ઉત્તર ગુજરાતના ઉદ્યોગકારોને નીતિન પટેલે આપ્યા આનંદના સમાચાર

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની એક પ્રેસ રીલિઝમાં કહેવાયું હતું કે, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનાં સપનાને સાકાર કરવા હરહંમેશ માટે કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા તે દિશામાં વધુ એક નક્કર પગલુ ભર્યુ છે. નાના અને મધ્યમ ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા GIDC દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઐઠોર ખાતે 47 હેક્ટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી છે જેનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે તા.7મી જુલાઇના રોજ બપોરે 3 કલાકે ડ્રો કરી અરજદારોને પ્લોટની ફાળવણી કરાશે. ભારત સરકારની એજ્ન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરાશે. જેમાં MSME ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ 279 પ્લોટની ફાળવણી કરાશે. ઓનલાઈન મંગાવવામાં આવેલી અરજીઓમાં પાત્રતા ધરાવતી 1,220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી હોવાનુ GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપુતે જણાવ્યુ છે.

બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવીડ-19 કોરોના વાયરસની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ, ઉધોગો,વેપાર-ધંધા, રોજગારના ક્ષેત્રો પુન : ધબકતા કરવા તથા કોવિડ – 19 ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વરત કરવાની દિશામાં અનેકવિધ પગલા ભર્યા છે ત્યારે તે જ દિશામાંઆ વધુ એક નક્કર કદમ સાબિત થશે.

તેમણે ઉમેર્યું કે, GIDC દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઐઠોર મુકામે 47 હેક્ટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વસાહત મહેસાણા શહેરથી અંદાજે 25 કી.મીના અંતરે આવેલી છે, જેમાં MSME ઝોન, તથા જનરલ ઝોન એમ કુલ 02 ઝોનનુ આયોજન કરવામાં આવ્યું છે. MSME ઝોનમાં 500 ચો.મી થી 3,000 ચો.મી સુધીના કુલ 254 પ્લોટોનું તેમજ જનરલ ઝોનમાં 3,000 ચો.મી થી 10,000 ચો.મી સુધીના કુલ 25 પ્લોટો મળી કુલ 279 પ્લોટોનું આયોજન કરવામાં આવ્યું છે. ઐઠોર ઔધોગિક વસાહતમાં MSME ઝોનનો કામચલાઉ ફાળવણી દર રૂ. 2,320/- પ્રતિ. ચો.મી તેમજ જનરલ ઝોનનો કામચલાઉ ફાળવણી દર રૂ. 3,360/- પ્રતિ. ચો.મી છે.

ઐઠોર વસાહતમાં ઔદ્યોગિક પ્લોટ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં પાત્રતા ધરાવતી 1,220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. નિગમને મળેલી અરજીઓ પૈકી 3,000 ચો.મી. સુધીની જમીન મેળવવા પાત્રતા ધરાવતી 1,135 અરજીઓ પૈકી MSME ઝોનમાં ફાળવણી કરવા અંગે ડ્રો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પ્લોટની ફાળવણી ડ્રો પદ્ધતિથી કરવાનું નિગમ દ્વારા નકકી કરવામાં આવતા ભારત સરકારની એજ્ન્સી એન.આઈ.સી. (નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર) થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસદસભ્ય શારદાબેન પટેલ, GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપુત, ધારાસભ્ય આશાબેન પટેલ અને એ.પી.એમ.સી ઉંઝાના ચેરમેન દિનેશ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય આગેવાન તેમજ અરજદારો ઉંઝા એ.પી.એમ.સી ખાતે, કોવિડ-19ના નિવારાત્મક પગલાંઓ અંગેની સૂચનાઓ ધ્યાને રાખી આ ડ્રો નું લાઇવ ટેલીકાસ્ટ નિહાળશે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની (GIDC) સ્થાપના ગુજરાત ઔદ્યોગિક વિકાસ અધિનિયમ, 1962 હેઠળ એક વૈધાનિક સંસ્થા તરીકે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસના આધારસ્તંભ તરીકે થયેલી છે. GIDC દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 212થી વધુ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમા આશરે 63,000 એકમો કાર્યરત છે અને 17 લાખથી વધુ લોકોને આ એકમો થકી રોજગારી પ્રાપ્ત થઇ છે.

વિશ્વ સ્તરે આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે GIDC દ્વારા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (SIRs), પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (PCPIR), સ્પેશીયલ ઈકોનોમીક ઝોન (SEZs) પણ વિકસાવવામાં આવ્યા છે. રાજ્યના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેમજ મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી GIDC દ્વારા વિવિધ વસાહતોમાં બહુમાળી શેડ, એમ.એસ.એમ.ઈ પાર્ક અને મહિલા ઔદ્યોગિક પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે.

નિગમ દ્વારા વસાહતોમાં પાયાની માળખાકીય સુવિધાઓ જેવી કે, રોડ, ગટર, પાણી પુરવઠો, પાવર સ્પ્લાય નેટવર્ક, સ્ટ્રીટ લાઈટ, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (કેમીકલ એકમોની વસાહત માટે) તેમજ અન્ય સુવિધાઓ જેવી કે, સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ગ્રીન સ્પેસ, બેંક, હોસ્પીટલ, કોમ્યુનિટી હોલ તથા વાણિજય પ્રવૃતિ માટેની જગ્યાઓ પણ વિકસાવવામાં આવી છે.

Ease of Doing Business (EODB) અંતર્ગત નિગમ દ્વારા ઉદ્યોગકારોને આપવાની થતી તમામ સેવાઓ જેવી કે જમીન માંગણીની અરજી, તબદીલીની અરજી, મોરગેજ પરવાનગી વિગેરે ઓનલાઈન પોર્ટલ મારફત કાર્યરત કરવામાં આવી છે. ઉદ્યોગકારો દરેક સ્તરે તેઓની અરજીની વિગતો ઓનલાઈન જોઈ શકે છે. એટલુ જ નહિ, નિગમની વસાહતોમાં ફાળવેલ મિલ્કતોના બાકી લ્હેણાં, પાણી તથા ડ્રેનેજ બીલનું ચુકવણું ઓનલાઈન પેમેન્ટ ફેસીલીટી દ્વારા કરી શકાય છે.

આ વસાહત માટે મળેલ અરજીઓ પૈકી MSME ઝોન માટેની અરજીઓનો ઓનલાઇન સોફટવેર ધ્વારા ડ્રો યોજી ફાળવણી અંગેની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે, જેની યાદી ડ્રો થયા બાદ તુરંત જ નિગમની વેબસાઇટ https://gidc.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp