વેલડન 181...ગુજરાતની 4 લાખથી વધુ મા-દીકરીઓને મુશ્કેલીમાંથી ઉગારી છે, આટલો ખર્ચ

PC: khabarchhe.com

ગુજરાતમાં અભયમ હેલ્પલાઇનનો ઉપયોગ મોટાભાગે યુવતિઓ અને મહિલાઓ કરી રહી છે. રાજ્યમાં આ હેલ્પલાઇન શરૂ કર્યા પછી પ્રતિવર્ષ તેનો ઉપયોગ વધતો ગયો છે. આ હેલ્પલાઇન હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં ચાર લાખથી વધારે ફરિયાદો મળી છે. 181 નંબરની આ હેલ્પલાઇન પાછળ સરકારે આટલા સમયમાં અંદાજે સાત કરોડનો ખર્ચ કર્યો છે.

ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે 2017-18માં સરકારને 1.35 લાખ2018-19માં 1.74 લાખ અને 2019-20માં 1.60 લાખ જેટલી ફરિયાદો મળી છે. આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં વિવિધ ગુનાઓ સામે મહિલાઓ અને યુવતિઓ હેલ્પલાઇનનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી રહી છે. મોટાભાગના કિસ્સા પારિવારિક ત્રાસ આપવાનાદહેજ અને છેડતીના જોવા મળ્યા છે.

રાજ્યમાં મહિલાઓ જે ફરિયાદ નોંધાવે છે તેની તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વિભાગને વાહન અને સ્ટાફનો ખર્ચ પણ થાય છે. સરકારે આ ત્રણ વર્ષમાં અનુક્રમે 2.03 કરોડ2.94 કરોડ અને 2.15 કરોડનો ખર્ચ કર્યો છે. અભયમ હેલ્પલાઇનના માધ્યમથી ગુનેગારોને પણ પકડવામાં આવ્યા છે.

ગુજરાતમાં કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવી છે. તેના અભ્યાસ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સરાહના કરવામાં આવી છે.

આ હેલ્પલાઇન સતત 24 કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે. CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે. ગુગલના નકશાના ઉપયોગથી બનાવના સ્થળ અને નિકટની સવલતોનો ઝડપી સંચાર મળી રહે છે. લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ શકય બને છે.

GPS ટેકનોલોજીથી સજ્જ રેસકયુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવરજવરનું સમયબદ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઇ શકે છે. એન્ડોઇડ બેઝ‘‘181 અભયમ એપ્લિકેશન’’ના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે. આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.

મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે. પ્રત્યેક કોલનું માળખાગત બેક ઓફિસ દ્વારા ફોલોઅપ અને સંતોષકારક સમસ્યાનું નિવારણ થાય છે. અભયમ હેલ્પલાઇન શરૂ કર્યા પછી 85 ટકા કિસ્સામાં વિવિધ ગુનાઓનું નિવારણ લાવવામાં મદદરૂપ થઇ છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp