અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટમાં વિલંબથી જાણો કેટલું નુકશાન થયું?

PC: khabarchhe.com

અમદાવાદ મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે. આ વિલંબના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આ પ્રોજેક્ટમાં ક્યા ઓફિસરની જવાબદારી છે કે જેમણે પ્રોજેક્ટને વિલંબમાં નાંખ્યો છે. દેશના વિવિધ શહેરોમાં મેટ્રોરેલ યોજના શરૂ થઇ ચૂકી છે ત્યારે અમદાવાદની મેટ્રોરેલ 15 વર્ષથી પણ હજી અધુરી છે.

ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે મેટ્રોરેલના વિલંબના કારણે સરકારને એક વર્ષમાં 2000 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. એટલે કે પ્રોજેક્ટની કોસ્ટમાં 2000 કરોડનો વધારો થયો છે. આ રૂપિયા સામાન્ય જનતા છે જે વેડફાઇ રહ્યાં છે. દિલ્હી અને મુંબઇ અમદાવાદ કરતાં પણ ગીચ હોવા છતાં ત્યાં મેટ્રોરેલમાં કોઇ વિધ્ન આવતાં નથી. અમદાવાદમાં સરકારને જે ઓફિસરો મળે તે કરપ્ટ નિકળ્યાં છે. નિવૃત્ત આઇએએસ સંજય ગુપ્તાએ દાવો કર્યો હતો કે હું મેટ્રોરેલના પ્રોજેક્ટને અઢી વર્ષમાં પૂર્ણ કરીશ પરંતુ તેઓ મેટ્રોરેલના 211 કરોડ લઇને જતા રહ્યાં છે. તેમણે આ પ્રોજેક્ટને ખૂબ નુકશાન કર્યું છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોરેલ પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો પરંતુ પ્રથમ ફેઝમાં હજી અમદાવાદની મેટ્રોરેલ પૂર્ણ થઇ નથી. જો આમ થયું તો ગાંધીનગરને 2030માં પણ મેટ્રોરેલ નહીં મળી શકે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડાં સમય પહેલાં આ પ્રોજેક્ટમાં ઝડપ કરવાનું કહ્યું હતું તેમ છતાં અનિર્ણાયકતાને કારણે મેટ્રોરેલનો પ્રોજેક્ટ મંથર ગતિએ ચાલે છે. 15 વર્ષમાં દેશના તમામ શહેરોમાં મેટ્રોરેલ શરૂ થઇ શકે તેમ છે.

સરકારે તાકીદ કરતાં હવે અધિકારીઓ કહે છે કે મેટ્રોરેલ 2022-23 સુધીમાં પૂર્ણ થશે, એટલે કે હજી બીજા બે થી ત્રણ વર્ષની રાહ જોવી પડશે. મેટ્રોરેલ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ કરવાનું આયોજન હતું પરંતુ હવે 2022ની બીજી ચૂંટણી આવશે ત્યારે પણ પ્રથમ તબક્કો પૂર્ણ થઇ શક્યો નથી.

ગુજરાત મેટ્રોરેલ નિગમના અધિકારીએ કહ્યું હતું કે અમદાવાદની મેટ્રોરેલમાં અત્યાર સુધી 55 ટકા કામ થયું છે. હકીકતમાં આ પ્રોજેક્ટ 2015માં શરૂ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2020થી મેટ્રોરેલમા અત્યાર સુધી કોઇ પ્રગતિ થઇ શકી નથી તેનું કારણ કોરોના વાયરસનું સંક્રમણ છે. મેટ્રોરેલમાં જમીન સંપાદનના કામો લાંબા સમય સુધી ચાલ્યાં છે.

ગુજરાતમાં પહેલી મેટ્રોરેલનો પ્રોજેક્ટ 2005માં મંજૂર થયો હતો. શરૂઆતમાં નિવૃત્ત અધિકારી સંજય ગુપ્તાને આ પ્રોજેક્ટનું કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ તેમણે કૌભાંડ કરતાં ખસેડી લેવાયા હતા. તેમના પછી બીજા નિવૃત્ત આઇએએસ આઇપી ગૌતમને મૂકવામાં આવ્યા હતા. હવે નિવૃત્ત અધિકારી રાઠોડને મૂકવામાં આવ્યા છે. આટલા વર્ષોમાં એક ડઝન અધિકારીઓ  બદલાઇ ચૂક્યાં છે. ગુજરાત સરકારે મેટ્રોના આ પ્રોજેક્ટમાં 2014 સુધી માત્ર 565 કરોડનું કામ કર્યું હતું એટલે કહી શકાય કે મેટ્રોરેલમાં 15 વર્ષથી ચાલી રહી છે. આ જ સમયમાં જયપુરને પણ મેટ્રો મળી હતી પરંતુ તે ચાર વર્ષ પહેલાં કમ્પલેટ થઇ ચૂકી છે.

મેટ્રોરેલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ડીપીઆર પ્રમાણે ફેઝ-1ના 40 કિલોમીટરના કામ માટે 10773 કરોડનો ખર્ચ થવાનો હતો જેમાં જાપાન સરકારની એજન્સી 6066 કરોડની લોન આપવાની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા 2019ની ચૂંટણી સમયે ઇસ્ટ-વેસ્ટ કોરિડોરના પ્રથમ 6.5 કિલોમીટરની મેટ્રોરેલનું ઉદ્દધાટન કર્યું હતું જો કે હવે બીજા છ કિલોમીટર માટે 2021 સુધી રાહ જોવાની રહેશે. આ મેટ્રો માટે હ્યુન્ડાઇ રોટેમ પાસેથી 1025 કરોડના ખર્ચે 32 ટ્રેનોની ખરીદી કરવાની થાય છે જે પૈકી 28 ટ્રેનો અમદાવાદમાં આવી ગઇ છે પરંતુ ટ્રેક અને સ્ટેશનો તૈયાર ન હોવાથી ધૂળ ખાઇ રહી છે.

અમદાવાદના 40 કિલોમીટરના વિસ્તારમાં  મેટ્રો શરૂ થતાં બીજા અઢી થી ત્રણ વર્ષ લાગી શકે છે ત્યારે ગાંધીનગરના ફેઝ-2ના કામો ક્યારે શરૂ થશે તે નિશ્ચિત નથી. આ પ્રોજેક્ટની કોસ્ટ હાલ 6500 કરોડ અંદાજવામાં આવી છે પરંતુ તેમાં જો વિલંબ થશે તો વર્ષે 1500 કરોડનો વધારો થઇ શકે છે. અમદાવાદ મેટ્રોમાં 2000 કરોડનો વધારો થયો છે તેથી આ પ્રોજેક્ટ જ્યારે પૂર્ણ થશે ત્યારે તેની કોસ્ટ વધીને 12773 કરડો થાય તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp