, જે દર વર્ષે બને છે અને પછી નદીમાં વહી જાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. આ અનોખી હોટેલ સ્વીડનમાં આવેલી છે, જે આઈસ હોટેલના નામથી જાણીતી છે.

સ્વીડનની આ આઈસ હોટેલને દર વર્ષે શિયાળામાં બનાવવામાં આવે છે, પરંતુ પાંચ મહિના બાદ તે પીગળી જાય છે અને નદીના પાણીમાં ભળી જાય છે. આ અનોખી હોટેલને બનાવવાની પરંપરા વર્ષ 1989થી ચાલી રહી છે. આ 31મું વર્ષ છે, જ્યારે હોટેલને બનાવવામાં આવી છે. આ અનોખી હોટેલ ટૉર્ન નદીના તટ પર બનાવવામાં આવી છે. તેને બનાવવા માટે નદીમાંથી આશરે 2500 ટન બરફ કાઢવામાં આવે છે અને પછી ઓક્ટોબર મહિનાથી તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે છે. તેને બનાવવા માટે દુનિયાભરમાંથી કલાકારો આવે છે, જે પોતાની કલાકારી બતાવે છે.

દર વર્ષે હોટેલમાં પર્યટકોના રોકાવા માટે ઘણા રૂમો બનાવવામાં આવે છે. આ વર્ષે અહીં 35 રૂમ બનાવવામાં આવ્યા છે. રૂમની અંદરનું તાપમાન આશરે માઈનસ 5 ડિગ્રી સે. રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દર વર્ષે આશરે 50 હજાર પર્યટકો આ હોટેલમાં રોકાવા માટે આવે છે.

બહાર અને અંદર એમ બંને તરફથી સુંદર દેખાતી આ હોટેલ મે મહિના સુધી ચાલે છે. ત્યારબાદ અહીં બરફ પીગળવાનું શરૂ થઈ જાય છે, ત્યારબાદ હોટેલને બંધ કરી દેવામાં આવે છે. આ હોટેલમાં એક રાત રોકાવાનું ભાડુ 17 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી છે.

આ હોટેલ ઈકો ફ્રેન્ડલી છે, એટલે કે પર્યાવરણને અનુકૂળ છે. અહીં માત્ર સૌર ઊર્જાથી ચાલતા ઉપકરણોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ હોટેલની ખાસ વાત એ છે કે, અહીં એક આઈસ બાર પણ છે. એટલું જ નહીં, અહીં પ્રવાસીઓના પીવા માટે બરફના જ ગ્લાસ બનાવવામાં આવે છે. હોટેલની અંદર એ પ્રકારના સાઉન્ડ ઇફેક્ટ્સ લગાવવામાં આવ્યા છે જેને કારણે એવું લાગે કે તમે જંગલમાં છો. સાથે જ અહીં બાળકો માટે ક્રિએટિવ ઝોન પણ બનાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp