કોરોના દર્દી હવે હોટલોમાં આઇસોલેશનમાં રહી શકશે, સમાજની વાડીઓ પણ લેવાશે

PC: twimg.com

સુરતમાં અનલોક-1 બાદ કોરોના કેસોની સંખ્યા સડસડાટ વધીને 4713 પર પહોંચી ગઈ છે. રોજ પોણા બસો જેટલા કેસ સામે આવી રહ્યાં છે જ્યારે મોતનો આંક પણ 173 પર પહોંચી ગયો છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ જ્યાં ધમધમે છે તે કતારગામ ઝોનમાં કુલ કેસ 1235 અને વરાછા ઝોન-એમાં 563 અને વરાછા ઝોન-બીમાં 329 કેસ થઈ ગયા છે. પરિણામે ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત બીજી વાર દોડી આવ્યા છે અને સમીક્ષાનો દૌર શરૂ કરી તત્કાલ પ્રભાવથી હીરા ઉદ્યોગને તાળા લગાવી દેવાયા છે.

ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોના ગાઈડલાઈનનો લગાતાર ભંગ થતો હોવાનું સામે આવતા આ પગલા લેવામાં આવ્યા છે. આજે પણ જયંતિ રવિએ કતારગામ, નંદુડોશી વાડીની મુલાકાત લીધી હતી અને કેટલાક સૂચનો કર્યા હતા. જયંતિ રવિએ લોકોને તકેદારી રાખવા અને હોમ આઈસોલેશન થવા માટે અપીલ કરી છે.

 હોટેલ, સમાજની વાડીનો પણ થશે આઈસોલેશન માટે ઉપયોગ

પત્રકાર વાર્તાને સંબોધતા જયંતિ રવિએ કહ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં કોઈ પણ જાતના સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ થયો નથી, માસ્ક પહેરાયા નથી અને સેનેટાઈઝિંગ, હાથ સાફ વારંવાર કરવા તે નિયમો પડાયા નથી. બીજુ કે તમામ યુનિટ ફુલ્લી એરકન્ડિશનવાળા હોવાથી વાઈરસનો લોડ રહ્યો છે જેના કારણે પણ સંક્રમણ વધ્યું છે. પરિણામે હીરા ઉદ્યોગ બંધ કરાવાયો છે. જયંતિ રવિએ લોકોને અપીલ કરી કે સામાન્ય લક્ષણો હોય તો પણ લોકો પોતાના ફેમીલી ડોક્ટરનો સંપર્ક કરે અને હોમ આઈસોલેટ થઈને સારવાર લે.

ખાનગી ડોક્ટરને વિવિધ હોસ્પિટલ સાથે એટેચ કરવામાં આવી રહ્યાં છે અને તેઓ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા સુધી મદદ કરશે. ઓક્સિજનની માત્રા પણ ઓક્સીમીટરથી ચકસતા રહે. વીડીયો કોલથી ડોક્ટરના સંપર્કમાં રહે. લોકો કોરોના સામે અગમચેતીના આગોતરા પગલા પણ લે. રોગ પ્રતિકારક શક્તિ વધારે અને આયુષની ગાઈડલાઈન મુજબના ઉપાયો કરતા રહે. જેનાથી, બચી શકાશે. જેના ઘરે આઈસોલેશનની સુવિધા થઈ શકે એમ ન હોય તો તેઓ સમરસ હોસ્ટેલ કે હવે ત્યાં પણ પુરતા પ્રમાણમાં પાઈપલાઈનથી ઓક્સિજનની સુવિધા ઊભી કરવાના આદેશ આપી દેવાયા છે ત્યાં જઈ શકશે.

ખાનગી હોટેલ કે ત્યાં તમામ સુવિધા હોય છે તેની સાથે પણ અમે ટાઈઅપ કરી રહ્યાં છે ત્યાં પણ આઈસોલેશન કરી શકશે. હાલ જીંજર હોટલ સાથે તે દિશામાં આગળ વધાયું છે. સમાજની વાડીઓ કે જ્યાં ડોક્ટર્સ અને ફુડની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમની સાથે પણ વાતો કરાય રહી છે.

-ધનવંતરી રથથી સફળતા, અન્ય રાજ્યોની પણ ઈન્ક્વાયરી:

જયંતિ રવિએ કહ્યું હતું કે, સુરતમાં ધનવંતરી રથ કાર્યરત કરાયા છે. મુખ્યમંત્રી રૂપાણીના આઈડિયાથી શરૂ કરાયેલા આ રથને કારણે અમદાવાદમાં સારી સફળતા મળી છે અને તે માટે બીજા રાજ્યોથી પણ ઈન્કવાયરી કરાય રહી છે. સુરતમાં પણ તેનો ઉપયોગથી લાભ થશે. બીજુ કે સુરતમાં 100 વેન્ટિલેટર પૂરા પડાયા છે. દિલ્હીથી પણ કેન્દ્ર સરકાર કેટલાક વેન્ટિલેટર પુરા પાડી રહી છે. હાલ સ્ક્રીનિંગ, ઓક્સીમીટરથી ઓક્સિજન અને પલ્સ, આયુષની દવા અને એલોપેથી દવાઓ થકી ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp