કોરોનામાં વાલીઓની તકલીફને સમજી ગુજરાતની આ સ્કૂલે એક વર્ષની ફી માફ કરી

PC: feminisminindia.com

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રાજ્યમાં ધંધા, ઉદ્યોગો શરૂ થયા છે. પણ બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ કરવા બાબતે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. શાળાઓ બંધ છે તેવા સમયમાં બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ છે. તેથી ઘણા વાલીઓ બાળકોની સ્કૂલ ફીને લઇને ચિંતિત છે. તેવા સમયે રાજ્યની કેટલીક શાળાઓએ માનવતા દાખવીને વિદ્યાર્થીઓની છ મહિનાની, ત્રણ મહિનાની અને શાળા બંધ રહે ત્યાં સુધીની ફી માફ કરીને વાલીઓને મોટી રાહત આપી છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી એક શાળાએ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. શાળાના નિર્ણયથી વાલીઓમાં ખૂશી જોવા મળી રહી છે.

રિપોર્ટ અનુસાર સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં આવેલી માણેક ઇન્ટરનેશનલ સ્કૂલમાં 330 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોનાની મહામારી વચ્ચે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ છે પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળા દ્વારા બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. શાળાના સંચાલકોએ લોકડાઉનમાં વાલીઓની પરિસ્થિતિ જોઈએ શાળામાં અભ્યાસ કરી રહેલા 330 વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. મુશ્કેલીના સમયમાં શાળાએ એક વર્ષની ફી માફ કરીને વાલીઓને મોટી રાહત આપી છે. વાલીઓ દ્વારા પણ શાળાના સંચાલકોના નિર્ણયની સરાહના કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, માણેક ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાલમંદિરથી લઇને ધોરણ 8ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા આવે છે. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી 20 લાખ રૂપિયા જેટલી થાય છે. પણ સંચાલકોએ ફીનો મોહ નહીં રાખીને વાલીઓને મદદ કરવાનો નિર્ણય લઈને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. તો બીજી તરફ કેટલીક ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફી માટે દબાણ કરવામાં આવે છે અથવા તો પુસ્તકો ફરજીયાત શાળામાંથી લેવા માટેનો આગ્રહ કરવામાં આવે છે. મુશ્કેલીના સમયમાં વાલીઓ પર ફી માટે દબાણ કરતી શાળાના સંચાલકોએ આ શાળાની પાસેથી કોઈ શીખ લેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp