RTO ઈન્સ્પેક્ટરોને મળેલી સરકારી બુલેટ કેમ ધૂળ ખાઇ રહી છે

PC: Khabarchhe.com

(રાજા શેખ). રાજ્ય સરકારે આરટીઓના અધિકારીઓને રોયલ એનફીલ્ડ ક્લાસીક બુલેટ-350સીસી ફાળવવાનો નિર્ણય કર્યો હતો અને સુરત આરટીઓને તે અંતર્ગત ચાર બુલેટની ફાળ‌વણી લોકડાઉન પહેલા કરી હતી. જોકે, સરકારી ફોરવ્હીલર બોલેરો અને પુરાણી સુમો તેમજ પોતાની ખાનગી કારમાં ચેકપોસ્ટ પર ચેકિંગની કામગીરી તેમજ અકસ્માત માટેની સ્પોટ વિઝિટ કરનારા આરટીઓ ઈન્સ્પેક્ટરોને રોયલ એનફીલ્ડ પર જવાનું ફાવતુ ન હોવાની પ્રતીતી થઈ રહી છે. પરિણામે આ ચાર બુલેટ આરટીઓ ઓફિસના એક ખૂણામાં ધૂળ ખાતા મુકી દેવાયા છે. એટલું જ નહીં તેની સામે એક બોર્ડની આડસ મુકી છુપાવી દેવાયા છે. સરકારનો સમય અને ઈંધણની બચત માટેનો આ આઈડિયા ધૂળ ખાય રહ્યો છે.

 36 આરટીઓમાં 74 રોયલ એનફીલ્ડ ક્લાસીસ-350 બુલેટ ફાળવાય હતી 

આરટીઓના અધિકૃત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યની તમામ 36 આરટીઓને 74 જેટલી બુલેટ ફાળવવામાં આવી છે.. જેમાં મુખ્ય શહેરોની એક આરટીઓ દીઠ 4 બુલેટ  અપાય હતી. સુરત આરટીઓને પણ પાસિંગ થયેલી ચાર બુલેટ એલોટ કરવામાં આવી છે. સરકારે બુલેટનો ક્યા અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે પણ નક્કી કર્યું છે. સુરતમાં પલસાણા, કામરેજ અને સરથાણા ચેક પોસ્ટ પર ચેકિંગ કરવા એટલે કે કોઈ પણ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા ઈન્સ્પેક્ટરોએ આ રોયલ એનફીલ્ડનો ઉપયોગ કરવાનો રહેશે. તેઓએ હવે જીપને બદલે બુલેટ પર જવાનું રહેશે. ઉપરાંત અકસ્માતના કેસમાં હવે અન્ય એજન્સી સાથે મળીને સ્પોટ વિઝિટ ફરજિયાત હોવાથી તેવી કામગીરી માટે પણ બુલેટ પર જ જવાનું કહેવાયું હતું.

  તડકો, ઠંડી, ચોમાસુ કેવી રીતે સહન કરાય !!

આમ તો આરટીઓમાં નવા ભર્તી થયેલા અધિકારીઓમાં આ બુલેટના ક્રેઝ હતો પરંતુ સાથોસાથ તેઓને જીવના જોખમની પણ ભીતી હતી. અધિકારીઓનો એવો મત હતો કે ચેકિંગ દરમિયાન ઘણીવાર લક્ઝરી બસવાળા, ટ્રકવાળા ઘણીવાર અધિકારીઓ સામે થઈ જાય છે અને ભાગતા પણ હોય છે ત્યારે જીપથી પીછો કરવો સરળ અને સુરક્ષિત રહે છે જ્યારે બુલેટથી પીછો કરવો તે જોખમી સાબિત થઈ શકે છે. ભાગતી વેળા ટક્કર મારવાના ચાન્સ વધી જાય છે.  તો કેટલાક અધિકારીઓ કહે છે કે, હાલ ચોમાસા દરમિયાન રોયલ એનફિલ્ડનો ઉપયોગ નથી થઈ રહ્યો. વરસાદમાં ભીંજાતા તેના પર જવું મુશ્કેલ છે. કેટલાક અધિકારીઓ તો પોતાની ખાનગી ફોરવ્હીલ આગળ આરટીઓનું બોર્ડ મુકીને વાપરી રહ્યાં છે અને તેઓ કોઈ પણ સંજોગામાં તડકો, ઠંડી અને વરસાદ સહન કરવા માંગતા નથી. પરિણામે તેઓને ટુવ્હીલ ક્લાસીક બુલેટની સુગ છે.એવામાં સરકારનો બુલેટ પર તેઓને મોકલવાનો આઈડિયા હાલ તો ‘ધૂળ’માં જ છે અને તેને સંતાડવામાં પણ આવી રહ્યાં છે.  હવે જોવું એ રહ્યું કે અન્ય વાહનોની જેમ પણ આ ક્લાસીક બુલેટ કંડમ થઈ જાય છે કે તેને ફરીથી આરટીઓ ઓફિસના ખૂણામાંથી ધૂળ ખંખેરીને ઈન્સ્પક્ટોરને ફિલ્ડમાં લઈ જવાની ફરજ પડાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp