અદાણી ગેસને અમદાવાદ પાલિકા આકારણીમાં આ રીતે કરાવી રહી છે કરોડોનો ફાયદો

PC: appadvice.com

અદાણી ગેસ દ્વારા વર્ષ-2004માં ગેસ પાઈપ લાઈન નાંખવાની શરૂઆત કરી તે સમયથી લઈને પંદર વર્ષમાં પાઈપ લાઈનની લંબાઈ બમણી થઈ હોવા છતાં અમદાવાદ મહાનગર પાલિકા - અમપાના મિલકત વેરા વિભાગ તરફથી નવી કોઈ આકારણી કરાઈ નથી. કેટલા કિલોમીટરમાં કેટલી લંબાઈની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે તેની કોઈ સમીક્ષા થઈ નથી. આ કારણોથી અમપાની તિજારીને કરોડો રૂપિયાનુ આર્થિક નુકસાન થવા પામ્યુ છે.

અડધી આકારણીથી 100 કરોડનું નુકસાન

અદાણી ગેસની માલિકીના ધોરણે રૂ.36 કરોડની આકારણી કરાઈ છે. ભાડૂઆત હોત તો એ બમણી એટલે કે રૂ.72 કરોડથી વધી જાય છે. ઉપરાંત દર ચાર વર્ષે કરવામા આવતી ચતુર્વર્ષીય આકારણી બાદ મિલ્કતના વપરાશ ઉપર સરેરાશ દસ ટકાની વધું ઉમેરવામા આવે છે. આમ અમપાની તિજારીને વર્ષ-2011થી કરવામા આવેલી વેરાની ગણતરીના કારણે રૂપિયા સો કરોડનુ અંદાજીત નુકસાન થવા પામ્યુ છે.

અદાણી ગેસ દ્વારા નાંખવામાં આવેલી ગેસ પાઈપ લાઈન

અમપા દ્વારા વર્ષ-2004ના વર્ષમાં અદાણી ગેસને ગેસ પાઈપ લાઈન નાંખવા શહેરના મધ્યઝોન ઉપરાંત ઉત્તર,દક્ષિણ,પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનમાં મંજુરી આપવામા આવ્યા બાદ ગેસ પાઈપ લાઈન નાંખવામાં આવી હતી. આ પાઈપલાઈન નાંખવામાં આવ્યા બાદ વર્ષ-2004માં આકારણી કરી અમપા ટેકસ વિભાગે અદાણી ગેસ દ્વારા કુલ મળીને 359738 લંબાઈ મીટરની ગેસ પાઈપ લાઈન નાંખવામા હોવાની આકરણી કરીને વર્ષ-2019ની સ્થિતિએ કુલ રૂપિયા 362583264નો કર વસુલવા અદાણી ગેસને બીલ મોકલ્યા હતા.આ પૈકી અદાણી ગેસ દ્વારા કુલ રૂપિયા 305991396 નો વેરો ભરપાઈ કર્યો છે. હજુ કુલ રૂપિયા 56571958 નો વેરો ભરપાઈ કરવાનો બાકી છે.

સત્તાધીશો સામે આ છે સવાલો..

1

અદાણી ગેસ દ્વારા છેલ્લા પંદર વર્ષમાં મંજૂર લંબાઈથી અનેકગણી ગેસ પાઈપ લાઈન અમદાવાદ શહેરના પાંચ ઝોનમાં નાંખવામા આવી છે. આ નવી નાંખવામાં આવેલી ગેસ પાઈપ લાઈનનો રી-સર્વે કયા કારણસર કરવામા આવ્યો નથી.

2

સામાન્ય લોકોને કર મોડો ભરવા બાબતમાં 18 ટકા વ્યાજ ભરવા દબાણ કરાય છે,તો અદાણી ગેસના કીસ્સામાં 18 ટકા વ્યાજની વસુલાત થાય છે કે કેમ.

3

સામાન્ય કરદાતાનો પાંચ,કે દસ હજાર પમ કર બાકી હોય તો નળ અને ગટરની સુવિધા કાપી નાંખવામા આવે છે તો અદાણી ગેસના કેસમાં શુ કાર્યવાહી કરાઈ.

4

અદાણી ગેસ ઉપરાંત અમદાવાદ શહેરમાં કઈ-કઈ કંપનીઓને કયા-કયા કારણોસર રોડ ઓપનીંગની પરમીશન આપવામા આવી. આ કંપનીઓ પાસેથી કેટલી રકમનો વેરો અમપાને વસુલવાનો બાકી છે.

5

જે તે સમયે અદાણી ગેસને ગેસ પાઈપ લાઈન નાંખવા આપવામા આવેલી મંજુરી બાદ કોઈ રી-સર્વે(ચતુર્વર્ષીય આકરણી) ન કરાયો હોઈ અમપાની તિજારીને પહોંચેલા કરોડો રૂપિયાના નુકસાન બદલ અમપાના જવાબદાર અધિકારીઓ સામે આજદીન સુધી કેમ કાર્યવાહી કરવામાં ન આવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp