રિલાયન્સ રિટેલને વધુ એક ઇન્વેસ્ટમેન્ટ મળ્યું, આ કંપની કરશે રૂ.5550 કરોડનું રોકાણ

PC: firstpost.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, વિશ્વકક્ષાની મૂડીરોકાણ કંપની KKR રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RRVLમાં રૂ.5550 કરોડનું મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણ દ્વારા રિલાયન્સ રિટેલની પ્રિ-મની ઇક્વિટી વેલ્યૂ રૂ.4.21 લાખ કરોડ આંકવામાં આવી છે. KKRનું મૂડીરોકાણ RRVLમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ મુજબ 1.28 ટકા ઇક્વિટી હિસ્સા પ્રમાણે થવા જાય છે.

આ વર્ષના પ્રારંભે જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.11367 કરોડના મૂડીરોકાણ બાદ KKR દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં કરેલું આ બીજું મૂડીરોકાણ છે.

રિલાયન્સ રિટેલ લિમિટેડ, RRVLની પેટાકંપની ભારતનો સૌથી વિશાળ, સૌથી વધુ ઝડપે વિકસતો અને સૌથી વધુ નફો કરતો રિટેલ બિઝનેસ છે જે સમગ્ર દેશમાં આવેલા 12000 સ્ટોર્સમાં 640 મિલિયન ફૂટફોલ્સ ધરાવે છે. લાખો ખેડૂતો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના વેપાર-વ્યવસાયોને સશક્ત બનાવી લાખો ગ્રાહકો સુધી પહોંચવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતના રિટેલ સેક્ટરને વેગવંતુ બનાવવું એ રિલાયન્સ રિટેલનું વિઝન છે. એ ઉપરાંત લાખો ભારતીયોની રોજગારીનું રક્ષણ કરી વધુ તકોનું સર્જન કરવાની સાથે સાથે વૈશ્વિક અને સ્થાનિક કક્ષાની કંપનીઓ સાથે સહયોગ સાધી તેમની સાથે મળી ભારતીય સમુદાયને મહત્તમ લાભ પહોંચાડવો એ પણ તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. રિલાયન્સ રિટેલે તેની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજીથી નાના અને અસંગઠિત વેપારીઓનું પરિવર્તનશીલ ડિજિટલાઇઝેશન આરંભ્યું છે અને 20 મિલિયન નાના વેપારીઓ સુધી આ નેટવર્કનો વિસ્તાર કરવાની નેમ છે. તેનાથી વેપારીઓને તેમના પોતાના જ ગ્રાહકો સુધી મૂલ્યવર્ધિક ઉત્પાદનો પહોંચાડવા માટે ટેક્નોલોજી અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો મળશે.

વર્ષ 1976માં સ્થપાયેલી KKR 30 જૂન, 2020ની સ્થિતિએ 222 અમેરિકી ડોલરની મૂડી તથા અસ્ક્યામતો ધરાવે છે અને વિશ્વકક્ષાની કંપનીઓના સર્જનનો લાંબો તથા અનોખો ઇતિહાસ ધરાવે છે, તેમાં કન્ઝ્યુમર રિટેલ અને ઇકોમર્સના ક્ષેત્ર સહિતની ટેક્નોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરનારી કંપનીઓનો સમાવેશ થાય છે. આવી કંપનીઓમાં એપિક ગેમ્સ, આઉટસિસ્ટમ્સ, ઇન્ટરનેટ બ્રાન્ડ્સ, ગો-જેક એન્ડ વોયેજર ઇનોવેશન્સનો સમાવેશ થાય છે. KKRએ એશિયામાં તેની આઠમાંથી પહેલી ઓફિસ વર્ષ 2005માં શરૂ કરી હતી અને જિયો પ્લેટફોર્મ્સ, જેબી કેમિકલ્સ, મેક્સ હેલ્થકેર, યુરોકિડ્સ ઇન્ટરનેશનલ તથા રામકી એન્વીરો એન્જિનિયર્સ સહિતની 15થી વધુ કંપનીઓમાં 5.1 બિલિયન અમેરિકી ડોલરનું મૂડીરોકાણ કરી ચૂકી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં KKRનું રોકાણકાર તરીકે સ્વાગત કરતાં હું આનંદિત છું કારણ કે તમામ ભારતીયોના લાભાર્થે ભારતીય રિટેલ ઇકોસિસ્ટમના વિકાસ અને પરિવર્તન તરફની અમારી સફર જારી રહે છે. ઉદ્યોગજગતની ટોચની કંપનીઓ સાથે મૂલ્યવર્ધિત સહયોગ સાધવાનો KKRનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે અને તે ઘણા વર્ષોથી ભારતમાં સમર્પિત ભાવે કામ કરી રહ્યું છે. અમારી ડિજિટલ સર્વિસિઝ અને રિટેલ બિઝનેસમાં KKRના ગ્લોબલ પ્લેટફોર્મ, ઇન્ડસ્ટ્રી નોલેજ અને ઓપરેશનલ એક્સર્ટાઇઝ સાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ.

KKRના કો-ફાઉન્ડર અને કો-સીઇઓ હેન્રી ક્રેવિન્સે કહ્યું હતું કે, ભારતીય ગ્રાહકોના રિટેલ અનુભવને ધરમૂળથી બદલી અને તમામ સ્તરના વેપારીઓનું સશક્તિકરણ કરનાર રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં આ મૂડીરોકાણ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે અમારા સંબંધોને વધુ ગાઢ બનાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. જ્યારે વધુ ને વધુ ભારતીય ગ્રાહકો ઓનલાઇન શોપિંગ તરફ વળી રહ્યા છે ત્યારે રિલાયન્સ રિટેલનું ન્યૂ કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો અને નાના વેપારીઓ બંને માટે અત્યંત જરૂરી ખોટ પૂરી કરવા સાથે કરિયાણાની દુકાનોને વેલ્યૂ ચેઇનમાં મહત્વના હિસ્સા તરીકે જોડવાનું કામ કરી રહ્યું છે. ભારતના અગ્રણી ઓમનીચેનલ રિટેલર બનવા માટેના રિલાયન્સ રિટેલના મિશનને અને અંતે ભારતીય રિટેલ ઇકોનોમીને વધુ વ્યાપક બનાવવા માટે રિલાયન્સ રિટેલને ટેકો આપતાં અમે ઉત્તેજિત છીએ.

KKR તેના એશિયા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સમાંથી આ મૂડીરોકાણ કરી રહ્યું છે. આ સોદો નિયમનકારી અને કાયદાકીય મંજૂરીઓને આધિન રહેશે. રિલાયન્સ રિટેલ તરફે નાણાકીય સલાહકાર તરીકે મોર્ગન સ્ટેન્લી તથા કાયદાકીય સલાહકાર તરીકે સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ હતા. જ્યારે KKR તરફે નાણાકીય સલાહકાર ડેલોઇટ ટચ ટોહ્મેત્સુ ઇન્ડિયા એલએપી હતા. શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની અને સિમ્પસન થેચર એન્ડ બાર્ટલેટ એલએલપી KKR તરફથી કાયદાકીય સલાહકાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp