જીઆઇડીસીમાં રૂ. 600 કરોડના જમીન કૌભાંડનો આરોપ, CBI તપાસ માટે PMને ફરિયાદ

PC: dnaindia.com

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 2 ગામો માં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે જમીન લેવામાં રૂ. 600 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે પૂર્વમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સીબીઆઇ તપાસની માગ કરી છે.

ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના કન્વીનર અને માજી મંત્રી ખુમાનસિહં વાંસિયાએ આરોપ લગાવ્યો છે કે તેમની પાસે વાગરા તાલુકાના 3 ગામો અંભેલ, પખાજણ અ લીમડી ગામોના ખેડૂતો આવ્યા હતા. આ ગામોમાંથી 1200 એકર જમીન જીઆઇડીસી માટે સંપાદન હાલમાં જ કરાઇ છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન પહેલા વલસાડના ખેડૂતોએ ખરીદી લીધી હતી. તે સસ્તા ભાવે ખરીદી હતી. ઘણા કિસ્સાઓમાં ધાક-ધમકી કે લાલચ આપીને ફસાવ્યા. એકવાર જમીનનો દસ્તાવેજ કરી આપ્યા પછી તે જમીન નવા ખેડૂતોએ જીઆઇડીસીને વેચી હતી.

આવી જમીનના તે ખેડૂતોને ઊંચા ભાવ મળ્યા અને મૂળ જમીન માલિકોને એક રીતે ઠગવામાં આવ્યા. વાંસિયાએ આ આખી પ્રક્રિયામાં જીઆઇડીસી અને અન્ય અધિકારીઓની સંડોવણીની વાત કરી છે. તેમણે જીઆઇડીસીના એમડી એમ થૈન્નારાસન, ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્ય સચિવ એમકે દાસ તથા ભરૂચ જીઆઇડીસીના જમીન સંપાદન અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર યાસ્મીન શેખ સામે પણ તપાસ કરવાની માગ કરી છે.

આ અંગેની ફરિયાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરીને સીબીઆઇ તપાસની માગ કરી છે. આ ઉપરાંત ફરિયાદની નકલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલને પણ મોકલાવી છે. જોકે, બીજી બાજુ આ અંગે અધિકારીઓ કહે છે કે સરકારના નિયમ મુજબ કોઇ પણ વ્યક્તિ ગુજરાતમાં કોઇપણ જગ્યાએ જમીન ખરીદી શકે છે. જ્યારે સંપાદન કરાઇ ત્યારે જે ખેડૂતની માલિકી હોય તેમને જ વળતર ચૂકવવામાં આવે છે. એટલે સરકાર તરફથી આમાં કોઇ દખલગીરી આવતી નથી.

જોકે, લોકોનું કહેવું છે કે જો એવું લાગતું હોય કે આ બાબતમાં જાણી જોઇને કૌભાંડ થયું છે તો તેની તપાસ તો થવી જ જોઇએ. તપાસ થતાજ બધુ સત્ય બહાર આવી જશે. જો, જમીન સંપાદન થયાના થોડા જ સમય પહેલા આ જમીનો બીજા ખેડૂતો દ્વારા ખરીદવામાં આવી હોય. અમુક ચોક્કસ જ વ્યક્તિઓએ મોટાપાયે જમીનો ખરીદી હોય અને તેમને રૂપિયા ટ્રાન્સફર થયા હોય તો કૌભાંડની ગંધ તો જરૂર આવે છે. હવે આ કૌભાંડ જો થયું હોય તો કેવી રીતે થયું તે જાણવા માટે તપાસ જરૂરી છે. જોકે, આ પ્રકારના કૌભાંડો માત્ર અહીં જ નહીં પરંતુ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં થતા હોય છે. એટલે સરકારે એવી વ્યવસ્થા લાવવી જોઇએ કે ભવિષ્યમાં આવા કૌભાંડ તો શું ખેડૂતોને ફરિયાદ કરવાનો અવસર પણ ન આવે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp