નદીમાં ડૂબતા આધેડને બચાવવા બે પોલીસકર્મી 70 ફૂટ ઊંચા પુલ પરથી નદીમાં કૂદ્યા

PC: dainikbhaskar.com

હંમેશાં મુશ્કેલીની પરિસ્થિતિમાં કેટલાક પોલીસકર્મીઓ પોતાના જીવને જોખમમાં નાંખીને પણ લોકોની રક્ષા કરે છે. ગુજરાતમાં ચોમાસામાં જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય હતી ત્યારે પોલીસકર્મીએ પોતાના જીવના જોખમે પણ બાળકોને બચાવ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે દાહોદમાં બે પોલીસકર્મીઓએ 70 ફૂટ ઊંચા પૂલ પરથી છલાંગ લાગવીને એક આધેડને નદીમાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર દાહોદના ઝાલોદ તાલુકાના લીમડી ગામ પાસેથી પસાર થતી અનાસ નદીમાં બપોરના સમયે એક અજાણ્યા બાઈક ચાલકે પુલ પરથી છલાંગ લગાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ લીમડી પોલીસ સ્ટેશનની ચાકલીયા ચેક પોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશ ભગોરા અને કોન્સ્ટેબલ મુકેશ ખાંટને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને પોતાના જીવની પરવા કર્યા વગર 70 ફૂટ ઊંચા પુલ પરથી આધેડને બચાવવા માટે નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ડૂબી રહેલા આધેડને બચાવીને કિનારે લઇ આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગામના લોકો અને પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આધેડને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં આધેડની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમનું નામ ખાતુ પરથી ગરાસીયા છે તેનો પત્નીની સાથે ઝઘડો થયો હોવાથી તેને નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ SP હિતેશ જોયસરે હેડ કોન્સ્ટેબલ મહેશ ભગોરા અને કોન્સ્ટેબલ મુકેશ ખાંટની કામગીરીની સરાહના કરીને બંનેને 1500-1500 રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું હતું અને બંને કર્મચારીઓના નામ રક્ષા ઍવોર્ડ માટે પણ મોકલવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp