અરવલ્લીમાં જાનૈયાઓના ટ્રેક્ટરને અકસ્માત, 3ના નદીમાં પડવાથી મોત અને 22 ઈજાગ્રસ્ત

PC: wp.com

માલપુર નજીક એક જાનૈયા ભરેલા ટ્રેક્ટરને પૂરપાટ ઝડપે જતા એક ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલા જાનૈયાઓમાંથી 3 જેટલા લોકો ફંગોળાઈને પુલ પરથી નદીમાં ખાબક્યા હતા અને 22 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી તેથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, જાનૈયાઓ એક ટ્રેક્ટરમાં ડચકા ગામથી મૈયાપુરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. જ્યારે આ ટ્રેક્ટર અરવલ્લીના માલપુર નજીક આવેલા વાત્રક નદીના બ્રિજ પરથી પસાર થયું તે સમયે એક ટ્રકે જાનૈયાઓના ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા લોકો હવામાં ઉછળીને જમીન પર પટકાયા અને ત્રણ જેટલા યુવકો નદીના બ્રિજ પરથી 50 ફૂટની ઊંચાઈથી ઉછળીને સીધા નદીના પાણીમાં પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ જાનૈયાઓની મદદ માટે દોડી આવ્યા હતા.

લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલા 22 જેટલા જાનૈયાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા 22 લોકોમાંથી 7 લોકોને માલપુરની હોસ્પિટલમાં જ્યારે 15 લોકોને મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે NDRFની ટીમને બોલાવીને નદીના પાણીમાં ગરકાવ થયેલા ત્રણ યુવકોની શોધખોળ શરૂ કરી હતી. NDRFની ટીમના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વાત્રક નદીમાંથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય યુવકોન મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp