ગાંધીનગર-અમદાવાદ મેટ્રો 3500 કરોડમાં બનવાની હતી હવે આંકડો વધીને થયો 12787 કરોડ

PC: metrorailnews.in

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રોરેલનો પ્રોજેક્ટ એટલો બધો વિલંબિત થઇ ચૂક્યો છે કે તે હવે ઐતિહાસિક બની રહ્યો છે. દેશના રાજ્યો ગુજરાત કરતાં આગળ નિકળી ગયાં છે. અમદાવાદમાં મેટ્રોરેલની યોજના 2003થી વિચારવામાં આવી હતી જેને આજે 17 વર્ષ થયાં છે. આટલા વર્ષોમાં તો અમદાવાદ ઉપરાંત, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી હોત. કામ શરૂ થયા પછી પણ ચાર વર્ષનો અક્ષમ્ય વિલંબ થયો છે.

રાજ્ય સરકારને કેન્દ્રની સીધી સૂચના હતી કે મેટ્રોરેલનું કામ 2018માં પૂર્ણ થઇ જવું જોઇએ પરંતુ અત્યાર સુધીમાં માત્ર છ કિલોમીટરની મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019માં મેટ્રો ટ્રેનમાં બેસીને ચૂંટણી પ્રચાર કરવાના હતા પરંતુ તેમની આ ઇચ્છા અધુરી રહી હતી. 2003માં જ્યારે મેટ્રોરેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી.

બીજી વખત જ્યારે 2007માં વિચાર કર્યો ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ 8000 કરોડ થવાની હતી. 2014માં મેટ્રોરેલના પ્રોજેક્ટની કોસ્ટ 10773 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને 12787 કરોડ થઇ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે તેટલો ખર્ચ વધી રહ્યો છે. હવે મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો દાવો કર્યો છે.

ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોરેલ દોડવાની હતી. અમદાવાદમાં જ હજી મેટ્રોરેલના ઠેકાણાં નથી ત્યારે ગાંધીનગરમાં મેટ્રોરેલ ક્યારે શરૂ થશે તે અનિશ્ચિત છે. હાલ ગાંધીનગરના માર્ગોની મેટ્રોરેલની કોસ્ટ 6700 કરોડ અંદાજવામાં આવી છે પરંતુ જો તેમાં પણ વિલંબ થશે તો આ કોસ્ટ વધીને 10000 કરોડ થવાની સંભાવના છે. ગાંધીનગર મેટ્રો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે તેમ છતાં પ્રોજેક્ટ અંગે કોઇ કામ શરૂ થયાં નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમીક્ષા બેઠકો કરે છે પરંતુ કામમાં ઝડપ આવતી નથી.

અમદાવાદની મેટ્રોરેલ વસ્ત્રાલ થી એપરલ પાર્ક સુધી ચાલે છે જેની પેસેન્જર દીઠ ટિકીટ 10 રૂપિયા છે. આ ટ્રેનમાં રોજના 100 પેસેન્જર બેસે છે. 6.5 કિલોમીટરના આ રૂટનું લોકાર્પણ માર્ચ 2019માં કરવામાં આવ્યું હતું, ત્યારપછી બીજો કોઇ રૂટ શરૂ થઇ શક્યો નથી. મેગા કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે મેટ્રો રેલના પ્રોજેક્ટમાં છ મહિનાનો વિલંબ થયો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp