ઉર્જામંત્રી સોલાર હબ બનાવવાનો દાવો કરે છે પરંતુ દેશમાં આપણે આટલા ક્રમે

PC: khabarchhe.com

ગુજરાતને સોલાર હબ બનાવવાની વાતો કરતી ભાજપની સરકારમાં સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટના અમલીકરણની પ્રક્રિયા એટલી બઘી ધીમી છે કે સોલાર ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ પાછળ ધકેલાઇ રહ્યો છે. સોલાર વીજળીમાં પાડોશી રાજ્ય રાજસ્થાન આગળ નિકળી રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતની સોલાર વીજળીની ઇન્સ્ટોલ કેપેસિટી માત્ર 2440 મેગાવોટ છે જે સમગ્ર દેશના અન્ય પાંચ રાજ્યો કરતાં ખૂબ ઓછી છે.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ ગુજરાતને સોલાર હબ બનાવ્યું હોવાના દાવા કરે છે પરંતુ ગુજરાતનો ક્રમ છઠ્ઠો આવ્યો છે. ગુજરાત કરતાં પાછળ રહેલા રાજ્યો ઘણાં આગળ નિકળી ચૂક્યાં છે. રાજ્યની સોલાર અને વિન્ડ પાવર પોલિસીમાં મોટી ખામી છેકારણ કે ગુજરાતમાં 35000 મેગાવોટ જેટલી વિન્ડ ઉર્જા અને 45000 મેગાવોટ કરતાં વધુ સોલાર વીજળી ઉત્પન્ન થઇ શકે તેમ છે. રાજ્ય સરકારે હવે છૂટછાટ આપી છે પરંતુ ઘોડા નાસી ગયા પછી તબેલાંને તાળા મારવા જેવો ઘાટ છેકારણ કે સોલાર અને વિન્ડના પ્રોજેક્ટ સ્થાપવા માગતા 38 થી વધુ ઉદ્યોગો રાજ્ય બહાર ચાલ્યા ગયા છે.

ભારતમાં સોલાર ઉત્પાદન 2010ના સમયમાં માત્ર 161 મેગાવોટ હતું તે વધીને માર્ચ 2019માં 28464.17 મેગાવોટ થયું છે. સોલાર પાવરની ઇન્સ્ટોલ કેપેસિટીના આંકડામાં નોર્થ ઇન્ડિયામાં સૌથી વધુ 3226.79 મેગાવોટ રાજસ્થાનમાં જોવા મળી છે જે ગુજરાત કરતાં વધુ છે. નોર્થ ઇન્ડિયામાં પંજાબમાં 905.62 મેગાવોટ અને ઉત્તરપ્રદેશમાં 960.10 મેગાવોટ કેપેસિટી છે.

વેસ્ટર્ન પાર્ટમાં ગુજરાત 2440.13 મેગાવોટ સાથે પ્રથમ ક્રમે છે જ્યારે મહારાષ્ટ્રમાં 1633.54 મેગાવોટ અને મધ્યપ્રદેશમાં 1840.16 મેગાવોટની કેપેસિટી છે. સોર્થન સ્ટેટ્સમાં સૌથી વધુ 6095.56 મેગાવોટ સાથે કર્ણાટક પ્રથમ આવે છે. બીજા ક્રમે 3592.07 મેગાવોટ કેપેસિટી તેલંગાણાની છે. 3085.68 મેગાવોટની કેપેસિટી આંધ્રપ્રદેશની અને 2575.22 મેગાવોટ તામિલનાડુની છે. ઇસ્ટર્ન સ્ટેટમાં ઓરિસ્સામાં 394.73 મેગાવોટ અને 142.45 મેગાવોટ બિહારની કેપેસિટી છે.

ગુજરાતમાં સરકારી નહીં પણ ખાનગી કંપનીઓ વધુ વીજ ઉત્પાદન કરી રહી છે. રાજ્યની વીજ સ્થાપિત ક્ષમતા 19555 મેગાવોટ છે જે પૈકી સરકારી વીજળી માત્ર 5517 મેગાવોટ છે જ્યારે ખાનગી વીજ ઉત્પાદન 7207 મેગાવોટ સુધી પહોંચી ગયું છે. રાજ્યના સ્વતંત્ર વીજ ઉત્પાદકો પાસેથી 2604 મેગાવોટ અને કેન્દ્રની ગ્રીડમાંથી 4227 મેગાવોટ વીજળી મળે છે. બીજી તરફ માથાદીઠ વીજ વપરાશ 1991ના 429 યુનિટથી વધીને 2007 યુનિટ થયો છે.

ગુજરાતમાં વીજળીનો વપરાશ વધતો જાય છે ત્યારે રાજ્ય સરકારની વીજ કંપનીઓનું ઉત્પાદન સતત ઘટતું જાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી આપવાનું બંધ કરી બિન પરંપરાગત વીજળીનો આગ્રહ રાખી સોલારરૂફટોપ સોલાર અને વિન્ડ પાવર પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે પરંતુ તેમણે એ ચોખવટ કરી નથી કે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જે થર્મલ પ્રોજેક્ટમાં એમઓયુ સાઇન થયા છે તેને આ નીતિ અસર કરશે કે કેમપરિણામે ગૂંચવાડો ઉભો થયો છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વિન્ડ એનર્જીના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં પવન ઉર્જાની ઉત્પાદન ક્ષમતા 35000 મેગાવોટ છે જેની સામે માત્ર 6033 મેગાવોટની સ્થાપિત ક્ષમતા મેળવી શકાઇ છે. સોલાર વીજળી માટે ગુજરાતમાં 45000 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર 2440 મેગાવોટ મેળવી શકાઇ છે. રૂપાણીનો પ્રયાસ સારો છે પરંતુ સોલાર અને વિન્ડમાં હજી પણ ખાનગી ઉદ્યોગોને વધારે પ્રલોભનોની જરૂરિયાત છે.

 
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp